સુરતમાં યોજાયેલા વીવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઈલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપ-અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા, જેમાં GST મુદ્દે પાટીલે નિવેદન આપ્યું હતું, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૌન રહ્યા હતા. આ કાર્યક્રમમાં પાટીલે GSTને લઈને વેપારીઓ દ્વારા થનારા બંધના એલાન સહિતના આંદોલન પાછળ રાજકીય પક્ષોનો હાથ હોવાનું કહેતાં ઉમેર્યું હતું કે કેટલાક રાજકીય પક્ષના સભ્યો થઈને ખોટી રીતે આંદોલન ઊભું કરી રહ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જીએસટી દર 12 ટકાની જગ્યાએ 5 ટકા યથાવત્ રાખવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખવાના હોવાનું સામે આવ્યું છે.
CM પત્ર લખશે
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સરકાર ટેક્સટાઈલ ઉદ્યોગના હિત માટે જાગ્રત છે. અમારા દ્વારા 12% જીએસટીના મુદ્દે કાપડ ઉદ્યોગને ખૂબ નુકસાન થશે, એ અંગેની રજૂઆત કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટરને કરી છે. મુખ્યમંત્રી દ્વારા 12% જીએસટી ઘટાડી 5% યથાવત્ રાખવા કેન્દ્ર સરકારને પત્ર લખશે. ટેક્સટાઇલ પાર્ક બને એ માટેની જમીન અનુકૂળ ઉદ્યોગોને લાગી નથી. સુરતની નજીક બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેને કારણે જીઆઇડીસી હજી સુધી ટેક્સટાઈલ પાર્ક ફાઇનલ કરી શકી નથી.
રોજગારી માટે ટેક્સટાઈલ હબ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં બધાએ સાથે મળીને આગળ વધવાનું છે. બધું સારું જ થવાનું છે. રોટી, કપડાં અને મકાન આર્થિક જરૂરિયાત છે. ટેક્સટાઈલ એકમાત્ર એવું ક્ષેત્ર છે, જે સૌને જરૂર પડે છે. બદલાતા સમયની સાથે નવી ટેક્નોલોજી અપનાવવામાં આવી રહી છે. દેશના અલગ અલગ લોકોને રોજીરોટી આપવામાં ટેક્સટાઈલ મોટું હબ બન્યું છે. ટેક્સટાઈલ ઉદ્યોગ નવી સ્કિલ ડેવલપ કરશે એવો મને વિશ્વાસ છે.
મૂડીરોકાણમાં વધારો થશે
વાઈબ્રન્ટ સમિટ પૂર્વે યોજાયેલી પ્રી-વાઈબ્રન્ટ સમિટને સંબોધતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે કોવિડના સમયે પણ ટેક્સટાઈલ ઉદ્યોગ આગળ વધ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સ્કીમ મૂડીરોકાણમાં વધારો કરશે. ગુજરાતનો કાપડ ઉદ્યોગ સમગ્ર વિશ્વ માટે ગૌરવનો વિષય છે. ગુજરાત નિકાસમાં બાર ટકા યોગદાન આપે છે. ગુજરાત ફેબ્રિકનું સૌથી મોટું ઉત્પાદન કરતું રાજ્ય છે. કાપડ ઉદ્યોગને વધુ વેગ આપવા વડાપ્રધાને સ્કીમ જાહેર કરી છે, જેનો લાભ આગામી દિવસોમાં થશે.
ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પોલિસી
'ગુજરાત વ્યક્તિકેન્દ્રી નહીં, પણ પોલિસી ડ્રિવન રાજ્ય છે. ગુજરાતમાં વિવિધ પ્રકારની ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પોલિસી અમલી છે, તેના કારણે ગુજરાત 'બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ' બન્યું છે. રાજ્ય સરકારે ટેક્સટાઈલ પોલિસીના માધ્યમથી ટેક્સટાઈલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન, સ્કીલ એન્હાન્સમેન્ટ-ડેવલપમેન્ટ અને ટેક્સટાઈલ પાર્ક્સ-કલસ્ટરના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરા પાડયા છે', એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત ખાતે આયોજિત 'વિવિંગ ગ્રોથ ફોર ટેક્ષટાઈલ' વિષય પર પ્રિ-વાયબ્રન્ટ સમિટમાં સંબોધન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું.
એમ ફાઈવ ફોર્મ્યુલા
રાજ્ય સરકાર દ્વારા તા.10 થી 12 જાન્યુઆરી,2022 દરમિયાન યોજાનાર 'વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022' ના ભાગરૂપે પ્રિ-વાયબ્રન્ટ સમિટના વિવિધ તબક્કાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે સુરતના ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે 'વિવિંગ ગ્રોથ ફોર ટેક્ષટાઈલ' વિષય પર પ્રિ-વાયબ્રન્ટ સમિટ યોજાઈ હતી.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ટેક્ષટાઈલ ઉદ્યોગ માનવીની 'રોટી, કપડા અને મકાન'ની મૂળભૂત ત્રણ જરૂરિયાતોમાંથી એક જરૂરિયાત પૂરી કરવામાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે. ગુજરાતમાં ટેક્ષટાઈલ સહિતના ઉદ્યોગો માટે સાનુકુળ વાતાવરણ છે. ફાર્મ ટુ ફાયબર, ફાયબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન, ફેશન ટુ ફોરેન એમ ફાઈવ ‘F’ ની પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ફોર્મ્યુલાથી ગુજરાતે કાપડ ઉદ્યોગમાં ઉલ્લેખનીય પ્રદાન કર્યુ છે. નવી ટેકનોલોજી, નવી પેટર્ન અને સ્કીલ અપગ્રેડેશનના સહારે રાજ્યનો કાપડ ઉદ્યોગ ગતિ પકડી રહ્યો છે, જેમાં સુરતનો ફાળો વિશેષ છે એવો મત તેમણે વ્યકત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.