ચોમાસા જેવો માહોલ:સુરતમાં સતત ત્રીજા દિવસે વરસાદ, ગુજરાત પર એકસાથે બે સિસ્ટમ સક્રિય, પાંચ દિવસ વરસાદની આગાહી

સુરત6 મહિનો પહેલા
  • હવામાન વિભાગની ગાજવીજ, વીજળી ત્રાટકવાના અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું હોય એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશની સાથે અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરમિયાન સુરતમાં સતત ત્રીજા દિવસે વરસાદ નોંધાયો છે. સુરત સાથે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાંમાં પણ હળવો વરસાદ નોંધાયો છે.

ચોમાસા જેવો ગુજરાતમાં માહોલ ગુજરાતમાં વિધિવત્ રીતે ચોમાસું શરૂ થવાને હજી થોડો સમય બાકી છે. કેરળની સાથે ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું હોય એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં હવામાન ખાતાએ ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાઇક્લોનિક સર્ક્યુલેશન છવાયેલું છે. આ સાથે બીજું સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાતના કાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર છવાયેલું છે. જોકે બંને સમુદ્રની સપાટીથી પર છે, પરંતુ તેમ છતાં બબ્બે સિસ્ટમને કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સવારે અને સાંજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

ગાજવીજ અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે
આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે ગાજવીજ, વીજળી ત્રાટકવાના અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી કરી છે, જેમાં પ્રથમ દિવસે દમણ, દાદરા- નગરહવેલી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, બીજા દિવસે સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગરહવેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવ, ત્રીજા દિવસે સુરત, ભરૂચ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગરહવેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દીવ, ચોથા દિવસે દમણ, દાદરા-નગરહવેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર દીવ અને પાંચમા દિવસે દમણ, દાદરા-નગરહવેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર- સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, દીવમાં આ સ્થિતિ જોવા મળી શકે છે.

વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી.
વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી.

વહેલી સવારે વરસાદથી આહલાદક નજારો
સુરતીઓ વહેલી સવારે પડેલા વરસાદને કારણે લોકો થોડી ઠંડક અનુભવી રહ્યા છે. સતત ત્રીજા દિવસે ધીમી ધારે આવેલા વરસાદને કારણે વાતાવરણમાં આહલાદક ઠંડો પવન ઓસરી ગયો હતો. પરિણામે, ગરમીનો પારો નીચે ગગડ્યો હતો. પાલ, રાંદેર, અડાજણ, વેસુ, વરાછા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં ઠંડક પહોંચતાં સુરતીઓએ ગરમીથી રાહત મેળવી હતી. વિધિવત્ રીતે ચોમાસું શરૂ થવાને હજી થોડો સમય બાકી છે.

સવારે વરસાદને પગલે નોકરિયાતો અટવાયા.
સવારે વરસાદને પગલે નોકરિયાતો અટવાયા.

24 કલાકમાં લિંબાયતમાં સૌથી વધુ વરસાદ
ગત રોજ શહેરમાં રાંદેર, કતારગામ અને વરાછામાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં વરસાદ પડ્યો હતો. જ્યારે જિલ્લામાં માંડવી, ઉમરપાડા, વ્યારા, ડોલવણમાં વરસાદી માહોલ રહ્યો હતો. સૌથી વધુ વરસાદ રાંદેર ઝોનમાં 2 કલાકમાં 1.18 ઇંચ પડ્યો હતો, જ્યારે કતારગામમાં 8 મિમી અને વરાછા-એમાં 1 મિમી વરસાદ થયો હતો, જ્યારે ઉધના, અઠવા, લિંબાયતમાં ઝાપટાં પડ્યાં હતાં. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં 37 મિમી, ઉમરપાડામાં 12 મિમી અને તાપી જિલ્લાના વ્યારામાં 22 મિમી, ડોલવણમાં 15 મિમી, સોનગઢમાં 1 મિમી નોંધાયો હતો. ગત રોજ શહેરમાં સવારે બે કલાક વરસાદ વરસ્યા બાદ ઉઘાડ નીકળ્યો હતો. ત્યાર બાદ વરસાદ નોંધાયો ન હતો.

વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા.
વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા.