શહેરમાં દર મહિને ટેક્સટાઇલના 100થી વધુ વેપારીઓ ઓનલાઇન ફ્રોડનો ભોગ બની રહ્યા છે. મહિને વેપારીઓ એકથી દોડ કરોડ રૂપિયા ગુમાવી રહ્યા છે. આવી ઠગાઈ ન થાય એ માટે મર્કન્ટાઇલ એસોસિયેશને પોલીસ સાથે એક બેઠક યોજી હતી, જેમાં પોલીસે વેપારીઓને ઠગાઈથી બચવાની ટિપ્સ આપી હતી.
હાલ ફોન પર અજાણી છોકરીનો ફોન આવે છે. તે કહે છે કે ‘મારા જોબ ઈન્ટરવ્યુમાં તમારો મોબાઈલ નંબર ભૂલથી નખાઈ ગયો છે તો તમે ઓટીપી મને આપો’. આ ઓટીપી નંબર આપવો નહીં. આવી રીતે અનેક લચામણી ઓફરો આપીને ઠગ ટોળકીઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોય છે. ટેક્સટાઈલના વેપારીઓ સાયબર ક્રાઈમથી બચી શકે એ માટે અને જાગૃતિ આવે એ માટે વેપારીઓએ પોલીસને કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા હતા. ઠગાઈ થઈ પણ જાય તો ત્વરિત શું કરવું? એ બાબતે પણ પોલીસે વેપારીઓને સલાહ આપી હતી.
લાલચ આપીને છેતરપિંડી કરે છે ઠગ ટોળકી
બેન્કથી બોલું છું, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ બંધ થઈ ગયું છે, એને ફરી શરૂ કરવા માટે તમારા નંબર પર આવેલો ઓટીપી માગશે
વેપારીઓ મહિને દોઢ કરોડ ગુમાવી રહ્યા છે
મર્કન્ટાઈલ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સાબુએ કહ્યું હતું કે ‘અમારા એસોસિયેશન પાસે ટેક્સટાઈલ વેપારીઓ સાથે થયેલા સાયબર ક્રાઈમના મહિનામાં 100 જેટલા કેસ આવી રહ્યા છે. અંદાજે ટેક્સટાઈલના વેપારીઓ સાથે મહિને 1થી દોઢ કરોડ રૂપિયાની ગુમાવી રહ્યા છે સાયબર ક્રાઈમથી.
સાયબર ફ્રોડના ચોપડે નોંધાયેલા બનાવો
2019 | 350 |
2020 | 275 |
2021 જૂન સુધી | 200 |
કિસ્સો 1 : તમારી લોટરી લાગી છે, 25 લાખ જીત્યા છો
રમેશ ચોપડા ટેક્સટાઈલ ટ્રેડર્સ છે તેમની પર ફોન આવ્યો ને કહ્યું, ‘તમને લોટરી લાગી છે અને તમે 25 લાખ રૂપિયા જીત્યા છો. ક્લિક કરીને ફોર્મ ભરી દેજો, એટલે તમારા એકાઉન્ટમાં રૂપિયા આવી જશે.’ તરત જ તેમના 30 હજાર કપાઈ ગયા હતા.
કિસ્સો 2 : એકાઉન્ટ હેક કરી કોઈએ 3 લાખ ચાંઉ કર્યા
ટેક્સટાઈલ વેપારી અરવિંદ મહેશ્વરી સાથે પણ ઠગાઈ થઈ હતી. અચાનક જ તેમના બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયા કપાઈ ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે અમેરિકામાં બેઠેલા હેકર્સ દ્વારા તેમનું બેન્ક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.