હેવાન પિતા:સુરતમાં સગા પિતાએ 14 વર્ષીય દીકરી પર 8 કલાકમાં 2 વાર દુષ્કર્મ કર્યું

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 13 વર્ષની દીકરી સાથે છેડતી, બંને દીકરી હિંમત દાખવી પોલીસમાં પહોંચી

સલાબતપુરામાં સગા પિતાએ જ 14 વર્ષીય દીકરી પર 8 કલાકમાં 2 વખત બળાત્કાર ગુજાર્યો હતો અને 13 વર્ષીય દીકરીની છેડતી કરી છે. પોલીસે ગુનો દાખલ કરીને નરાધમ પિતાની અટકાયત કરી હોવાની માહિતી મળી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, માન દરવાજા વિસ્તારમાં ઇમરાન( નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત 2 દીકરા અને 2 દીકરી છે. તેમાં મોટી દીકરી 14 વર્ષીય મુમતાઝ ( નામ બદલ્યું છે) અને 13 વર્ષીય નિલોફર (નામ બદલ્યું છે) મુમતાઝ ધોરણ 9માં અભ્યાસ કરે છે અને નિલોફર ધોરણ 8 માં અભ્યાસ કરે છે.

આઠેક મહિના પહેલા ઇમરાને તેની બંને દીકરીઓના શરીરે હાથ ફેરવીને બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે બંનેએ માતાને ફરિયાદ કરી હતી. પરંતુ માતાએ તે ફરિયાદને ગંભીરતાથી લીધી ન હતી અને પતિને આવું ફરી નહીં કરવાની સલાહ આપી હતી. 2 દિવસ પહેલા ઇમરાન મુમતાઝને એક દરગાહ પર લઈ ગયો હતો. ત્યારે પણ રસ્તામાં તેની સાથે છેડતી કરી હતી.

પછી ગત રાત્રે 12થી 1 દરમિયાન ઇમરાને મુમતાઝનું મોઢું દબાવી બળાત્કાર ગુજાર્યો હતો. સવારે 8 વાગ્યે બીજી વખત બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ નિલોફરની છેડતી કરી હતી. સવારે નિલોફરે માતાને ફરિયાદ ન કરતા મોટા બહેન મુમતાઝને ફરિયાદ કરી હતી. બપોરે બંને બહેનોએ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો દાખલ કરીને આરોપી ઇમરાનની અટકાયત કરી હતી.

શી ટીમે શાળામાં ગુડ-બેડ ટચ વિશે સમજાવાતાં મોટી બહેને ફરિયાદ નોંધાવી, પિતાની અટકાયત
સલાબતપુરાની શી ટીમના ઇન્સ્પેક્ટર એમ.વી. કિકાણીના માર્ગદર્શન હેઠળ સ્કૂલોમાં ગુડ ટચ-બેડ ટચની માહિતી અપાય છે. દિવાળી વેકેશન પહેલા શી ટીમે મુમતાઝની સ્કૂલમાં ગુડ ટચ-બેડ ટચ વિશે સમજાવ્યું હતું. પોલીસે કહ્યું હતું કે, કોઈ તમને બેડ ટચ કરે ત્યારે ઘરે ભલે કોઈને ન કહેતા પરંતુ પોલીસને ચોક્કસ કહેશો. જેથી મુમતાઝે પિતા સામે બળાત્કાર-છેડતી બાબતે માન દરવાજા પોલીસ ચોકી પહોંચી હકીકત જણાવી હતી. જે સાંભળી પોલીસ કર્મચારીઓ ચોંકી ઊઠ્યા હતા. બાદમાં તેને પોલીસ સ્ટેશને લઈ જઈ ઇન્સ્પેક્ટર એમ.વી. કિકાણીને આપવિતી જણાવાતા ગુનો નોંધાયો હતો.