• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, A Woman Went To The Builder Who Did Not Get Possession Of The Shop Despite Paying 35 Lakhs, The Builder Hit The Woman With An Iron Rod.

LIVE મારામારી:સુરતમાં 35 લાખ ચૂકવ્યા છતાં દુકાનનો કબજો આપ્યો નહીં, રજૂઆત માટે ગયેલી મહિલા અને બિલ્ડર વચ્ચે છુટ્ટા હાથની મારામારી

સુરત17 દિવસ પહેલા
  • સારોલી વિસ્તારમાં અયોધ્યા ટેક્સટાઇલ મોલની દુકાનના કબજા બાબતે બબાલ

સુરતના સારોલી વિસ્તારમાં અનેક ટેક્સટાઇલ માર્કેટના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જેમાં અયોધ્યા ટેક્સટાઇલ મોલ પ્રોજેક્ટને લઈને પણ છેલ્લા ઘણા સમયથી ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે મહિલાએ જે દુકાન ખરીદી હતી તે દુકાનનો કબજો ક્યારે મળશે તે બાબતની રજૂઆત કરવા જતાં બિલ્ડર અને મહિલા વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. જે પ્રકારનો વીડિયો આવ્યો છે તેમાં આશ્ચર્યજનક દૃશ્યો સામે આવ્યાં છે. બિલ્ડરને જાણે કોઈનો જ ડર ન હોય તે રીતે રૂપિયા 35 લાખ લઈ લીધા બાદ પણ મહિલા ઉપર લોખંડના રોડથી હુમલો કરતો દેખાઈ રહ્યો છે. આ બાબતે પુણા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મારામારીના પગલે લોકો દોડી આવ્યા.
મારામારીના પગલે લોકો દોડી આવ્યા.

લોખંડના રોડથી મહિલા પર હુમલો
ટેક્સટાઇલ માર્કેટના બિલ્ડરો દ્વારા મોટા પ્રોજેક્ટને તાણી દેવાયા છે પરંતુ હવે વર્ષો વીતી ગયાં બાદ પણ ગ્રાહકોને પઝેશન આપવામાં ઠાગાઠૈયાં થઈ રહ્યાં હોવાની બુમરાણ શહેરમાં ઊઠી છે. અયોધ્યા ટેક્સટાઇલ મોલ પ્રોજેક્ટમાં જે મહિલાએ પોતાના પતિના નામની દુકાન ખરીદી હતી તે બિલ્ડર પાસે રજૂઆત કરવા પહોંચી હતી. બિલ્ડરે બાંહેધરી આપી હતી કે 35 લાખ રૂપિયા જે દુકાનનો ભાવ છે તે ચૂકવી દીધા બાદ દર મહિને 30 હજાર રૂપિયા ભાડા પેઠે તે આપશે અને ત્યારબાદ તે દુકાનનો કબજો તેમને સોંપી દેશે. મહિલા જ્યારે બિલ્ડર હસમુખ મીરોલિયાને મળવા પહોંચી અને પોતાની દુકાન વિશેની વાત કરી ત્યારે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને તેણે મહિલા ઉપર લોખંડના રોડ વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.

બિલ્ડરે અપશબ્દો કહી હુમલો કરી દીધો હતો.
બિલ્ડરે અપશબ્દો કહી હુમલો કરી દીધો હતો.

મહિલાએ ફરિયાદ નોંધાવી
રશ્મિબેન ધામેલિયાએ જણાવ્યું કે બિલ્ડર હસમુખ સાથે વાત કરવા માટે તેના જ ભાગીદારે અમને કહ્યું હતું. અમે વાત કરવા ગયાં ત્યારે બિલ્ડરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમારી કોઈ દુકાન નથી અને તમે કોઈ રૂપિયા આપ્યા નથી એ પ્રકારની વાહિયાત વાતો કરવાનું શરૂ કરીને ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારબાદ એકાએક જ ઉગ્રતાથી મારા ઉપર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. મારી સાથે અન્ય એક વડીલ હતા તેમના ઉપર પણ તેણે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. દોઢ-બે વર્ષ જેવો સમય થઈ ગયો છતાં પણ તેણે અમારી દુકાનનો કબજો અમને સોંપ્યો નથી. આ બાબતે હું બિલ્ડર હસમુખ મિરોલિયાને મળવા ગઈ હતી અને તે દરમિયાન મારા ઉપર હુમલો કરાયો છે જેની ફરિયાદ મે પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

પોલીસે બિલ્ડરની અટકાયત કરી.
પોલીસે બિલ્ડરની અટકાયત કરી.