હુમલો કરી લૂંટ ચલાવાઈ:સુરતના પાંડેસરામાં શ્રમજીવીને પેટમાં ચપ્પુના ઘા ઝીંકતા આંતરડા બહાર આવ્યા, રૂ.1500 લૂંટી ત્રણ બાઈક સવાર ફરાર

સુરત2 મહિનો પહેલા
પિતાના ઈજાગ્રસ્ત એકના એક પુત્રની સિવિલમાં સારવાર ચાલી રહી છે.
  • ઈજાગ્રસ્તના પેટના આંતરડા બહાર આવી જતાં સિવિલમાં સારવાર શરૂ

સુરતના પાંડેસરામાં એક શ્રમજીવીને પેટમાં ચપ્પુ મારી આંતરડા બહાર કાઢી નાખી બાઇક સવાર ત્રણ ઈસમોએ રૂપિયા 1500ની લૂંટ ચલાવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. રોડ કિનારે મોત સામે ઝઝૂમતા ઇસમને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાતા ઓપરેશનમાં લેવાની ફરજ પડી હતી. પિતા શિવ બાલકએ જણાવ્યું હતું કે,' અબ સુરત રહેને લાઈક નહિ રહા, કોઈ ભી કામદાર સુરક્ષિત નહી, બેટા નોકરી પર નીકલા થા, હોસ્પિટલ પહોંચ ગયા, અભી ભી હોશ મેં નહિ આયા, સાહેબ એક હી લડકા હે'.

તાત્કાલિક ઓપરેશનમાં લઈ જવાયો
ડો. તેજશ ચૌહાણ (રાત્રી મેડિકલ ઓફિસર) એ જણાવ્યું હતું કે, ઘટના લગભગ રાત્રે 10 વાગ્યાની હતી. 108 એક ઇજાગ્રસ્તને લઈને આવી હતી. પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતા. ઇજાગ્રસ્ત ઇસમે જણાવ્યું હતું કે, ત્રણ પૈકી બેએ પકડી રાખ્યો ને એકએ પેટમાં ચપ્પુ ઘુસાડી ખીસ્સામાંથી 1500 કાઢી બાઇક પર ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત ઇસમની તાત્કાલિક પ્રાથમિક સારવાર કરી ઓપરેશનમાં લઈ ગયા હતા.

રાતપાળીમાં જવા નીકળેલો
શિવ યાદવ (ઇજાગ્રસ્ત ઇસમના પિતા) એ જણાવ્યું હતું કે, હુમલો મારા દીકરા ગોવિંદ પર થયો છે. અમે બિહારના રહેવાસી છીએ. ગોવિંદ મીલમાં મજૂરી કામ કરે છે. સોમવારે નાઈટ પાળીમાં કામ પર જવા નીકળ્યો હતો. ત્યારબાદ મીલના માસ્ટરનો ફોન આવ્યો. ગોવિંદ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો છે. દોડીને જતા એના પેટમાં ઘા હતો. જેથી એને તત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા.

ત્રણ મહિના પહેલા રોજગારી માટે આવેલો
ગોવિંદ યાદવ (ઇજાગ્રસ્ત) એ જણાવ્યું હતું કે, હજી ત્રણ મહિના પહેલા જ સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. પત્ની, ત્રણ સંતાન, માતા વતન બિહારમાં રહે છે. તેઓ સુરત પિતા સાથે રહે છે અને મિલમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ રહ્યા છે. હુમલાખોરોએ કશું પણ કહ્યા વગર બસ પકડી લીધો અને ત્રીજાએ સીધું પેટમાં ચપ્પુ મારી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. ત્યારબાદ ખીસ્સામાંથી રોકડ રૂપિયા 1500 લઈ બાઇક પર ભાગી ગયા હતા.