સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી વૃંદાવન રેસિડેન્સીમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના પાટડીના રહેવાસી સરૂભાએ પોતાની પત્નીની હત્યા કરી હતી.પત્ની હંસાબા સાથે ચારિત્ર્યની શંકામાં ઝઘડો હંમેશા થતો રહેતો હતો. આજે 20 દિવસ બાદ તેઓ ઘરે પરત આવ્યા હતા અને તેનો પુત્ર ઘરે હોવાથી તેને કહ્યું કે, તું નાસ્તો લઈને આવ. તે દરમિયાન દરવાજો બંધ કરીને તેની પત્નીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.
પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થતાં હતા
સરૂભા અને હંસાબા વચ્ચે છેલ્લા ઘણા સમયથી દાંપત્ય જીવનમાં શાંતિ ન હોવાનું સામે આવી રહ્યું છે. અવારનવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા રહેતા હતા. થોડા દિવસો અગાઉ પણ હંસાબા ઉપર તેમના પતિ દ્વારા તલવારથી હુમલો કરવાની ઘટના બની હતી. ઘણી વખત માતા સાથે તેમના પિતા ઝઘડો કરતા ત્યારે બાળકો પણ વચ્ચે બોલતા હતા. તે સમય દરમ્યાન પણ તે બાળકોને મારતો હતો. પરિવારમાં 14 વર્ષની દીકરી અને 20 વર્ષનો પુત્ર પણ અવારનવાર તેના પિતાના માતા સાથે અયોગ્ય વર્તન કરતા તેઓ પણ હેરાન થઈ ગયા હતા.
ચારિત્ર્યની શંકા કરાતી
એસીપી જે. ટી. સોનારાએ જણાવ્યું કે, આરોપી સરુભા પત્ની સાથે ઝઘડો કરતો રહેતો હતો. તાજેતરમાં જ તેના ઉપર હુમલો કરાતા પત્નીએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. સરૂભાને તેની પત્ની ઉપર ચારિત્ર્યની શંકા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આજે ઘણા દિવસો બાદ ઘરે સવારે આવ્યો હતો. પત્નીની ગળું કાપીને હત્યા કરી નાખી હોવાનું જાણવા મળ્યું છે. આરોપીને અટકાયત કરી લીધી છે. કોરોનાની ગાઈડ લાઈનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.