તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતમાં પાસ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે પાસે જાહેરાત કરી હતી કે કોંગ્રેસના પાટીદાર ઉમેદવારો પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચે. વોર્ડ નંબર 3માં કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે, જે પૈકી જ્યોતિ સોજીત્રાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધું છે. આ સાથે કાનજી અલગોતર (ભરવાડ)એ પણ ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું છે. જ્યારે પાયલ બોદરાએ પાસની બેઠક બાદ નિર્ણય લેવાનું જણાવ્યું છે. પાસના ધાર્મિક માલવિયાએ ફોર્મ ન ભરી કોંગ્રેસ સામે બાયો ચડાવી હતી. જેના લઈને હવે વોર્ડ નંબર 3માં માત્ર એક જ ઉમેદવાર મેદાનમાં છે.
મારા પક્ષે મારા સમાજ સાથે અન્યાય કર્યોઃ જ્યોતિ સોજીત્રા
જ્યોતિબેન સોજીત્રાએ જણાવ્યું હતું કે, મારા પક્ષે મારા સમાજ સાથે અન્યાય કર્યો છે. જેથી મે મારું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું છે. છેક સુધી મારું કંઈ સાંભવામાં આવ્યું ન હતું. મારા વોર્ડમાં એક એવી વ્યક્તિને મૂકી દીધી છે કે, ઉપરથી ઉડીને આવેલી વ્યક્તિ છે.આજે તેમણે પણ દુધનું દુધ અને પાણનું પાણી કરી દીધું છે. અમે એક હોળીનું નારીયેળ હોઈએ એવી સ્થિતિ કરી દીધી છે. અમારી કારકિર્દી પૂરી કરી દોવાનું કોંગ્રેસ કામ કર્યું હોય એવું મને લાગે છે.
ધાર્મિક માલવિયાએ ઉમેદવારી ન કરી કોંગ્રેસ સામે બાયો ચડાવી
વોર્ડ નંબર ત્રણમાં પાસ કન્વીનર ધાર્મિક માલવિયા કોંગ્રેસ તરફથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના હતા. જોકે તેમના કહેવા મુજબ તેમણે કેટલાક અન્ય લોકોને પણ ટિકિટ આપવાની માગણી કરી હતી. જે ટિકિટ કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા આપવામાં આવી ન હતી, જેને કારણે ધાર્મિક માલવિયાએ પણ ફોર્મ ભરવાના અંતિમ દિવસે ત્રણ વાગ્યા બાદ જાહેરાત કરી હતી કે તેઓ વોર્ડ નંબર ત્રણમાંથી કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવવાના નથી.
કોંગ્રેસ પક્ષમાં શહેર મહામંત્રી રાજીનામું આપશે
પાસ દ્વારા પાટીદાર સમાજના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોને અપીલ કરી હતી કે સમાજના સમર્થનમાં ઉમેદવારીપત્ર પાછું ખેંચવામાં આવે, જેને ધ્યાનમાં રાખીને સમાજના સમર્થનમાં જ્યોતિબેન સોજીત્રાના પતિ ચંદુભાઈ સોજીત્રા કે જે કોંગ્રેસ પક્ષમાં શહેર મહામંત્રી છે તેમણે તેમના પદેથી રાજીનામું આપવાની વાત કરી છે.
પાસની બેઠક બાદ નિર્ણય લેવાશે
પાસ દ્વારા કોંગ્રેસ ઉમેદવારોને ઉમેદવારીપત્ર ખેંચવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ મોટા ભાગના પાટીદાર સમાજના ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત લેવા માટે ઇનકાર કરી દીધો છે. પાસના ગુજરાતના કન્વીનર અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે સત્તાનો સ્વાદ સમાજ ભુલાવી દેતો હોય છે. જેના ખંભે પગ મૂકીને ઉપર ગયા હોઈએ તેને ન ભૂલવા જોઈએ, પરંતુ અત્યારે સત્તાની સીડી હોય છે જ એવી. અમે પાસની મીટિંગ કરીશું; ત્યાર બાદ યોગ્ય નિર્ણય લઈશું.
કોંગ્રેસ પાર્ટી દ્વારા દગો કરવામાં આવ્યોઃ ચંદુભાઈ સોજીત્રા
ચંદુભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસે જે રીતે ટિકિટની ફાળવણી કરીને પાટીદારો સાથે અન્યાય કર્યો છે. પાસના અલ્પેશ કથીરિયાએ સમાજ માટે ઘણુંબધું કર્યું છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા દગો કરવામાં આવ્યો છે. હું અલ્પેશ કથીરિયા સાથે છું. કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો હું રાજીનામુ આપીશ. આ વાત કરતાં ચંદુભાઈ ભાવુક થઈ ગયા હતા.
પાસની બેઠક બાદ જે નિર્ણય લેવાશે એને સમર્થનઃ પાયલ બોદરા
વોર્ડ નંબર ત્રણનાં કોંગ્રેસનાં ઉમેદવાર પાયલ બોદરાએ પાસના સમર્થન અંગે જણાવ્યું હતું કે ભાજપને બેઠો ફાયદો થતો હોય તો એવું હું કરવા માગતી નથી. જો અમારા પાટીદાર સમાજમાં જે કેસો થયેલા છે એ 4 વાગ્યા સુધીમાં પરત ખેંચે તો હું મારું ફોર્મ પરત ખેંચવા તૈયાર છું. પાસની બેઠક બાદ જે નિર્ણય લેવાશે એને સમર્થન આપીશ.
પાસ સમર્થનમાં કતારગામના નેતા પણ અણગા થયાં
કતારગામના જિજ્ઞેશ જીવાણીએ પણ મંગળવારે કોંગ્રેસ શહેર મહામંત્રી પદેથી રાજીનામુ આપી પક્ષ છોડ્યો હતો. તેમણે પાર્ટીના નેતાઓ ઉપર પાટીદાર સમાજ સાથે અન્યાય કર્યો હોવાનો આરોપ મુકી સમાજની પડખે ઊભાં રહેવાની જાહેરાત કરી હતી.
કાપોદ્રાના ભાજપ કાર્યકરનું પણ રાજીનામુ આગળ ધર્યું
ફાળવણીમાં પ્રજાપતિ સમાજની પણ અવગણના થઇ હોવાના આક્ષેપ સાથે પુણાના સીતાનગર ચોક ખાતે પ્રજાપતિ સમાજે ભાજપ વિરોધી કાર્યક્રમ આપી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યાં કાપોદ્રા વોર્ડ નં-4ના કાર્યકર સતિષ પ્રજાપતિએ સભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.