ટેસ્ટ એક સ્વાદ રસિયા અનેક:​​​​​​​સુરતમાં ચંદની પડવાની ઉજવણી માટે ઘારી બનાવવા આધુનિક મશીનનો ઉપયોગ, કલાકમાં 15 કિલો ઘારી બની જાય છે

સુરતએક મહિનો પહેલા
મશીનમાં તૈયાર થતી ઘારીની તસવીર
  • ચંદી પડવાના દિવસે શહેરમાં દોઢ લાખ કિલો ઘારી સાથે 30 હજાર કિલો ભૂંસુ વેચાવાની સંભાવના
  • ઘારીની વધતી ડિમાન્ડને પૂરી કરવા કારીગરોની જગ્યાએ હવે મશીનનો ઉપયોગ શરૂ થયો

સુરતમાં ચંદની પડવાને દિવસે 75 લાખ સુરતીજનોને ઘારીનો સ્વાદ આપવા વેપારીઓએ મશીન પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો છે. ચંદી પડવાના દિવસે શહેરમાં અંદાજે દોઢ લાખ કિલો ઘારી સાથે 30 હજાર કિલો ભૂંસુ વેચાવાની સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી છે. ગત વર્ષ કરતાં ઘારી અને ભૂંસૂ વધારે વેચાવાનો મત શહેરના વેપારીઓ વ્યક્ત કરી સ્વાદ રસિયા સુરતીઓને જ નહીં પણ વિદેશોમાં વસતા ગુજરાતીઓને પણ ઘારી પહોંચાડવા કુરિયર દ્વારા ઘારીની ડિલિવરી કરી રહ્યા છે.

સુરતની 123 વર્ષ જૂની પેઢી જમનાદાસ ઘારીવાળાની પાંચમી પેઢીના વહીવટદાર મનોજભાઇ ઘારીવાળાએ જણાવ્યું હતું કે, ખાવાની એક સ્વાદિષ્ટ વસ્તુને મશીન પર બનતા જોઈ મશીન પર ઘારી બનાવવાનો આઈડિયા આવ્યો હતો. અમદાવાદના એક ઇજનેરે આ આઈડિયાને સફળ બનાવતા આજે એક કલાકમાં વધુમાં વધુ 15 કિલો ઘારી ઓછા કારીગરોની મદદથી બનાવી શકાય છે.

1857માં ઘારી ખાવાનું ચલણ આવ્યું
મનોજભાઇ ઘારીવાળા (જમનાદાસ ઘારીવાળાના પૌત્ર) એ જણાવ્યું હતું કે, ઘારીનું ચલણ 1857માં આવ્યું હતું. બ્રિટિશરો સામે લડતા સ્વતંત્ર સેનાની તાતીયા ટોપે અને એમના સૈનિકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઘારી ખવડાવવામાં આવી હતી. ત્યારબાદ તેની યાદમાં ચંદી પર્વ મનાવવામાં આવે છે. લગભગ 1897 માં તેમના દાદા જમનાદાસ ચુનીલાલ ઘારીવાળાએ ઘારી બનાવવાનું શરૂ કર્યું હતું. એમ કહેવાતું કે શરદ ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ ડાઉન થતી હોય છે અને દૂધનો માવો, ખાંડ, એલચી, ઘી અને ડ્રાયફ્રુટ નાખીને બનાવવામાં આવતી મીઠાઈ (ઘારી) રોગ પ્રતિકારક શક્તિ વધારી દે છે.

સુરતમાં ઘારી ખરીદવા દુકાન બહાર લાઈનો લાગી
સુરતમાં ઘારી ખરીદવા દુકાન બહાર લાઈનો લાગી

ગુજરાત જ નહીં દેશ-વિદેશમાં ઘારી પ્રચલિત
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ધીરે ધીરે આ ચંદી પર્વ આખા દેશમાં ઉજવવાનું શરૂ થયું અને ઘારી માત્ર દેશમાં નહિ પણ વિદેશોમાં સ્વાદિષ્ટ બનતી ગઈ, એમ કહીએ તો નવાઈ નથી કે આજે વિશ્વના મોટાભાગના દેશોમાં જ્યાં ગુજરાતી વસે ત્યાં ઘારીના રસિયા વધે એવી કહેવત બની ગઈ છે. એટલે જ આજે અમેરિકા, સાઉથ આફ્રિકા, UAE, લંડન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફિઝી સહિતના દેશોમા હજારો-લાખો કિલો ઘારી સુરતથી એક્સપોર્ટ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં પણ હવે વેપારીઓ પોતાની વેબસાઇટ પરથી વિશ્વના કોઈ પણ દેશમાંથી ઓર્ડર લઈ કોરિયર દ્વારા ઘારીની સરળ ડિલિવરી કરી રહ્યા છે.

મશીન 1 કલાકમાં 15 કિલો ઘારી બનાવે છે
મનોજભાઈએ ઉમેર્યું કે, સામાન્ય રીતે આજદીન સુધી ઘારી બનાવવા માટે કારીગરોનો ઉપયોગ કરાતો હતો. પરંતુ વધતી માગને પહોંચી વળવા માટે હવે આધુનિક યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરાયો છે. આ આવિષ્કાર પણ જમનાદાસ ઘારીવાળાની પેઢી એ શરૂ કર્યો છે. બસ એક દિવસ નાસ્તો કરવા નીકળ્યાને સ્વાદિષ્ટ નાસ્તો એટલે કે ઘારીની સાઈઝનો નાસ્તો મશીન પર બનતા જોઈ આઈડિયા આવતા ઈજનેર સાથે વાત કરી. તો આજે ખૂબ જ સરળતાથી મશીન પર ઘારીનું ઉત્પાદન લેતા થઈ ગયા છે. એમ કહી એ તો નવાઈ નથી કે એક કલાકમાં લગભગ 15 કિલો સુધીની તૈયાર (80-82 ગ્રામ પ્રતિ પીસ) ઘારી મશીન પર બનાવી શકાય છે. બસ પછી તેલમાં તળીને ઘી નાખો એટલે ઠંડી પડ્યા બાદ ઘારીના સ્વાદમાં કોઈ બદલાવ આવતો નથી.

મશીનમાં તૈયાર ઘારીની તસવીર
મશીનમાં તૈયાર ઘારીની તસવીર

મશીન ઘારી માટે લોટ બાંધી આપે
મશીન વિશે વાત કરતા મનોજભાઈએ કહ્યું કે, મશીનની ખાસિયત કહીએ તો લોટ બાંધી આપે છે, સીટ બનાવી આપે છે, ઘારી ના તૈયાર માવા સાથે ફોલ્ડ કરી આપે છે, અને ખાસ વાત એ છે કે ગ્રામ અને આકાર એક સરખા રાખે છે. જે કામ માટે અલગ અલગ કારીગરો રાખવા પડતા હતા એ હવે માત્ર ગણતરીના કારીગરો વચ્ચે ઝડપી અને વધુમાં વધુ ઉત્પાદન લઈ શકાય છે. બસ ખ્યાલ એટલો જ રાખવામાં આવે છે કે ઘારીના લોટનું કવર ફાટી જાય તો એને મશીન પરથી બહાર લઈ લેવાય. અને આ કામ બહેનો જ કરતી હોય છે.