સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની જડતાપૂર્વકના વલણને કારણે રકાસ થયો છે. 120 બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસને એકપણ સીટ મળી નથી. પાસ દ્વારા કોંગ્રેસ પાસે બે ટિકિટ માંગવામાં આવી હતી. જેમાં એક ધાર્મિક માલવિયા અને બીજી એડવોકેટ સંજય ધોરાજીયાના પત્ની વિલાસ ધોરાજીયા માટે ટિકિટ મંગાયેલી હતી.કોંગ્રેસે છેક સુધી વિલાસબેનને મેન્ડેટ આપવાની વાત કરેલી અને અંતે કોંગ્રેસે પાસની પીઠમાં ખંજર ભોંક્યું હોય તેમ મેન્ડેટ ન આપતાં પાસના ધાર્મિકે ફોર્મ ભર્યું નહોતું.જેથી પાસ કોંગ્રેસથી વિમુખ થઈ અને આજે તેના પરિણામે કોંગ્રેસનો સુરતમાંથી રકાસ થયો છે.
કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું
સુરત શહેર કોંગ્રસ-પ્રમુખ બાબુ રાયકાએ રાજીનામું ધરી દીધું છે. સુરતમાં કોંગ્રેસની કારમી હાર થઇ છે. આ કારમી હારની જવાબદારી સ્વીકારી પક્ષપ્રમુખપદેથી બાબુ રાયકાએ રાજીનામું ધરી દીધું છે. 30 વર્ષ પછી કોંગ્રેસને એકપણ બેઠક મળી નથી. છેલ્લી છ ટર્મથી જીતતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર સોલંકીની સાથે વિપક્ષનેતા પપન તોગડિયા સહિતના નેતાઓ હારી જતાં કોંગ્રેસ જડમૂળમાંથી પાલિકામાંથી નીકળી ગઈ છે. 36 બેઠકો ગત વખતે મેળવનાર કોંગ્રેસ હાલ શૂન્યથી આગળ વધી શકી નથી.
દિગ્ગજ કોર્પોરેટરની હાર
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઇ છે. સુરતમાં કોંગ્રેસના દિગ્ગજ અને પૂર્વ કોર્પોરેટરોની હાર થઇ છે. સુરતમાં ૪કોંગ્રેસની એકપણ સીટ મળી નથી ત્યારે સુરત કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાબુ રાયકાએ રાજીનામું ધરી દીધું છે. બાબુ રાયકાએ રાજીનામું આપ્યું તેમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે મને ઘણુંબધું આપ્યું છે. ચૂંટણીમાં આપેલા ચુકાદાને માન્ય રાખું છું અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલી કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારી તમામ પદેથી રાજીનામું આપું છું.
કોંગ્રેસ આઉટ,આપ ઈન
પાલિકામાંથી કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થઈ ગયો છે. ભાજપને આપ અને કોંગ્રેસની લડાઈનો ફાયદો ચોક્કસ થયો છે. જોકે સૌથી વધુ વકરો એટલો નફો આપને થયો છે. આપની સીટ બે આંકડામાં માનવામાં આવતી હતી ત્યાં રાજકીય પંડિતો પણ ખોટા સાબિત થયા છે અને આપની સીટો 27 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. જ્યારે ગત વિધાનસભામાં કોંગ્રેસે જીતેલી 36 બેઠકમાંથી હાલ શૂન્ય પરથી કોંગ્રેસ આગળ વધી શકી નથી. સૌથી વધુ ગુજરાતમાં આપની બેઠકો સુરતમાં મળી છે. સુરત પાલિકામાં વિરોધ પક્ષમાંથી કોંગ્રેસ આઉટ થઈ છે અને ત્યાં હવે આપના કાઉન્સિલરો બેસશે.
આંદોલનકારી યુવાનોની તાકાત ફરી સાબિત થઈ
પાસના ધાર્મિક માલવિયાએ કહ્યું કે, ચૂંટણી પરીણામ રાજકીય પક્ષોને તેમને વહાલાં થયેલ રાજકીય લોકોના મોં પર તમાચો છે, લોકશાહીમા હંમેશા જનતા એટલે કે લોકમત સર્વોપરી હોય છે. જે પ્રકારે સુરત શહેરમાં ચૂંટણી પરિણામો આવ્યા તે સ્પષ્ટ પણે આંદોલનકારી યુવાનોની તાકાત શું છે તે બતાવ્યું છે. તમામ જીતેલા અને હારેલા ઉમેદવારોને અભિનંદન આપીએ છીએ. લડે તે જ હારી કે, જીતી શકે છે અને તમામ લોકો ને પોતાની શક્તિનો અંદાજો આવી શકે જે પ્રકારે રાજકીય પક્ષો કોઈ પણ સમાજ કે, સંગઠનનો માત્ર પોતાની રાજનીતિ માટે ઉપયોગ કરતી હોય ત્યારે તેમની શક્તિ શું પરીણામ લાવી શકે તેનો આ અંદાજો છે. ખાસ છેલ્લે એટલું જ કહીશ કે, આ અમારા સંગઠન અને સમાજની તાકાત છે. અમને કોઈ ગુમાન કે અભિમાન નથી પણ જે અમારી સાથે ગુમાન કે અભિમાન કરશે તેને ચોક્કસ ઝૂકાવી દઈશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.