સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી કોર્પોરેશનના દબાણ ખાતાને રસ્તે રખડતા ઢોરોની ફરિયાદો મળી રહી છે. જેના આધારે દબાણ વિભાગની ટીમ ઢોરોને પકડવાના પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં જ ABC સર્કલ વિસ્તારમાં આખલાનો આતંક મચી જતા લોકોએ કોર્પોરેશન ફરિયાદ નોંધાવી હતી. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનની ટીમે આખલાને પકડી પાડ્યો હતો. કોર્પોરેશનની ટીમને અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે સતત કાર્યરત રહેવાની ફરજ પડી રહી છે.
વારે વારે નાસી જતો
રસ્તા ઉપર રખડતા ઢોરોનો આતંક એટલા હદે વધી જાય છે કે, રાહદારીઓ અને વાહનચાલકોને ઇજા પણ થાય છે.ABC સર્કલ પાસે રખડતા આખલાને કારણે ત્યાંથી પસાર થતા લોકો સતત ભયમાં રહેતા હતા. દબાણ ખાતાની ટીમ ક્યારે આખલાને પકડવા માટે ગઈ ત્યારે રીતસરનો પરસેવો પડાવી દીધો હતો. કલાકો સુધી આખલાએ દબાણ ખાતાની ટીમને દોડતા રાખ્યા હતા. ભરઉનાળે દબાણ વિભાગની ટીમને આખલાએ ત્રસ્ત કરી દીધા હતા. આખલો એટલો તોફાની હતો કે, વારંવાર દબાણ ટીમના હાથમાં આવ્યા બાદ પણ નાસી જતો હતો. જેના પરથી સમજી શકાય છે કે, તેનો આતંક આ વિસ્તારમાં કેવો હશે.
વાહનચાલકો ભયમાં
રાજ્યભરમાં રખડતા ઢોરોને લઈને વિધાનસભા સુધી આ મુદ્દે ચર્ચા થઈ રહી છે. સુરતમાં અમરોલી, છાપરા ભાઠા, પુણા, કતારગામ, પાલ ભટાર જેવા અનેક વિસ્તારોમાં સમસ્યાનો સામનો રાહદારીઓ અને વાહન ચાલકોએ કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં આખલાનો આતંક એવો છે કે રાહદારીઓ અને વાહનચાલકો સતત ભયમાં રહે છે.
ટીમ પણ તૈયાર કરાઈ છે
રખડતા ઢોરો પર અંકુશ લાવવા માટે કોર્પોરેશન દ્વારા વધારાની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. પહેલા જે ઢોરને ઝડપી પાડવામાં આવતા હતા. તેના કરતાં તેની સંખ્યામાં પણ વધારો થયો છે. પરંતુ હજી પણ રખડતા ઢોરને બાબતે ફરિયાદો સામે આવી રહી છે. ઘણી વખત જે વિસ્તારમાં દબાણ ખાતાની ટીમ ઢોરને પકડવા માટે પહોંચ્યા છે. ત્યાં તેમના માલિકો સાથે ઘર્ષણ થવાના પણ અનેક કિસ્સાઓ સામે આવે છે. કોર્પોરેશનની ટીમે ઢોરને પકડવા પહેલા પોતાની સુરક્ષા માટે એસઆરપીની ટીમને સાથે લઈ જવાની ફરજ પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.