સુરતમાં વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પાંચ વર્ષીની બાળકી રમતાં-રમતાં વીંટી ગળી ગઈ હતી. દીકરી વીંટી ગળી જતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. બીજી તરફ, તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. એમાં તપાસ કરતા વીંટી અન્નનળીમાં ફસાઈ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે તબીબોએ તાત્કાલિક બાળકીને સારવાર કરાવ્યા બાદ ઓપરેશન કરી દૂરબીનની મદદથી 1 કલાકથી વધુ સમયની મહેનત બાદ વીંટી બહાર કાઢી હતી.
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો
ઘણી વખત વાલીઓ પોતાનાં સંતાનોને રમતાં મૂકી પોતે કામમાં વ્યસ્ત થઇ જતા હોય છે. ત્યારે આવા વાલીઓ માટે સુરતમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. એમાં એક 5 વર્ષીય બાળકી રમતાં-રમતાં વીંટી ગળી ગઇ હતી. એને લઈને પરિવાર દોડતો થઇ ગયો હતો. મૂળ ઓડિશાના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં રહેતા બલરામ મહંતોની 5 વર્ષીય પુત્રી મનસ્વી મંગળવારે ઘરે રમત રમતી હતી. આ દરમિયાન દીકરી રમતાં-રમતાં પોતાના જમણા હાથની આંગળીમાં પહેરેલી તાંબાની વીંટી મોઢામાં નાખી હતી. ત્યારે અચાનક બાળકીથી વીંટી ગળાઈ જતાં ગળામાં દુખાવો શરૂ થયો હતો. બાળકી વીંટી ગળી ગઇ હોવાની જાણ થતાં પરિવાર ચોંકી ઊઠ્યો હતો. ચિંતામાં મુકાઈ ગયો હતો. ત્યાર બાદ પરિવાર બાળકીને લઈ તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યો હતો.
સિવિલમાં બાળકીના એક્સ-રેમાં વીંટી દેખાઈ
સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગમાં તબીબોએ એક્સ-રે સહિતની જરૂરી તપાસ કરતાં વીંટી અન્નનળીમાં ફસાયેલી હોવાનું દેખાયું હતું. ફસાયેલી વીંટીને લઇ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. એને લઇ તેની તબીબો દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરાઈ હતી. બાળકીનું ઓપરેશન કરવાની પણ તબીબોએ તૈયારી શરૂ કરી દીધી હતી.
1 કલાકની મહેનત બાદ વીંટી બહાર નીકળી
પાંચ વર્ષની બાળકીની અન્નનળીમાં ફસાયેલી વીંટીને બહાર કાઢવા માટે સિવિલના સર્જન અને ઇએનટી ડોક્ટરની સ્પેશિયલ ટીમ કામે લાગી હતી. ત્યારે આ અંગે સુરત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે બાળકીના ઓપરેશન માટે નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન લેવાયું હતું. ત્યાર બાદ તબીબોએ જ્યાં વીંટી ફસાઈ હતી ત્યાં અન્નનળી સુધી માઇક્રો દૂરબીન મોકલવામાં આવ્યું હતું. એક કલાક દૂરબીનની મદદથી તબીબોને અન્નનળીમાં ફસાયેલી વીંટી બહાર કાઢવામાં સફળતા મળી હતી. વીંટી નીકળી જતાં પરિવારે રાહતનો દમ લીધો હતો.
વીંટી સમયસર ન નીકળી હોત તો બાળકી હાલત બગડી શકી હોત
ગણેશ ગોવેકરએ વધુમાં જણાવ્યું હતું કે બાળકીને લઈ તેનો પરિવાર સમયસર સુરત સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. તબીબો દ્વારા દૂરબીનની મદદથી સમયસર ઓપરેશન કરી વીંટી બહાર કાઢવામાં સફળતા મળી હતી. વીંટી જો સમયસર કાઢવામાં આવી ન હોત તો તેને કોમ્પ્લિકેશન થવાની ભીતિ હતી. બાળકીનું જીવનું જોખમ ઊભું થઈ શક્યું હોત, જેથી તબીબોએ એક કલાક ઓપરેશન હાથ ધર્યું હતું. આખરે એક કલાકની મહેનત બાદ દૂરબીનની મદદથી બાળકીની અન્નનળીમાં ફસાયેલી વીંટી બહાર કાઢવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ બાળકો આવી રીતે રમતાં-રમતાં રૂપિયાના સિક્કા જેવી વસ્તુઓ ગળી જવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી હતી, જેમાં એક બાળકી વીંટી ગળી ગઈ હતી. ત્યારે સતત પ્રકાશમાં આવતી આ પ્રકારની ઘટનાઓ વાલીઓ માટે લાલબત્તી સમાન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.