દુર્ઘટના:ઓલપાડના કરંજ ગામે ભારે વરસાદથી દિવાલ ધસી પડતા મકાન ધરાશાયી, ભર નિંદરમાં સૂતેલા દંપત્તીનું મોત

સુરતએક વર્ષ પહેલા
દિવાલની સાથે મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાયેલા દંપત્તીનું મોત નીપજ્યું હતું.
  • સિમેન્ટના પતરાં વાળું મકાન દિવાલની સાથે તૂટી પડતાં મોત નીપજ્યાં

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. ત્યારે રાત્રિ દરમિયાન સુરત જિલ્લાના ઓલપાડમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. રાત્રિ દરમિયાન વરસાદ વરસતા ઓલપાડ તાલુકાના કરંજ ગામે એક મકાન ધરાશાયી થયું હતું. જેથી મકાનની અંદર નિંદર માણી રહેલા દંપત્તીનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. દંપત્તીના મોતની જાણ થતાં રાજકિય આગેવાનો અને પોલીસ તથા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.

અધિકારીઓ અને પદાધિકારીઓ દુર્ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.
અધિકારીઓ અને પદાધિકારીઓ દુર્ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.

દિવાલની સાથે મકાન ધરાશાયી થયું
રાત્રિ દરમિયાન લગભગ બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. છેલ્લા થોડા દિવસોથી સતત વરસાદ વરસવાના કારણે દિવાલનો પાયો કાચો પડ્યો હોવાની આશંકા દિવાલ પડતાં વ્યક્ત કરાઈ રહી છે. દિવાલની સાથે સિમેન્ટના પતરા સાથેનું સમગ્ર મકાન ધરાશાયી થયું હતું. જેથી મકાનમાં સૂતેલા આહીર દંપત્તી(પરષોતમ લવાભાઇ આહિર અને શાંતિબેન પી આહિર)​​​​​ નું કાટમાળ નીચે ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. સમગ્ર ઘટના અંગે લોકોને જાણ થતાં પોલીસ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓને જાણ કરાતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

કાટમાળ હટાવીને દંપત્તીના મૃતદેહો પીએમ માટે ખસેડવામાં આવ્યાં હતાં.
કાટમાળ હટાવીને દંપત્તીના મૃતદેહો પીએમ માટે ખસેડવામાં આવ્યાં હતાં.

ગામમાં અરેરાટી ફેલાઈ
ઓલપાડના કરંજ ગામે આહિરવાસમાં સર્જાયેલી દુર્ઘટનાથી સમગ્ર ગામમાં અરેરાટીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાની માહિતી મેળવવા માટે મંત્રી મુકેશ પટેલના પ્રતિનિધિ અશોક પટેલ, ભાજપ સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ,તાલુકા પ્રમુખ અમિત પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સાથે જ ઓલપાડ પોલીસ ,ઓલપાડ તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે આવ્યાં હતાં.