તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, A Woman Was Believed To Have Dissolved A Tumor In Her Abdomen Eventually, Doctors Surgically Removed The 4.9 Kg Tumor.

અંધશ્રદ્ધા:સુરતમાં મહિલાને ભૂવાના મંત્રેલા પાણીથી પેટમાં થયેલી ગાંઠ ઓગળવાનો વિશ્વાસ હતો, આખરે ડોક્ટરોએ સર્જરી કરીને 4.9 કિલોની ગાંઠ કાઢી

સુરત24 દિવસ પહેલા
ડોક્ટરોએ જટિલ સર્જરી કરીને મહિલાને બચાવી લીધી
  • ગાંઠ પેશાબની થેલી સાથે ચોંટી ગઈ હતી અને લોહીની નળીઓ પણ ખૂબ મોટી થઈ ગઈ હતી

આજના આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધા અને ભૂવાઓમાં વિશ્વાસ રાખીને પોતાના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. સુરતમાં પણ અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. મોરા ગામમાં એક 38 વર્ષીય મહિલાના પેટમાં ગાંઠ હતી. જ્યારે તે મહિલા તબીબોના સંપર્કમાં આવી ત્યારે એવું લાગી રહ્યું હતું કે તેને નવ માસનો ગર્ભ છે. તબીબો પણ મહિલાની તબિયત જોઈને ચોંકી ઊઠ્યા હતા. તબીબના મતે મહિલાના ગર્ભાશયમાં ફાયબ્રોડની ગાંઠનું ડિજનરેશન થયું છે.

સોનોગ્રાફીમાં માલૂમ પડયું કે પેટમાં ગાંઠ છે.
જ્યારે તબીબે આ મહિલાની સોનોગ્રાફી કરી ત્યારે ખબર પડી કે મહિલાના પેટમાં ખૂબ જ મોટી ગાંઠ છે. તબીબે મહિલાને પૂછ્યું કે અત્યારસુધી કયા ડોક્ટર પાસે સારવાર લીધી હતી. ત્યારે તે મહિલાએ સતત જવાબ આપવાનું ટાળ્યું હતું. તબીબને શંકા ગઈ હતી કે કોઈ કારણોસર દર્દી બોલવા માટે તૈયાર નથી. તબીબે દર્દીને વિશ્વાસમાં લીધા બાદ પૂછ્યું ત્યારે મહિલાએ આશ્ચર્યજનક વાતો કરી હતી.

ડોક્ટરોએ સર્જરી કરીને મહિલાના પેટમાંથી ગાંઠ કાઢી
ડોક્ટરોએ સર્જરી કરીને મહિલાના પેટમાંથી ગાંઠ કાઢી

મંત્રેલું પાણી પીવાથી ગાંઠ ઓગળી જશે એવો વિશ્વાસ હતો
મહિલા દર્દીએ ડૉક્ટરને કહ્યું હતું કે તેના પેટમાં ઘણા સમયથી સતત દુઃખાવો થઈ રહ્યો હતો. મને ઓપરેશન કરાવવાનો ડર લાગતો હતો, તેથી જાણીતા એક ભૂવા પાસેથી મંત્રેલું પાણી લઈ આવી હું પીતી હતી. સમયાંતરે ભૂવા પાસે પીંછી ફેરવાવતી હતી. મંત્રેલું પાણી પીવાથી ગાંઠ ઓગળી જશે એવો મને વિશ્વાસ હતો, પરંતુ દિવસે દિવસે ગાંઠ ખૂબ જ મોટી થઈ ગઈ અને મને રક્તસ્ત્રાવ પણ થવા માંડ્યો હતો.

ગાંઠ પેશાબની થેલી સાથે ચોંટી ગઈ હતી
આ મહિલાના પેટમાં 4.9 કિલોની ગાંઠને કારણે ઝડપથી તેનું ઓપરેશન કરવું પડે એવી સ્થિતિ હતી. ગાંઠ પેશાબની થેલી સાથે ચોંટી ગઈ હતી અને લોહીની નળીઓ પણ ખૂબ મોટી થઈ ગઈ હતી. મુશ્કેલી એ હતી કે મહિલાનું બ્લડ ગ્રુપ પણ નેગેટિવ હતું, તેથી એન્ડોસ્કોપીની મદદથી ઓપરેશન કરવાને બદલે લેપરોટોમી સર્જરી કરીને ગાંઠને બહાર કાઢી હતી. બ્લડ ગ્રુપ નેગેટિવ હોવાથી બ્લડની માત્ર એક જ બોટલ મળી હતી. સર્જરી કરવામાં વિલંબ થાય એવી સ્થિતિ ન હતી.

ડોક્ટરે કાઢેલી 4.9 કિલોની ગાંઠ
ડોક્ટરે કાઢેલી 4.9 કિલોની ગાંઠ

ઓપરેશન બાદ મહિલા દર્દી બિલકુલ સ્વસ્થ છે
લવ એન્ડ કેર હોસ્પિટલનાં જાણીતાં ગાયનેકોલોજિસ્ટ ડૉ દીપ્તિ પટેલે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં પણ મહિલાઓ અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખીને પોતાનો જીવ જોખમમાં મૂકે છે. પેટમાં ચાર કિલો કરતાં પણ મોટી ગાંઠને મંત્રેલું પાણીથી ઉતારવાની માનસિકતાને કારણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. મહિલાઓએ અને તેમના પરિવારના લોકોએ પણ ખૂબ જાગ્રત થવાની જરૂર છે. અંધવિશ્વાસમાં રાચીને પોતાનો જીવ મુશ્કેલીમાં મૂકવો જોઈએ નહીં. કોઈપણ શારીરિક તકલીફ હોય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી છે. આ મહિલાને પણ અમે સમય વેડફ્યા વિના તાત્કાલિક તેના પેટમાંથી ગાંઠ કાઢી છે અને અત્યારે તે સ્વસ્થ છે.

અન્ય સમાચારો પણ છે...