સુરતમાં પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યો છે. કાપોદ્રા પોલીસે નરેશ નામના આરોપીની ધરપકડ કરી 6 જેટલા લૂંટના ગુના ઉકેલવામાં સફળતા મળી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનના 4, અમરેલીનો 1 અને સાવરકુંડલાનો એક ગુનો ઉકેલી કાઢ્યો છે.
ઘટના શું હતી?
લંબે હનુમાનરોડ ગાયત્રી સોસાયટીના જનતા એપાર્ટમેન્ટમાં રહેતા રત્નકલાકાર યોગેશ પુષ્પરાજ કોળીનો મોટો ભાઇ રાહુલ તા.7મીના રોજ રાત્રી પાળીમાં નોકરી પર ગયો હોય યોગેશ તેને ટીફીન આપવા રચના સર્કલ પાસેથી પસાર થતો હતો ત્યારે ડી સ્ટાફના પોલીસવાળા છીએ એમ કહી અટકાવી ટીફીન ચેક કરી ગાળો આપી માર મારી 15 હજારનો મોબાઇલ લૂંટી લીધો હતો. કાપોદ્રા પોલીસે લૂંટારૂ નરેશ ઉર્ફે નરીયો ત્રિકમ વઘાસીયા (રહે.સાંઇનાથ હોટલના ધાબા પર) અને સાગરિત જયસિંગને પકડી પાડ્યો હતો. કોપોદ્રા પીઆઇ એ.કે.ગુર્જરે જણાવ્યું કે, લૂંટની જાણ થતા મોડી રાત્રે જ આરોપીને ઝડપ્યા હતા. નરેશ લકઝરી બસનો ડ્રાઇવર છે.
3 દિવસ પહેલા જ સુરત આવ્યો હતો
પોલીસને હાથે પકડાયેલો નરેશ ઉર્ફે નરીયા સામે સુરત અને સાવરકુંડલામાં કુલ 6 જેટલા લૂંટ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. છેલ્લા પાંચ વર્ષથી વતન અમરેલીના ધારી ખાતે રહેતો હતો. 3 દિવસ પહેલા જ સુરત આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.