સુરતના અડાજણ સ્ટાર બજારમાં સિને પોલિશમાં હોલમાં KGF પીક્ચર જાવા માટે ગયેલા આપના નગરસેવકની કારમાંથી ચોરી થઈ હતી. સ્ટાર બજારની સામેના બ્રીજની નીચે પાર્ક કરેલ હોન્ડા અમેજ ફોર વ્હીલ ગાડીનો કાચ તોડી કોઈ અજાણ્યો મનપાના હાજરી કૌભાંડ, રીંગરોડ એસટીઍમ માર્કેટના કૌભાંડની દસ્તાવેજાની ઝેરોક્ષ સહિતના અગત્યના ડોક્યુમેન્ટ સાથેને બેગ ચોરાઈ હોવાની કનુભાઈએ ફરિયાદ નોંધાવી છે. દરમિયાન બેગ ભાજપના કોર્પોરેટરના ઘરની બહારથી મળી આવી હતી.
કારના કાચ તોડાયા
બનાવ અંગે અડાજણ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સરથાણા સિમાડા નાકા ભગવતી પેલેસમાં રહેતા વોર્ડ-નં ૩ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કનુભાઈ નાગજીભાઈ ગેડિયા (ઉ.વ.32) ગઈકાલે ચાર વાગ્યે તેના મિત્ર હરેશભાઈ રાઠોડ, મિલાપ જાગીયા સાથે અડાજણ સ્ટાર બજાર સિનેપોલીસમાં KGF ફિલ્મ જાવા માટે ગયા હતા. કનુભાઈઍ તેમની હોન્ડા અમેજ ફોર વ્હીલ ગાડી સ્ટાર બજારની સામેના બ્રીજ નીચે પાર્ક કરી હતી. દરમ્યાન કનુભાઈ પીક્ચર જાઈને આવ્યા ત્યારે તેમની ગાડીના ડાબી બાડુના પાછળના દરવાજાનો કાચ તૂટેલો હતો.
કૌભાંડને લગતા ડોક્યુમેન્ટની ઝેરોક્ષની ચોરી
ગાડીમાંથી ગ્રે કલરની બેગમાં રાખેલા મનપા દ્વારા તેમને ઈશ્યુ કરવામાં આવેલ આઈકાર્ડ, પર્સનલ લેટરપેડની બૂક, મનપાના અધિકારીઓ સાથે કરેલા પત્ર વ્યવહારની નકલો, લોકો તરફથી મળેલ ફરિયાદોની નકલો, સુરત રીંગરોડ ઉપર આવેલ ઍસટીઍમ ટેક્ષટાઈલ માર્કેટ કૌભાંડના અગત્યના દસ્તાવેજાની ઝેરોક્ષ નકલો, મનપા દ્વારા સૌ કરોડના હાજરી કૌભાંડ અંગેના ડોક્યુમેન્ટની ઝેરોક્ષની નકલ બેગમાં હતી. જે બેગ કોઈ અજાણ્યો ચોરી કરી નાસી ગયો હતો. બનાવ અંગે કનુભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ડોક્યુમેન્ટ્સ હોવાને કારણે બેગની ચોરી થઇ હોય તેવી પૂરી શક્યતા
આપના કોર્પોરેટર કનુ ગેડીયાએ ચોરી થયેલી બેગ અંગે આક્ષેપ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ધર્મેશ વાણિયાવાળાના ઘરના ગેટ પાસેથી બેગ કેવી રીતે મળી તે શંકાના દાયરામાં આવે છે. નવાઈની વાત એ છે કે ગાડીમાં લેપટોપ હતું પરંતુ તે ન ચોરાયું માત્ર ડોક્યુમેન્ટની બેગ ચોરાઈ હતી. એ બેગની અંદર ટેક્સટાઇલ માર્કેટ માટે જે જમીન આપવામાં આવી છે તેને લઈને થયેલા ડોકયુમેન્ટના પુરાવાવાળા કાગળ હતા. સુરત કોર્પોરેશનની અંદર ભૂતિયા કર્મચારીઓનું 100 કરોડનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આ તમામ મહત્વના ડોક્યુમેન્ટ્સ હોવાને કારણે બેગની ચોરી થઇ હોય તેવી પૂરી શક્યતા છે.
બેગ એક અજાણી મહિલા મૂકી ગયા
દિવ્યભાસ્કરે આ બાબતે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ધર્મેશ વાણિયાવાળા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે હું તે દિવસે ભાજપ કાર્યાલય પર હતો. મારો પરિવારજનો હવનના કાર્યક્રમમાં ગયા હતા ઘરે કોઈ જ ન હતું. જ્યારે હું ઘરે પરત ફર્યો ત્યારે જોયું કે એક બેગ મારા ઘરના ગેટ ઉપર પડી છે. બેગને જોતા જ મને ખ્યાલ આવ્યો કે આ કોર્પોરેટરની બેગ છે. કારણકે અમને જે બધા જ કોર્પોરેટરો અને લેપટોપ આપવામાં આવ્યું છે તે જ બેગ છે. તમે તાત્કાલિક અડાજણ પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી હતી. પોલીસે આવીને તમામ બાબતોની તપાસ કરી. મારા દ્વારા તેમને તમામ હકીકતો જણાવવામાં આવી હતી.
આમ આદમી પાર્ટી પબ્લિસિટી સ્ટંટ કરે છેઃ ભાજપ કોર્પોરેટર
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જે આક્ષેપ કરી રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે. મારા ઘરની બહારના સીસીટીવી ચાલુ હોવાને કારણે તમામ બાબત કેમેરામાં કેદ થઈ ગઈ છે. એક અજાણ્યા મહિલા દ્વારા આ બેગ મારા ગેટ ઉપર મૂકવામાં આવી હતી. આ મહિલા વિશે જ્યારે મેં આસપાસમાં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે અમારા નજીકમાં રહેતા એક વ્યક્તિના તે સંબંધી થાય છે. એ માસીને આ બેગ મળી હતી અને તેમણે મારા ઘરના ગેટ પાસે મૂકી દીધી છે. મેં એ બેગ તરત જ પોલીસને સોંપી દીધી છે. આમ આદમી પાર્ટી પબ્લિસિટી સ્ટંટ કરતા હોય એવું મને લાગે છે. તેમને હળવાશથી જવાબ આપ્યો કે આ કોર્પોરેટર તમામ કૌભાંડના ડોક્યુમેન્ટ સાથે લઈને જ ફરતા હોય છે? ખોટા આરોપો લગાવી ને તેઓ પબ્લિસિટી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ તપાસ કરશે ત્યારે તમામ બાબતો સ્પષ્ટ થઇ જશે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ પબ્લિસિટી મેળવવા માટે આ પ્રકારના ગતકડાં કરવા ન જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.