વિરોધ:સુરતમાં 'હાય રે મોદી તેરા ખેલ, સસ્તા દારૂ મહેંગા તેલ'ના નારા સાથે સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને કોંગ્રેસનું પ્રદર્શન

સુરત4 મહિનો પહેલા
કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ.
  • પોલીસ દ્વારા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરાઈ

સુરત શહેરમાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત સહિત સમગ્ર દેશમાં પેટ્રોલની કિંમતમાં થયેલા ધરખમ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ વિધાનસભા વિસ્તારોમાં પેટ્રોલ-ડીઝલના ભાવનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે સતત બીજા દિવસે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં 'હાય રે મોદી તેરા ખેલ, સસ્તા દારૂ મહેંગા તેલ'ના નારા લગાવ્યા હતા.

કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન
સરકાર સો રહી હે જનતા રો રહી હૈ જેવા સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અલગ-અલગ વિધાનસભા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા હતા. કોરોના કાળમાં લોકો પાસે રોજગારી નથી, આવકના સાધનો પણ ઉભા થઇ રહ્યા નથી તેવા સમયે કેન્દ્ર સરકારે ઇંધણના ભાવમાં વધારો ન થાય તેવી નીતિને અમલમાં લાવી જોઈએ. પરંતુ કેન્દ્ર સરકારની અનઆવડતના કારણે આજે મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે.

કોંગ્રેસે બેનરો સાથે વિરોધ નોંધાવ્યો.
કોંગ્રેસે બેનરો સાથે વિરોધ નોંધાવ્યો.

સરકાર માત્ર પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત હોવાનો આક્ષેપ
કોંગ્રેસના પ્રવક્તા કિરણ રાયકાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલના ભાવને અંકુશમાં રાખવા માટે આયોજન કરવામાં સદંતર નિષ્ફળ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા હોવા છતાં પણ સરકારે લૂંટ ચલાવી છે. તેની સીધી અસર મધ્યમ વર્ગ ઉપર થઈ રહી છે. સરકારનું વલણ લોકશાહી નહીં પરંતુ તાનાશાહ જેવું છે. પ્રજા હવે ભાજપના શાસનથી ત્રસ્ત થઈ ગઈ છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ પર લગાવેલા ટેક્સ ઓછા કરે તો પણ લોકોને મોટી રાહત થઈ શકે એમ છે. પરંતુ સરકાર માત્ર પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત હોય તેવું લાગે છે.

વિરોધ કરી રહેલા કોંગ્રેસીઓની પોલીસ અટકાયત કરી.
વિરોધ કરી રહેલા કોંગ્રેસીઓની પોલીસ અટકાયત કરી.

ગત રોજ ઠેર-ઠેર વિરોધ નોંધાવ્યો હતો
ગત રોજ દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતના અઠવાગેટ ચોપાટી ખાતે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં થયેલા તોતિંગ વધારાનો વિરોધ કર્યો હતો. કાર્યક્રમનો સમય પહેલા કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના બેનરો અને ઝંડા લગાડ્યા હતાં. કોંગ્રેસ દ્વારા નક્કી કરેલા સમયે ઉપર કાર્યક્રમ સ્થળ ઉપર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચે તે પહેલાં જ પોલીસ ત્રાટકી હતી. સાથે જ વિરોધ કરનારા 40ની અટકાયત કરી લેવામાં આવી હતી.

સરકાર સો રહી હે જનતા રો રહી હૈ જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ.
સરકાર સો રહી હે જનતા રો રહી હૈ જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ.