કાર્યવાહી:સુરતમાં દબાણ ખાતાના સ્ટાફે શાકભાજીની લારીઓ ઊંધી વાળતા હોબાળો, બંને પક્ષ વચ્ચે ઝપાઝપી બાદ પોલીસે શાક વિક્રેતાઓની અટકાયત કરી

સુરત5 મહિનો પહેલા
સુરતમાં દબાણ ખાતાના સ્ટાફે લારીઓ ઊંધી પાડી
  • ભટાર ઉમા ભવન ખાતે શાકભાજીની લારીઓ દ્વારા દબાણ કરાતા કાર્યવાહી
  • દબાણ ખાતાએ લારીઓ ઊંધી પાડતા વેપારીઓ રોષે ભરાયા

કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરીના ભાગરૂપે આજે ભટાર વિસ્તારના ઉમા ભવન ખાતે શાકભાજીની લારી અને દબાણ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. તે દરમિયાન શાકભાજીની લારી વાળાઓ સાથે દબાણ ખાતાની ચકમક થતા દબાણ ખાતાના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા લારી ઉંધી વાળી દેવાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. જે બાદ દબાણ ખાતાના સ્ટાફ અને શાકભાજીના વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

કોર્પોરેશનની દબાણ હટાવવાની કામગીરી
શહેરના ઉમા ભવન ખાતે શાકભાજી વિક્રેતાઓ દ્વારા હંમેશા રસ્તા ઉપર દબાણ થયેલું જોવા મળતું હોય છે. કોર્પોરેશનની ટીમ આજે દબાણ દૂર કરવા જતા ત્યાં દોડધામ મચી ગઇ હતી. શાકભાજી વિક્રેતાઓ પોતાની લારી લઇને ભાગતાં જોવા મળ્યા હતા. તો કેટલીક શાકભાજીની લારીઓને કોર્પોરેશનના સ્ટાફ દ્વારા ઊંધી પાડી દેતા હોબાળો મચી ગયો હતો. શાકભાજી વિક્રેતા અને સ્ટાફના માણસો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. કોર્પોરેશન દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસ વાનમાં શાકભાજી વિક્રેતાને અટકાયત કરવામાં આવી હતી.

શાક વિક્રેતાઓ સાથે દબાણ ખાતાના કર્મચારીઓની ઝપાઝપી
શાક વિક્રેતાઓ સાથે દબાણ ખાતાના કર્મચારીઓની ઝપાઝપી

10 દિવસમાં ફરી શાકભાજી વિક્રેતા દબાણ કરવા લાગે છે
સુરત શહેરમાં દબાણ ખાતા અને શાકભાજી વિક્રેતાઓ તેમજ અન્ય દબાણકર્તાઓ સાથે ઘર્ષણ થતા રહે છે. પરંતુ મહત્વની બાબત એ છે કે જે વિસ્તારમાંથી લારી ઉઠાવી લઈ જાય છે તે વિસ્તારમાં આઠથી દસ દિવસમાં જ ફરીથી તમામ લારીઓ કેવી રીતે આવી જાય છે તે એક મોટો પ્રશ્ન છે. દબાણ ખાતામાં ચાલતા ભ્રષ્ટાચારને કારણે વારંવાર દબાણ થતું હોય તેવું જણાય છે. જે લારીઓ ઉઠાવી જવામાં આવે છે તે પરત કોના ઇશારે આપી દેવામાં આવે છે તે ચર્ચાનો વિષય છે.

પોલીસે શાક વિક્રેતાઓની અટકાયત કરી
પોલીસે શાક વિક્રેતાઓની અટકાયત કરી

કાર્યવાહી છતાં કાયમની તે જ સ્થિતિ
આટલું જ નહીં એની એ જ લારીવાળા અને એના એ જ શાકભાજીવાળા ફરી એજ જગ્યા ઉપર બેઠેલા દેખાય છે. તો દબાણ ખાતાની કામગીરીનો મતલબ સમજાતો નથી. શહેરના અનેક વિસ્તારોમાં આ જ પ્રકારની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે એક અઠવાડિયામાં આવીને તમામ લારીઓ ઉપાડી જાય છે અને બીજા દસ દિવસમાં ફરીથી એની એ જ સ્થિતિ જોવા મળે છે.