પાલિકાને વર્ષે 30 લાખની ખોટ:પીપલોદમાં સાઇકલ ટ્રેક માટે પાર્કિંગ બંધ કર્યાં ને લારીનાં દબાણ વધી ગયાં

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓનસ્ટ્રીટ પાર્કિંગમાં પાલિકાની બેવડી નીતિ છતી થઈ છે. તમામ ઝોનમાં ઓનસ્ટ્રીટ પાર્કિંગ માટે નક્કી કરાયેલા રસ્તાઓ પર ઇજારો સોંપાયો છે. ત્યારે અઠવા ઝોનમાં કેટલાંક રસ્તા પર કોન્ટ્રાક્ટ સોંપાયો છે તો કેટલાંકના ઇજારા સાયકલ ટ્રેક હોવાનો ઝોને રિપોર્ટ આપી ટેન્ડરો જ બહાર પાડ્યા નથી, જેમાં પીપલોદ-ડુમસ રોડ, લાન્સર આર્મી સ્કૂલથી બિગબજાર રોડ, રાહૂલ રાજ મોલ રોડ, અઠવાગેટથી વાય જંકશન અને આગળના ઓનસ્ટ્રીટ પાર્કિંગના ઇજારો નહીં સોંપાતા પાલિકાને વાર્ષિક 24 લાખની ખોટ જઈ રહી છે.

હવે આ રસ્તાઓ પર સાયકલ ટ્રેક હોય ટેન્ડરો જ અટકાવી દેવાયા છે. ઘોડ દોડ રોડને ઓનસ્ટ્રીટ પાર્કિંગ માટેનો રોડ જાહેર કરાયો હતો પરંતુ તેના પર પણ બ્રેક મારી દેવામાં આવતાં મહિને વધુ 5 લાખની ખોટ થઈ રહી હોવાનું પાલિકાના અધિકારી સૂત્રોનું કહેવું છે.

લાન્સર આર્સી સ્કૂલ આગળથી રાહૂલરાજ મોલ સુધી ના રસ્તાઓ પર બંને ટ્રેક પર ઓનસ્ટ્રીટ પાર્કિંગ જાહેર છે ત્યાં પાલિકાના બોર્ડ પણ લાગ્યાં છે. પરંતુ ત્યાં ઠેર ઠેર પરાઠા, ચાઇનિઝ, ફ્રેન્કી સહિતની ખાણીપીણીની લારીઓ, ફૂડ ટ્રક ના દબાણો થઈ ગયાં છે. તેને પગલે સર્વિક રોડ જામ હોય છે પિક અવર્સમાં રજાઓમાં ટ્રાફિક ભારણ રહેતું હોય ત્યારે ટ્રાફિક સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. ખાણીપીણીની લારીઓ અને ત્યાં આડેધડ પાર્કિંગ થતું હોય વાહન ચાલકોને ભારે પરેશાની સહન કરવી પડે છે સાથે ટ્રાફિક પોલીસને પણ ટ્રાફિક નિયમનમાં નાકે દમ આવી રહ્યાની ફરિયાદ ઉઠી છે.

અમલમાં બેવડી નીતિ
વીઆર મોલ, રાહુલ રાજથી લઈને લાન્સર આર્મી સ્કૂલથી બિગબઝાર પાસે તથા અઠવાગેટથી લઈ વાય જંકશન સુધી ઓનસ્ટ્રીટ પાર્કિંગ જાહેર છે. બોર્ડ સુદ્ધાં લાગ્યાં છે. પરંતુ ત્યાંનો કોન્ટ્રાક્ટ બંધ કરી દેવાયો છે. જ્યારે બીજી તરફ VIP રોડ, મેટ્રો મોલથી ગેલ કોલોની, રિંગ રોડ સહિતના રસ્તા પર ઓનસ્ટ્રીટ પાર્કિંગ જારી છે. અન્ય ઝોનોમાં પણ ઓનસ્ટ્રીટ પાર્કિંગનો ઈજારો સોંપવામાં આવ્યો છે તેનો અમલ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...