જાહેરનામાના લીરા ઉડાવ્યા:સુરતમાં પોલીસ કોન્સ્ટેબલે જ કાયદો તોડ્યો, મોંઘીદાટ ગાડી માથે બેસી ફાર્મ હાઉસમાં જન્મદિવસની ઉજવણી કરી

સુરત8 મહિનો પહેલા
કોન્સ્ટેબલ દ્વારા કમિશનરના જાહેરનામાનો ભંગ કરી જન્મદિવસની ઉજવણી કર્યાનું સામે આવ્યું છે.
  • પુણા પોલીસ કોન્સ્ટેબલના જન્મદિવસનો વીડિયો સામે આવ્યો

સુરત શહેરમાં પોલીસ કર્મચારીઓ સતત વિવાદમાં આવી રહ્યા છે. વિદાય સમારોહ હોય કે જન્મદિવસની ઉજવણી હોય પોલીસ તમામ નીતિ નિયમો નેવે મૂકી રહ્યા છે. એવા સમયે જ સુરતના પુણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વીડિયો પુણા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહાવીર સિંહ મકવાણાનો છે.જેણે ફાર્મ હાઉસમાં રજવાડાના રાજાને ઘટે નહિ કાંઈ ગીત પર મોંઘીદાટ ગાડીમાં બેસી સિંઘમ સ્ટાઈલમાં જન્મદિવસ ઉજવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ફાર્મ હાઉસમાં ઉજવણી
સુરત શહેરના કોન્સ્ટેબલનો કેવો દબદબાભેર જન્મ દિવસ ઉજવાય છે, તે આ વીડિયો પરથી જણાઈ આવે છે. શહેરના છેવાડાના ફાર્મ હાઉસમાં જન્મદિવસ ઉજવાયો હતો. જેમાં લક્ઝુરિયસ કારમાં રુફથી બહાર નીકળીને ફિલ્મનો હીરો હોય તે રીતે ફિલ્મી ગીત પર દબદબાભેર ફાર્મ હાઉસમાં સિંઘમ સ્ટાઈલમાં એન્ટ્રી લેતો વીડિયો સામે આવ્યો છે.

પોલીસ કમિશનરના જાહેરનામાં લીરે લીરા
પોલીસ કોન્સ્ટેબલનો મોંઘીદાટ બ્રાન્ડેડ કારમાં આ રીતનો વિડીયો જોઈને પોલીસના સિનિયર અધિકારીઓ પણ અવાક બની ગયા છે. પોલીસ કમિશનર દ્વારા કોરોના સંક્રમણ કાળ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય અને બર્થ ડે સેલિબ્રેશન જેવા કાર્યક્રમો ન ઉજવાય તેના ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે.પરંતુ પોલીસ કર્મચારીઓને જાણે પોલીસ કમિશનરનો કોઈ જ ડર ન હોય તે રીતે વધી રહ્યા છે. જેમાં ખુદ પોલીસ કર્મચારી જ પોલીસ કમિશનરના જાહેરનામાના લીરે લીરા ઉડાવતા નજરે પડી રહ્યાં છે.

કોન્સ્ટેબલ મોંઘીદાટ કારમાં બેસી ઠાઠ સાથે એન્ટ્રી કરતા વીડિયોમાં જોવા મળે છે.
કોન્સ્ટેબલ મોંઘીદાટ કારમાં બેસી ઠાઠ સાથે એન્ટ્રી કરતા વીડિયોમાં જોવા મળે છે.

કાયદો કોન્સ્ટેબલે જ તોડ્યો
કાયદા વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે તેમના દ્વારા જ કાયદો-વ્યવસ્થાનું ઉલ્લંઘન થતું હોવાનું નજરે પડી રહ્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે સામાન્ય જનતા નિયમોનું પાલન યોગ્ય રીતે કરશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. આ વીડિયોમાં કોન્સ્ટેબલ મહાવીરસિંહ મકવાણા હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે તેની સામે પોલીસ કમિશનર કેવા પગલાં લે છે તેના ઉપર સૌની નજર છે. કારણ કે થોડા દિવસો અગાઉ વિદાય સમારંભ ગોઠવનારા પીઆઈને પોલીસ કમિશનરે સસ્પેન્ડ પણ કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...