સુરતના સચિન વિસ્તારમાં ઘર આંગણે રમતાં રમતાં બાળક સેફ્ટી પીન ગળી ગયું હતું. જો કે, બાળકને ઉલટીઓ થવા લાગતાં માતા પિતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યાં હતાં. જ્યાં એક્સ રેમાં જાણવા મળ્યું હતું કે, બાળક સેફ્ટી પીન ગળી ગયું છે. બાળક સેફ્ટી પીન ગળી ગયું હોવાની વાતથી અજાણ માતા પિતા ચોંકી ગયાં હતાં. બાળકને હાલ સિવિલમાં દવા અને ફ્રૂટ આપીને પીન મળ દ્વારા બહાર કઢાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જો કે સેફ્ટી પીન એ રીતે ન નીકળતો ઓપરેશન કે દૂરબીન વડે પીન કાઢવી પડે તેવી શક્યતા તબીબોએ વ્યક્ત કરી હતી.
રડ્યા બાદ બાળકે ઉલટીઓ શરૂ કરેલી
દિનેશ પાડવી (માસુમ બાળકના પિતા) એ જણાવ્યું હતું કે, તેઓ સચિન પાલી ગામમાં કાલીમાતાના મંદિર પાસે રહે છે. ડાયમંડ કંપનીમાં કામ કરી એકના એક બાળક સહિત પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. આજે સવારે તેમના અઢી વર્ષના (30 મહિના) પુત્ર તનીશ અચાનક રડવા લાગ્યો હતો. જેથી તેની માતાએ બાળકને હાથમાં લઇ હૂંફ આપી હતી. ત્યારબાદ તનીશે અચાનક ઉલટી શરૂ કરી દેતા એને તાત્કાલિક સિવિલ લઈ આવ્યાં હતાં. જ્યાં ડોક્ટરોની સલાહ મુજબ એક્સ-રે પડાવ્યો હતો. જેમાં સેફેટીપીન દેખાતાં તમામ આશ્ચર્યમાં પડી ગયાં હતાં.
કંઈક ગળી ગયાની માતાએ શંકા વ્યક્ત કરેલી
માતાની ધ્યાન બહાર તનીશ જમીન ઉપર રમતાં- રમતાં કંઈક ગળી ગયો હોય એવી આશંકા માતાએ વ્યક્ત કરી હતી. એટલું જ નહીં પણ છાતિના એક્સ-રેમાં સેફ્ટીપીન ખુલ્લી ગઈ હોવાનું દેખાતા ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરી હતી. હાલ તનીશને દાખલ કરી ડોક્ટરોએ કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ કરી રહ્યાં છે. દવા અને ફ્રૂટ ખવડાવ્યા બસ મળ વડે પીન નીકળી જાય તો બાળકને રાહત થઈ શકે છે. નહિતર છેલ્લે ઓપરેશન કે દૂરબીન વડે પીનને કાઢવાની કોશિષ કરાશે એવું તબીબે કહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.