સુરતના ભેસ્તાનમાં જવેલર્સની દુકાનમાં રાત્રે 2 લૂંટારૂઓ ઘૂસી માલિકને બંદૂકની અણીએ ધમકાવી દાગીના લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે માલિકે ઝપાઝપી કરતા ખાલી હાથે ભાગવાની નોબત આવી હતી. ભાગવામાં લૂંટારૂઓના હાથમાંથી હથિયાર પડી ગયું હતું. પાંડેસરા પોલીસે લૂંટારૂઓને શોધવા માટે રોડ પર નાકાબંધી કરી હતી. આ ઘટના બુધવારે રાત્રે 8 વાગ્યે બની હતી.આ મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે.
ફાયરિંગ છતાં પ્રતિકાર કર્યો
સુરતના અલથાણ ખાતે રહેતા નીરજભાઈ બાફના પાંડેસરા વિસ્તારમાં જવેલર્સની દુકાન ધરાવે છે. તેઓ દુકાને હાજર હતા. તે સમયે બે ઈસમો દુકાનમાં આવ્યા હતા. જેમાં બે પૈકી એક ઇસમેં રિવોલ્વર કાઢી દાગીના આપી દેવા માટે ધમકીઓ આપી હતી. જયારે બીજા ઇસમેં દુકાનમાં ઘુસી લૂંટની કોશિશ કરી હતી. આ દરમ્યાન દુકાન માલિકે પ્રતિકાર કર્યો હતો. જેથી બે પૈકી એક ઇસમેં રિવોલ્વરમાંથી ફાયરીંગ કર્યું હતું. તેમાં દુકાન માલીકનો બચાવ થયો હતો. દુકાન માલિકે પ્રતિકાર કરતા બંને ઈસમો ત્યાંથી નાસી છૂટ્યા હતા.
લૂંટનો પ્રયાસ CCTVમાં કેદ
લૂંટારૂઓ તો મોટરસાયકલ ઉપર બેખોફ થઈને જ્વેલર્સની દુકાનમાં પ્રવેશતા દેખાય છે. દુકાનમાં પ્રવેશતાની સાથે જ બંદૂક માલિક બતાવે છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે, જ્વેલર્સના માલિક જરાપણ ગભરાયા વગર તેનો પ્રતિકાર કરે છે. લૂંટારુઓએ માલિક ઉપર ફાયરિંગ પણ કરી દીધું હતું. ફાયરિંગ કર્યા બાદ પણ દુકાનદાર ડર્યા વગર તેનો પ્રતિકાર કરતો રહ્યો છે. આખરે લૂંટારૂઓ ત્યાંથી નાસી ગયા હતા.બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.