મેટ્રોની માથાકૂટ:મેટ્રો ટ્રેનના કામને કારણે સુરત શહેરમાં અનેક ડાઇવર્ઝન, 6 રસ્તા 1 વર્ષ સુધી બંધ, ઠેર-ઠેર ટ્રાફિકજામના દૃશ્યો

સુરત9 દિવસ પહેલા
  • લંબે હનુમાન રોડ ડાઈવર્ટ કરાતા વરાછા ગરનાળા પાસે ટ્રાફિકજામ
  • 6 રસ્તા બંધ અને તેના માટે અનેક ડાઇવર્ઝન આપવામાં આવ્યા

શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના લાઇન-1 અંતર્ગત ચોકબજારથી કાપોદ્રા સુધીના 7.02 કિમી લાંબા અન્ડરગ્રાઉન્ડ રૂટમાં શરૂઆતમાં 6 સ્ટેશન બનાવવા મુખ્ય માર્ગો 1 વર્ષ માટે બંધ તથા ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. મેટ્રો પ્રોજેક્ટ લઇને પહેલાથી જ સુરત શહેરની અંદર ખાડાનું ખોદકામ કરવામાં આવ્યું હતું. સમસ્યા ઉભી થઈ રહી છે કે કામ તો શરૂ થઈ જાય છે પરંતુ તેને ઝડપથી પૂર્ણ કરવાની માનસિકતા ન હોવાને કારણે હેરાનગતિ વધી જાય છે. મેટ્રોનો પ્રોજેક્ટ એવા વ્યસ્ત વિસ્તારોમાંથી પસાર થઇ રહ્યો છે કે જેને કારણે શહેરભરના વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વખત આવે તેવી શક્યતા હતી. આજે જે પ્રકારે લંબે હનુમાન રોડથી વરાછા વિસ્તારની અંદર ટ્રાફિકજામ થયો તે જોતા આગામી દિવસમાં સુરત શહેરના ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠશે.

ટ્રાફિકમાંથી સુરતને કોણ બચાવશે તે એક મોટો પ્રશ્ન
લંબે હનુમાન પોલીસ ચોકીથી ડાઇવર્ઝન આપવાને કારણે વરાછા મેઇન રોડ આયુર્વેદિક કોલેજ લાલ દરવાજા તરફનો રસ્તો ઉપયોગમાં વાહનચાલકો લઇ રહ્યા છે. પરિણામે જબરજસ્ત વાહનોનો ધસારો એક જ રૂટ ઉપર વધી ગયો છે. બપોરના સમયે પણ જો ટ્રાફિકની સ્થિતિ જોવા મળતી હોય તો સાંજે આ વિસ્તારોમાં શું હાલત થશે તે ખરેખર જોવા જેવી છે. અતિવ્યસ્ત માર્ગોને કારણે હવે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ખુબ લાંબા સમય માટે કાર્યરત રહેશે ત્યારે ટ્રાફિકમાંથી સુરતને કોણ બચાવશે તે એક મોટો પ્રશ્ન છે.

એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવું એક મોટો પડકાર સમાન
કાદરશાની નાળથી ચોક બજાર, રાજમાર્ગ, લંબે હનુમાન રોડ સુધીનો 7.02 કિમી રૂટ પર પ્રથમ ફેઝનું કામ શરૂ થયું છે. સુરતના હાર્દ સમાન આ વિસ્તારની અંદર ડ્રાઇવર્ઝનો આપવાને કારણે સ્થિતિ ખૂબ જ બદતર થઈ રહી હોય તેવું લાગે છે. હજી તો શરૂઆત છે પરંતુ લાંબા સમય સુધી આ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી થશે ત્યારે લોકો માટે આ પ્રોજેક્ટ માથાનો દુખાવો બની જશે. વાહનચાલકો માટે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવું એક મોટો પડકાર સમાન બની રહેશે.

લંબે હનુમાન રોડ પર ટ્રાફિકજામ સર્જાયો.
લંબે હનુમાન રોડ પર ટ્રાફિકજામ સર્જાયો.

