કમળ કચડતું ઝાડુ:પાટીલના સુરતમાં બે દિવસમાં જ 300 સક્રિય કાર્યકરો ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા,હજી પણ સેંકડો લાઈનમાં

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાજપના કાર્યકરો ભાજપને છોડીને સતત આપમાં જોડાઈ રહ્યાં છે. - Divya Bhaskar
ભાજપના કાર્યકરો ભાજપને છોડીને સતત આપમાં જોડાઈ રહ્યાં છે.
  • કાર્યકરો ભાજપનો સાથ છોડીને આપમાં જોડાતા નેતાઓ માટે ચિંતાનો વિષય
  • શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે, કાર્યકરોનો સંપર્ક કરીને કારણ જાણી નિરાકરણ લાવશું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત પાલિકામાં સફળતા મેળવી વિરોધ પક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટી હવે ભાજપમાં ગાબડા પાડી રહી છે. સુરતમાં છેલ્લા થોડા જ દિવસોમાં ભાજપના સક્રિય કાર્યકરો કમળને કચડીને ઝાડુ પકડતાં જોવા મળી રહ્યાં છે. બે દિવસમાં 300 જેટલા સક્રિય કાર્યકરો ભાજપ છોડીને આપમાં જોડાયા છે. ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સુરતના હોવા છતાં તેમના નાક નીચેથી જ કાર્યકરો કમળનો સાથ છોડીને આપમાં જોડાઈ રહ્યાં છે. દિવસેને દિવસે મજબૂત થતી આપના નેતાઓ કહી રહ્યા છીએ કે અમારી સ્વચ્છ રાજનીતિથી પ્રભાવિત થઈને ભાજપના કાર્યકરો અમારી સાથે જોડાઈ રહ્યાં છે અને લાઈન જોડાવાની યથાવત છે. જેનું અમે સ્વાગત કરીએ છીએ. ત્યારે શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે, કાર્યકરો ભાજપ છોડી રહ્યા છે તે અમારા ધ્યાનમાં આવ્યું છે અમે તેમના કારણો જાણીને નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું.

ભાજપના કાર્યકરો કમળનો સાથ છોડીને આપમાં જોડાઈ રહ્યાં છે
ભાજપના કાર્યકરો કમળનો સાથ છોડીને આપમાં જોડાઈ રહ્યાં છે

ભાજપ માટે ચિંતાનો વિષય
સુરતમાં આમ આદમી પાર્ટી વધુને વધુ સક્રિય થઇ રહી છે. લોકોને સ્પર્શે તેવા મુદ્દાઓને વાચા આપીને સુરતની જનતામાં પોતાને કામ કરવાની શૈલીને લઈને વિશ્વાસ જીતવાનો શરૂ કરાયો છે. ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે તે ભાજપ માટે સૌથી મોટો ચિંતાનો વિષય બન્યો છે.છેલ્લા એક સપ્તાહમાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીમાંથી કુલ 300 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કામરેજ વિધાનસભા મતવિસ્તારમાંથી 200 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમજ ખટોદરા વિસ્તારમાંથી સો જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આપ દ્વારા ભાજપના કાર્યકરોને પક્ષમાં ભેળવીને ખેસ પહેરાવવાનું યથાવત રખાયું છે.
આપ દ્વારા ભાજપના કાર્યકરોને પક્ષમાં ભેળવીને ખેસ પહેરાવવાનું યથાવત રખાયું છે.

અમે સફળ રહ્યા- આપ
આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણી જણાવ્યું કે, આમ આદમી પાર્ટી સુરત શહેર અને જિલ્લામાં લોકોના પ્રશ્નોને વાચા આપવામાં સફળ થઈ રહી છે. તેને કારણે હવે પ્રજા પણ આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ મૂકી રહી છે. એટલું જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવી રહ્યા છે. યુવા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ના નેતૃત્વમાં ઘરમાં પાર્ટી ડંકો વગાડી રહી છે. આગામી દિવસોમાં ભાજપના અન્ય નેતા અને હોદ્દેદારો પણ આવશે એવી અમને આશા છે.

મહિલા કાર્યકરો પણ ભાજપમાંથી આપમાં જોડાઈ રહી છે.
મહિલા કાર્યકરો પણ ભાજપમાંથી આપમાં જોડાઈ રહી છે.

કાર્યકરોને ભાજપ હાંસિયામાં ધકેલે છે
ભાજપ યુવા મોરચાના મહામંત્રી વિપુલ સાખીયા જણાવ્યું કે, હું છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય રહ્યો છું. પરંતુ મને એવું લાગે છે કે, ભારતીય જનતા પાર્ટીમાં પ્રામાણિક અને પુરુષાર્થ કરતા કાર્યકર્તાઓને કોઈ સ્થાન નથી. છેલ્લા ઘણા સમયથી અમારા જેવા કાર્યકર્તાઓને હાસ્યમાં ધકેલવામાં આવે છે જેનો અમને દુઃખ છે.જેથી સારા વિકલ્પ એવા આપમાં અમે અમારા ટેકેદારો સાથે જોડાયા છીએ.

ભાજપના સક્રિય કાર્યકરોની સાથે હોદ્દેદારો પણ આપમાં જોડાઈ રહ્યાં છે.
ભાજપના સક્રિય કાર્યકરોની સાથે હોદ્દેદારો પણ આપમાં જોડાઈ રહ્યાં છે.

અમે કાર્યકરોનો સંપર્ક કરીશુ-શહેર ભાજપ પ્રમુખ
સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું કે, ભાજપના કેટલાક કાર્યકર્તાઓ આપ પાર્ટીમાં જોડાયા હોવાની વાત અમને મળી છે. અમે એમનો સંપર્ક કરીને જાણવાનો પ્રયાસ કરીશું કે, કયા કારણસર તેઓ અન્ય પાર્ટીમાં ગયા છે. તેઓ કયા કારણસર ગયા છે તે કહેવું અત્યારે હાલના તબક્કે મુશ્કેલ છે. થોડા ઘણા કાર્યકર્તા ગયા પણ હશે પરંતુ અમે તેમનો સંપર્ક કરીને તેમના મનની વાત જાણવાનો પ્રયાસ કરીશું અને પાર્ટી હંમેશા પોતાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની ચિંતા કરતી હોય છે. કારણ કે તેના થકી જ પક્ષ ચાલે છે અને ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાઓની પાર્ટી છે. માટે અમે કોઈ સૌ સાથે મળીને જ કામ કરીએ છીએ.