સુરતમાં યોજાયેલા ઈ-FIRના કાર્યક્રમમાં લોકોમાં જાગૃતિ ફેલાવવાની સાથે સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લવ-જેહાદ પર લાલ આંખ કરી હતી. તેમણે કહ્યું હતું કે કોઈ નામ બદલીને કોઈપણ ભોળી દીકરીઓને ફસાવે એને પ્રેમ ન કહેવાય. આજે નામ બદલીને પ્રેમના નાટક થતા હોવાનું સામે આવી રહ્યું છે, કોઈ મુસ્તફા મહેશ બનીને સમાજ વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરશે કે મહેશ કોઈ અન્ય નામ ધારણ કરીને પ્રેમને બદનામ કરવાની કોશિશ કરશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે એવી બાંયધરી આપું છું
પ્રેમને બદનામ કરનારને છોડાશે નહીં
પ્રેમ શબ્દને કોઈપણ બદનામ કરશે તો તેને છોડવામાં આવશે નહીં, એમ કહેતાં ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે પ્રેમ કરવાનો હક તમામને છે, પરંતુ પોતાની ઓળખ જાહેર કરીને, છુપાવીને નહીં. કોઈ મુસ્તફા મહેશ બનીને પ્રેમ કરે તો તે સમાજની વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ છે. આ વિષય પર કોઈપણ ફરિયાદ અમને મળશે તો એ બાબતે કડક પગલાં ભરવામાં આવશે એવી બાંયધરી હું સૌને આપું છું.
ડ્રગ્સ મુદ્દે સરકારે કાર્યવાહી કરી
હર્ષ સંઘવીએ સરકારની કામગીરી જણાવતાં કહ્યું હતું કે જેમ જેમ ચૂંટણી નજીક આવે એમ એમ ગુજરાત અને એની સાથે જોડાયેલા વિષયમાં રાજનીતિ શરૂ થાય છે. ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે હલ્લાબોલ કર્યો છે. 5000 કરોડનું ડ્રગ્સ એક વર્ષના ગુજરાત પોલીસે પકડ્યું છે. આ દેશના એક કહેવાતા યુવા નેતાએ કહ્યું હતું કે ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે. હું કહેવા માગું છું કે ડ્રગ્સ પકડાય છે કે પકડવું એનો ભેદ તમે સમજો છો, પણ દેશ ચલાવવાનાં સપનાં છે, તેને નથી સમજાતું. આ ડ્રગ્સ પકડવા માટે ભારત પાકિસ્તાનની બોર્ડર પર ગુજરાત ATS દ્વારા અનેક ઓપરેશન કરવામાં આવે છે. ગોળી ખાવા તૈયાર ગુજરાત પોલીસે પંજાબ-મહારાષ્ટ્ર જતું અટકાવ્યું છે. ડ્રગ્સ જોડે રાજનીતિ કરતી વ્યક્તિ આ દેશનો દુશ્મન છે. આ પ્રકારની હલકી રાજનીતિ દેશની એકતા તોડી રહી છે.
બળાત્કાર-લૂંટ જેવા કેસોમાં 100 ટકા ડિટેકશન થયું
તેમણે વધુમાં કહ્યું હતું કે સુરત શહેરમાં બળાત્કાર અને લૂંટ જેવા કેસોમાં 100 ટકા ડિટેકશન થયું છે, શહેરમાં ક્રાઇમ રેટમાં 24 ટકાનો ઘટાડો આવ્યો છે. સુરતે દેશને નવી દિશા આપી છે. બાળકી પરના દુષ્કર્મના ગંભીર ગુનાઓમાં અનેક કેસોમાં ગંભીર સજા અપાવવામાં પોલીસ સફળ રહી છે. દરરોજ અનેક સમાજ ઉપયોગી કામ પોલીસ કરે છે, પણ સમાજમાં નેગેટિવ વાતો સાંભળવાનો એક સ્વભાવ બન્યો છે. ટ્રાફિકના અનેક પ્રશ્નો પર પોલીસ કામગીરી કરી રહી છે. ટેક્સટાઇલ માર્કેટના વેપારી અને તમામ એસોસિયેશનના લોકો મને મળ્યા, ગૃહમંત્રી બન્યા બાદ તેમણે મને કહ્યું હતું કે ટેકસટાઇલમાં છેતરપિંડી થાય છે, પણ ફરિયાદ થતી નથી. આ વાત હવે નિરાકરણ તરફ જઈ રહી છે. આગામી દિવસોમાં ટેક્સટાઇલ માર્કેટ માટે એક પોલીસ સ્ટેશન બનશે.
ઈ-FIRનો કાર્યક્રમ હતો
સુરતમાં સિટી લાઈટ અગ્રેસન ભવનમાં ઈ-FIR અંગે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગૃહ રાજ્યમંત્રી તેમજ સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા ઈ-FIR એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ ઈ-FIR થકી લોકો હવે ઘરે બેઠા વાહનચોરી અને મોબાઈલચોરીની ફરિયાદ કરી શકે છે. આ અંગે લોકોમાં જાગૃતિ આવે અને ઈ-FIR કઈ રીતે નોંધી શકાય એ બાબતે વિગતવાર સમજ આપવા સારુ સુરત શહેર પોલીસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુરતના સિટી લાઈટ સ્થિત અગ્રેસન ભવન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી, સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.