માનસિક રીતે હાલાકી ભોગવવી માટે તૈયાર થઈ જવું પડશેઃ સ્થાનિક
કાપોદ્રા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ મિયાણીએ જણાવ્યું કે મેટ્રો પ્રોજેક્ટની શરૂઆત થઈ ગઈ છે પરંતુ એની સાથે લોકોની હાલાકીની પણ શરૂઆત થઈ ગઈ હોય એવું હું અંગત રીતે માનું છું. આ માનવા પાછળનું કારણ એ છે કે અમદાવાદ ખાતે જ્યારે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ હતી તે વિસ્તારની અંદર હું ઘણી વખત ગયો છું લાંબા સમય સુધી લોકોને ખૂબ મુશ્કેલી થઈ હતી. એવી જ સ્થિતિ સુરત શહેરમાં પણ થશે. પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે પરંતુ એનો અંત ક્યારે આવશે તેની કોઈને ખબર નથી. શાસકો જે નિયત સમય આવશે એમાં પૂર્ણ થવાનો નથી આપણને ખ્યાલ છે તે આપણે માનસિક રીતે આ હાલાકી ભોગવવી માટે તૈયાર થઈ જવું પડશે.

બપોર બાદ ટ્રાફિક જોવા મળી રહ્યું છેઃ સ્થાનિક
સ્થાનિક વિનોદ સોજીત્રાએ જણાવ્યું કે લંબે હનુમાન રોડ અને વરાછા તરફ સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિકની સમસ્યા આપણે જોતા આવ્યા છે. આજે સવારે હું ત્યાંથી પસાર થતો હતો અને અત્યારે પણ પોદાર આર્કેડ પાસે આવ્યો છું. વહેલી સવારે 10:00ના સમય દરમિયાન ટ્રાફિક ન હતી પરંતુ હવે અત્યારે બપોર બાદ ટ્રાફિક જોવા મળી રહ્યું છે. મેટ્રોનું કામ વિકાસ માટે તો જરૂરી છે પરંતુ ત્યાં સુધીમાં તો આપણે ખૂબ પરેશાન થવાના છે તે વાત નક્કી દેખાઈ રહી છે. આપણે તો હવે આ કામગીરી અટકાવી શકવાના નથી પરંતુ અધિકારીઓને એટલે આપણે ચોક્કસ કહું છું કે સુરતીઓને આ ટ્રાફિકના ત્રાસમાંથી ઝડપથી મુક્તિ આપજો.

6 રસ્તા બંધ કરાયા અને ડાઇવર્ઝન અપાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.
6 રસ્તા બંધ કરાયા અને ડાઇવર્ઝન અપાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.

LH રોડ સ્ટેશન: બંધ રસ્તો : રેલવે સ્ટેશન જય વિજય રેસ્ટોરેન્ટથી LH પોલીસ ચોકી સુધી
વૈકલ્પિક રસ્તો :
લંબેહનુમાન જે. બી. ડાયમંડ સર્કલ તરફથી દિલ્હી ગેટ અને રિંગ રોડ તરફ આવવા માટે લંબે હનુમાન પોલીસ ચોકીથી વરાછા મેઇન રોડથી, આયુર્વેદિક કોલેજ સર્કલથી સ્ટેશન રોડ અથવા લાલ દરવાજા રોડનો ઉપયોગ કરી શકાશે. કતારગામ તરફ જવા વરાછા મેઇન રોડ પરથી લાલ દરવાજા રોડ થઈને જઈ શકાશે. જીએસઆરટીસી બસ ડેપો અને ખારવા ચાલના રહેવાસીઓએ અલગથી 4 મીટર આપવામાં આવેલા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

મસ્કતિ હોસ્પિ. સ્ટેશન : બંધ રસ્તો : રાજમાર્ગ ઉપર મસ્કતિથી મહિધરપુરા પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ
વૈકલ્પિક રસ્તો :
સ્ટેશન રોડ પર મોતી ટોકિઝ (પાણીની ટાંકી) તરફથી મહિધરપુરા જવા માટે દારૂખાના રોડથી મહિધરપુરા રોડ પર આવી શકાશે. રાજમાર્ગથી ભાગળ ચાર રસ્તા અને ચોક બજાર તરફ જવા દારૂખાના રોડથી મહિધરપુરા રોડથી, ઘી કાંટા રોડ થઈ કાંસકીવાડ થઈ ભાગળ આવી શકાશે. ચોકબજાર અને ભાગળ ચાર રસ્તાથી સ્ટેશન તરફ જવા પીરછડી રોડ અથવા કાંસકીવાડ રોડથી ઘી કાંટા રોડથી મહિધરપુરા મેઇન રોડથી રાજમાર્ગ પર આવી શકાશે.

લંબે હનુમાન રોડ પર આવેલા ગરનાળામાં ટ્રાફિકજામ સર્જાયો.
લંબે હનુમાન રોડ પર આવેલા ગરનાળામાં ટ્રાફિકજામ સર્જાયો.

