ધરપકડ:સલાબતપુરામાં વેપારીના રૂ. 48 હજાર ચોરનાર 2 મહિલા ઝડપાઈ

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 માસ પહેલાં વડોદરાની મહિલાઓ ચોરી કરી નાસી ગઈ હતી

2 મહિના પહેલા સલાબતપુરામાં સાંઈ આસારામ માર્કેટમાં મહિલા વેપારીના પર્સમાંથી 48 હજાર રૂપિયાની ચોરી કરી 2 મહિલા ફરાર થઈ ગઈ હતી. આ મહિલાઓ શનિવારે ફરી આવતા વેપારીએ બંને મહિલાઓને ઝડપી લઈને સલાબતપુરા પોલીસને સોંપી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના મકરપુરામાં રહેતી સુરેખાબેન દિપક માળી વડોદરામાં સાડીનો વેપાર કરે છે. તેઓ અવારનવાર સાડી ખરીદવા માટે સુરત આવે છે. બે મહિના પહેલા તેઓ સલાબતપુરામાં સાંઈ આસારામ માર્કેટમાં એક દુકાનમાં સાડીઓ ખરીદવા માટે આવ્યા હતા. ત્યારે દુકાનમાં જ પર્સમાંથી 48 હજાર રૂપિયા ચોરાઈ ગયા હતા.દુકાનના સીસી કેમેરમાં 2 મહિલાઓ સાડીઓ ખરીદવાના બહાને દુકાનમાં આવી નજર ચૂકવી ચોરી કરી નાસી ગયા હતા. તે સમયે સુરેખાબેને પોલીસને ફરિયાદ આપી ન હતી. પરંતુ જે દુકાનમાંથી ચોરી થઈ હતી દુકાનદારે સીસી ફુટેજ માર્કેટમાં વાઇરલ કર્યા હતા. આ મહિલાઓ ફરી 2 મહિના બાદ માર્કેટમાં ખરીદી માટે આવી હતી. જેથી તેમને વેપારીએ પકડી પાડી હતી.

પકડાયેલી મહિલાઓનું નામ રસીલા સુનિલ કાંગિયા અને સંગીતા પ્રવિણ કાંગિયા(બંને રહે. વડોદરા રેલવે સ્ટેશન પાસે, ફુટપાથ પર) છે. સુરેખાબેને બંને વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ચોરી કરનારી મહિલાઓ ફરીથી આવતા વેપારીએ બંનેને પકડી પોલીસને સોંપી
બે મહિના પછી સુરેખાબેન શનિવારે ફરીથી સુરતમાં ખરીદી માટે આવ્યા હતા. ત્યારે બે મહિના પહેલા ચોરી કરનારી મહિલાઓ ફરીથી માર્કેટમાં દેખાઈ હતી. તેથી સુરેખાબેને અન્ય વેપારીઓની મદદથી બંને મહિલાઓને પકડીને પોલીસને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...