દુર્ઘટના અગાઉના CCTV:સુરતમાં લક્ઝરી બસમાં 58 સેકન્ડમાં જ બ્લાસ્ટ થયા બાદ આગ લાગી, આગ લાગ્યા પહેલાં બસ ઝટકા મારીને બંધ થઈ હતી

સુરત8 મહિનો પહેલા
બસમાં આગ લાગતાં જ સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો હતો.
  • વરાછામાં પાનની કેબિન પર બેઠેલા સ્થાનિકોએ અફરાતફરી સર્જાયેલી
  • બસમાં આગ લાગી હોવાની જાણ બાઈકચાલકે કરી હતી-ડ્રાઈવર

સુરતના હીરાબાગ પાસે મંગળવારે રાતના 9.35 કલાક આજુબાજુ ભાવનગર જવા નીકળેલી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું. જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી.બસમાં આગ લાગ્યા પહેલાના સીસીટીવીસામે આવ્યાં છે. જેમાં બસ ઝટકા મારીને બંધ થયા બાદ બ્લાસ્ટ થયો હતો. બાદમાં આગ લાગ્યાનું ધ્યાને આવતાં જ પાનની કેબિન પર બેઠેલા સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો હતો.

FSLની મદદ લેવાશે
એસીપી સીકે પટેલે જણાવ્યું હતું કે, કતારગામથી બસ ભાવનગર જવા માટે 9 વાગે બસ રવાના થઇ હતી. આ દરમ્યાન બરોડા પ્રિસ્ટેજથી હીરાબાગ જતા બસમાંથી ધુમાડો નીકળ્યો હતો. હીરાબાગ સર્કલ પાસે બસમાં આગ લાગી હતી. બસમાં આગ લાગતા જ તમામ લોકો ઉતરી ગયા હતા. પરંતુ આ ઘટનામાં તાન્યાબેન બસમાંથી ઉતરી શક્યા ન હતા. જેથી તેઓ બસમાં આગના કારણે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેઓને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં તેઓનું મોત થયું હતું. આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ બસમાં આગ ક્યાં કારણોસર લાગી તે માટે એસએફએલની મદદ પણ લેવાઈ છે. તેમજ ઇલેક્ટ્રિક અને આરટીઓ ઇન્સ્પેકટરની સ્થળ નિરિક્ષણ કરાવી આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

દુર્ઘટના અગાઉ રસ્તા પરથી પસાર થતી બસ CCTVમાં કેદ થઈ હતી
દુર્ઘટના અગાઉ રસ્તા પરથી પસાર થતી બસ CCTVમાં કેદ થઈ હતી

મહિલા સળગી ગઈ
ભાવનગર જવા નીકળેલી લકઝરી બસમાં ‘લકઝરી’ સેવાને કારણે જ શોર્ટસર્કિટ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. આગ લાગ્યા બાદ તરત જ બસના પાછળના ભાગે બ્લાસ્ટ થયો હતો. બસમાં 1x2ની વ્યવસ્થાની સ્લિપિંગ એસીની વ્યવસ્થા હતી. જમણી બાજુ પાછળના ભાગે બે રેકમાં ડબલ બેડવાળા બોક્સ હતા, જેમાં ઉપરના ભાગે મહિલા સહિત બે લોકો બેઠા હતા. એકાએક આગ લાગતાં આ બોક્સમાં બેઠેલી મહિલાને બસમાંથી ઊતરવાનો સમય જ મળ્યો ન હતો અને તે જોતજોતાંમાં જ જીવતી સળગી ગઈ હતી.

બસ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી.
બસ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી.

ચાર્જિંગના યુનિટ હતા
બસમાં મોબાઇલ ચાર્જિંગ માટેના પણ યુનિટ્સ આપેલા હતા. શક્યતા છે કે એને કારણે પહેલા શોર્ટસર્કિટ થયું અને પછી આગ લાગી હતી. આગ લાગ્યા બાદ બસના નીચેના ભાગે ટેમ્પરેચર વધ્યું અને તરત જ એસીનું કમ્પ્રેસર ફાટ્યું હતું. આ બ્લાસ્ટ અને બસમાં સૂવા માટે ગોઠવાયેલી ફોમની ગાદીને કારણે આગ વધુ વિકરાળ બની હતી.

પાનની દુકાનોમાંથી લોકો બહાર દોડી આવ્યાં હતાં
પાનની દુકાનોમાંથી લોકો બહાર દોડી આવ્યાં હતાં

બાઇકચાલકે મને આગ લાગી હોવાનો ઇશારો કર્યો
યોગીચોક પાસેથી હું લકઝરી લઈને જતો હતો ત્યારે એક બાઇકવાળો ઓવરટેક કરીને નજીક આવ્યો અને કહેવા લાગ્યો કે તારી બસની પાછળના ભાગે ધુમાડા નીકળે છે, એટલે મેં તરત બસ ઊભી રાખી અને પાછળ જઈને ચેક કર્યું એટલીવારમાં તો આગ વધુ ફેલાઈ ગઈ હતી. - લકઝરી બસનો ડ્રાઇવર