તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:સુરતમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ, મહિલા સહિત બેની ધરપકડ

સુરત2 મહિનો પહેલા
મહિલા ચોરી કરવામાં સાથ આપતી હતી.
  • પોલીસે આરોપી પાસેથી 1.06 લાખની કિંમતના હીરા કબજે કર્યા

સુરતમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી તેઓની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. ચોકબજાર પોલીસે મહિલા સહીત 2 ઇસમોને ઝડપી પાડયા છે. ઝડપાયેલી આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર ગુલામ અગાઉ રેલવેમાં પીક પોંકેટીંગના ગુનામાં ઝડપાયો છે. પોલીસે તેઓની ધરપકડ કરી ચોકબજાર પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

પોલીસે બાતમી આધારે વોચ ગોંઠવી હતી
ચોકબજાર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે રીક્ષામાં મુસાફરોને બેસાડી તેઓના ખિસ્સામાંથી રોકડ અને મોબાઈલ ફોન ચોરી કરતી ગેંગ ચોકબજાર વિસ્તારમાં ફરી રહી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને ઝીલાની બ્રીજ પાસે રહેતા ગુલામ હુસેન કાલુમિયા મલેક અને સુમૈયા અયુબ ઈબ્રાહીમ પટેલને ઝડપી પાડી હતી. પોલીસે તેઓની ધરપકડક કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

ચોકબજાર પોલીસમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલાયો
પોલીસે તેઓની પાસેથી 1.06 લાખની કિંમતના હીરા કબજે કર્યા હતા. આરોપીની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ગત 25 મેના રોજ આરોપીઓએ વેડરોડ સરદાર હોસ્પિટલની સામે શાકભાજીની લારી પર ખરીદી કરી રહેલા એક ઈસમના ખીસ્સ્સામાંથી એક 15 હજારની કિમતનો મોબાઈલ ફોન પણ સેરવી લીધો હતો. આરોપીની કબુલાતના આધારે ચોકબજાર પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા.

હીરા દલાલની નજર ચૂકવી હીરાની કરી હતી ચોરી
અઠવાડીયા અગાઉ સવારે ડભોલી ચાર રસ્તાથી રીક્ષામાં મહિધરપુરા હીરાબજારમાં જવા નીકળેલા જહાંગીરપુરાના પ્રૌઢ હીરાદલાલ હીરાભાઈ રવજીભાઈ કળથીયાને બરાબર બેસતા ફાવતું નથી કહી આગળ પાછળ બેસાડી રીક્ષા ચાલક-મહિલા પ્રવાસી સહિત ત્રણ પ્રવાસી નજર ચૂકવી રૂ.1.06 લાખના હીરા સેરવી રસ્તામાં ઉતારી ફરાર થઈ ગયા હતા. ગભરાયેલા હીરાભાઈએ તે સમયે ફરિયાદ કરી નહોતી. જોકે, સગાસંબંધીઓ સાથે ચર્ચા કર્યા બાદ તેમણે ચોકબજાર પોલીસ મથકમાં રીક્ષા ચાલક-મહિલા પ્રવાસી સહિત ત્રણ પ્રવાસી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મુસાફરને આગળ પાછળ બેસવાનું કહી અને ધક્કામુક્કી કરી તેનું ધ્યાન ભટકાવી ચોરી કરતા હતા.
મુસાફરને આગળ પાછળ બેસવાનું કહી અને ધક્કામુક્કી કરી તેનું ધ્યાન ભટકાવી ચોરી કરતા હતા.

શું હતી મોડસ ઓપરેન્ડી
આરોપીની પોલીસે કડક પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે કોઈ જગ્યાએથી તેઓ એક બે દિવસ માટે રીક્ષા ભાડે લઇ આવતા હતા અને આટાફેરી મારી એકલ દોકલ પેસેન્જરને રીક્ષામાં બેસાડતા હતા અને બાદમાં મુસાફરને આગળ પાછળ બેસવાનું કહી અને ધક્કામુક્કી કરી તેનું ધ્યાન ભટકાવી દઈ તેના ખિસ્સામાંથી રોકડ રકમ, મોબાઈલ અને કિમતી ચીજવસ્તુઓની ચોરી કરી અર્ધે રસ્તે રીક્ષામાંથી ઉતારી ફરાર થઇ જતા હતા.

આરોપીઓનો છે ગુનાહિત ઈતિહાસ
ઝડપાયેલો આરોપી ગુલામ અગાઉ બે વખત વલસાડ પોલીસ મથકમાં ચોરીના ગુનામાં, ડીંડોલી પોલીસ મથકમાં હત્યાના પ્રયાસના ગુનામાં અને રેલ્વે પોલીસ મથકમાં ચોરીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. જ્યારે ઝડપાયેલી મહિલા સુમૈયા રાંદેર પોલીસ મથકમાં મારામારીના ગુનામાં ઝડપાઈ ચૂકી છે.