ચોકબજાર સ્ટેશન : બંધ રસ્તો : ક્રાઇમ બ્રાંચથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગાંધીબાગ સર્કલ સુધીનો રસ્તો
વૈકલ્પિક રસ્તો :
રાજમાર્ગથી નહેરુ બ્રિજ જવા તેમજ આવવા માટે નાના વાહનોને ચોકથી રસ્તો અપાશે. રાજમાર્ગથી ગાંધીબાગ, વિવેકાનંદ સર્કલ જવા ચાર ગલી (વન-વે)થી જઈ શકાશે. વિવેકાનંદ સર્કલથી રાજમાર્ગ જવા રંગ ઉપવન રોડ (વન-વે), કમાલ ગલી રોડ. ગાંધીબાગ તરફથી નહેરુ બ્રિજ આવવા-જવા SBI પાછળથી જઈ શકાશે. પાલિકા તરફ જવા નાણાવટ રોડનો નાના વાહનોએ જ ઉપયોગ કરવાનો રહેશે. મોટા વાહનો જીલાની બ્રિજ થઈને જઈ શકશે.

વેરહાઉસ UG સ્ટેશન : બંધ રસ્તો : LH રોડ પર જે.બી. ડાયમંડ સર્કલથી વસંત ભીખાની વાડી સુધીનો રસ્તો
વૈકલ્પિક રસ્તો :
રેલવે સ્ટેશન તરફથી આવતા વાહનો (ટુ-ફોર વ્હીલ સિવાય) LH રોડ પર જે.બી. ડાયમંડ સર્કલ પર બેટરીમોલથી જમણે વળીને, ઇન્ડિનીયો ફેશન પર ડાબે વળીને ત્રિકમનગર થઈ કાલીદાસ નગર ગણેશજી પંડાલ પાસે ડાબે વળીને બોમ્બે માર્કેટ થઈ વસંતભીખાની વાડી પહોંચી શકશે. વસંતભીખા સર્કલ તરફથી આવતા વાહનો મેક્સ કોર્પોરેશન પાસે જમણે વળી સહકારી બેંક રોડ, વરાછા, લાલ દરવાજા થઈ જે.બી. ડાયમંડ સુધી પહોંચી શકશે.

રેલવે સ્ટેશન ખાતેના ગરનાળામાં ટ્રાફિકજામ સર્જાયો.
રેલવે સ્ટેશન ખાતેના ગરનાળામાં ટ્રાફિકજામ સર્જાયો.

લાભેશ્વર UG સ્ટેશન : બંધ રસ્તો : ખેતલા આપા ટી સ્ટોલ પાસે માતાવાડી સર્કલથી લાભેશ્વર પોલીસ ચોકી
વૈકલ્પિક રસ્તો :
માતાવાડી સર્કલ તરફથી આવતા વાહનો ઇશ્વરકૃપા રોડથી જમણે, મોરલીધર મોબાઇલથી ડાબે વળીને ડાહ્યાપાર્ક સોસાયટી થઈ ભવનાથ હોટલ પાસે ડાબે વળીને એ.વી. પટેલ રોડ થઈને લાભેશ્વર ચોકી તરફ જઈ શકશે. લાભેશ્વર તરફથી આવતા વાહનો જમણે, લાભેશ્વર રોડ થઈ સદભાવના હોસ્પિટલ અને મેટરનિટી હોમથી ડાબે વળી વરાછા આવશે ત્યાંથી પોશિયા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે ડાબે વળી ભરતનગર થઈ માતાવાડી સર્કલ જઈ શકશે.

કાપોદ્રા UG સ્ટેશન : બંધ રસ્તો : કલાકુંજ રોડ ફિનિક્ષ સર્કલથી ઝડફિયા સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે
વૈકલ્પિક રસ્તો :
વરાછા રોડ પર હીરાબાગ અને કાપોદ્રા તરફથી આવતા વાહનો રચના સર્કલ તરફ જઈ અને LH રોડ થઈને વડવાળા સર્કલ થઈ અક્ષરધામ સોસાયટીથી ડાબે વળીને પુણા ગામ રોડ થઈને કલાકુંજ ઝડફિયા જંકશન તરફ પહોંચી શકશે. જ્યાંથી આવતા વાહનોને જમણે વળીને પુણાગામ રોડ થઈને કાપોદ્રા ફાયર સ્ટેશનથી ડાબે વળીને વરાછા મેઇન રોડ થઈને કાપોદ્રા સર્કલ પાસે ડાબો વળાંક લઈ વાહનો રચના રોડ થઈને ફિનિક્સ સર્કલ સુધી પહોંચી શકશે.