સરથાણા જકાતનાકા પાસે રાજ ઇમ્પિરીયર શોપિંગ સેન્ટરમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે છાપો મારી થાઈલેન્ડની 3 યુવતી સહિત 7ને ઝડપી પાડ્યા છે. સરથાણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, પોલીસને બાતમી મળી હતી કે, સરથાણા જકાતનાકા પાસે રાજ ઇમ્પિરીયર શોપિંગ સેન્ટરમાં સ્પર્શ થાઈ સ્પા નામની દુકાનમાં કૂટણખાનું ચાલે છે. આ બાતમીના આધારે સોમવારે રાત્રે પોલીસે છાપો માર્યો હતો. ત્યાં નાની-નાની કેબિન બનાવવામાં આવી હતી. એક કેબિનમાંથી થાઈલેન્ડની યુવતી અને ગ્રાહક કઢંગી હાલતમાં મળ્યા હતા.
ઉપરાંત બહાર સોફા પરથી થાઈલેન્ડની બે મહિલાઓ મળી હતી. સ્પાનો સંચાલક દક્ષેશ ખેરડિયા (રહે. રાજ રીવેરા એપાર્ટમેન્ટ, બ્રાહ્મણ ફળિયું ફુલપાડા, કતારગામ) પણ ઝડપાયો હતો. સ્પાનો માલિક સાગર પાટીલ (રહે. સમર્થ પાર્ક એપાર્ટમેન્ટ, શિખા ટાવર, અડાજણ ચાર રસ્તા)છે. ઉપરાંત સ્પામાંથી ગ્રાહકો પણ મળી આવ્યા હતા. પોલીસે સ્પામાંથી રોકડા 35 હજાર રૂપિયા, બે ફોન અને 8 કોન્ડમ કબજે કર્યા હતા. સ્પાનો માલિક સાગર ગ્રાહકો પાસેથી 2 હજાર રૂપિયા લઈ મહિલાઓને 1 હજાર રૂપિયા આપતો હતો.
સાગરે તે દુકાન દલાલ મીર્ચિભાઈ પાસેથી ભાડેથી લીધી હતી. થાઈલેન્ડની ત્રણેય મહિલાઓ ટૂરિસ્ટ વીઝા પર આવી હતી. હાલ પોલીસે તેમને ડિટેઇન કરી છે. સરથાણા પોલીસે આરોપીઓ સાગર અને દક્ષેશ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.આરોપી સોશિયલ મીડિયાથી અને દલાલના માધ્યમોથી ગ્રાહકોનો સંપર્ક કરતો હતો. ઉપરાંત તેઓ પોતાના ગ્રુપમાં રોજ એક કોડ નાખી દેતાં હતા. જેના આધારે ગ્રાહકોને સ્પામાં એન્ટ્રી મળતી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.