ગુજરાતની સરહદે કાશ્મીર જેવી સ્થિતિ:નંદુરબારના નવાપુરામાં ભારે કરા પડવાથી બરફની ચાદર પથરાઈ, રસ્તાઓ બરફથી ઢંકાઈ ગયા

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતાં નવાપુર તાલુકાનાં ગામોમાં કરા પડ્યા હતા. સમગ્ર વિસ્તારના રસ્તાઓ પરનાં ખેતરોમાં આ જગ્યાએ કરાઓની સંપૂર્ણ સફેદ ચાદર છવાઈ ગઈ હતી. કાશ્મીરની જેમ બરફની ચાદર પથરાયેલી નજરે પડી રહી હતી.

ખેતરોમાં કરાઓની સફેદ ચાદર છવાઈ ગઈ
ધુલે જિલ્લાના ખોરી ટીટા વિસ્તારમાં ભારે કરા પડ્યા હતા. અહીં લીંબુના કદના કરા પડ્યા હતા. સમગ્ર વિસ્તારના રસ્તાઓ પરનાં ખેતરોમાં આ જગ્યાએ કરાઓની સફેદ ચાદર છવાઈ ગઈ હતી. આ અતિવૃષ્ટિને કારણે ઘઉં અને ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. આ જગ્યાએ એટલા મોટા પ્રમાણમાં કરા પડ્યા છે કે કાશ્મીરની જેમ બરફની ચાદર પથરાયેલી નજરે પડી રહી હતી. કરા પડવાને કારણે રસ્તાઓ સફેદ બરફથી ઢંકાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કરા સાથે તોફાન તેમણે પહેલીવાર જોયું હતું.

રસ્તાઓ કરાથી ઢંકાઈ ગયા.
રસ્તાઓ કરાથી ઢંકાઈ ગયા.

જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું
વીજળીના કડાકાભડાકા સાથે વાવાઝોડું શરૂ થયું હતું. નવાપુર તાલુકાના ખાંડબારા વિસ્તારના મોગરાણી વિસ્તારમાં થોડા પ્રમાણમાં કરા પડ્યા હતા. જ્યારે ભારે પવનને કારણે ખોગલપાડામાં ઘરનાં પતરાં ઊડી ગયાંની ઘટના બની હતી તેમજ સાકરી તાલુકાના દહીવેલ, નિઝામપુર, જૈતણે, તિતાણે વિસ્તારમાં એક કલાકના વરસાદથી સમગ્ર પાકને નુકસાન થયું છે, જેના કારણે આ વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વીજપુરવઠો ખોરવાતાં નવાપુર તાલુકાના નાગરિકો પરેશાન થઇ ગયા છે. નવાપુર તાલુકાના ચિતવીમાં ખેડૂત સાકરેયા નૂરજી ગાવિતના ખેતરમાં આવેલા કૃષિ પંપનો વીજ પોલ પડી જતાં વાયરો તૂટી ગયા છે.

ખેતરોમાં પણ સફેદ ચાદર પથરાઈ.
ખેતરોમાં પણ સફેદ ચાદર પથરાઈ.

બે વૃક્ષ રોડ પર પડ્યાં
નવાપુર તાલુકા અને જિલ્લામાં અચાનક જોરદાર પવન અને હળવા વરસાદને કારણે વિસરવાડી બાંધરપાડા રોડ પર જોરદાર પવનને કારણે રોડની બાજુમાં આવેલાં બે વૃક્ષો અને એની ડાળીઓ રોડ પર પડી હતી.

નવાપુરનાં ગામોમાં મોટા-મોટા કરાનો વરસાદ થયો.
નવાપુરનાં ગામોમાં મોટા-મોટા કરાનો વરસાદ થયો.

વૃક્ષ ધરાશાયી થતાં અકસ્માત સર્જાયો
અકસ્માતમાં ટૂ-વ્હીલરના આગળના વ્હીલ અને આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં સતીષ ગાવિત નામના મોટરસાઇકલચાલક રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાં સહકાર્યકર જગદીશ ગાવિતને થોડી ઈજા થઈ હતી. રસ્તા પરથી પસાર થતા નાગરિકોએ તેને ઉપાડીને બાજુમાં લઈ જઈ વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં વિસારવાડી ગ્રામ્ય હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. વિસારવાડી ગ્રામ્ય હોસ્પિટલના તબીબી અધિકારીઓ અને સ્ટાફે બંનેને વધુ સારવાર આપી હતી.

લોકોએ કરાના ખોબા ભર્યા.
લોકોએ કરાના ખોબા ભર્યા.

સુરત શહેર-જિલ્લામાં વરસાદ
સુરત શહેર-જિલ્લાના વાતાવરણમાં અચાનક બદલાવ થતાં માવઠું થયું હતું. ગાજવીજ સાથે જોરદાર પવન ફૂંકાવા સાથે વરસાદી ઝાપટાં પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેર સહિત જિલ્લાના વિવિધ તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં, જેમાં સૌથી વધુ વરસાદ ઉંમરપાડામાં 9 મિમી જેટલો નોંધાયો હતો. વરસાદને કારણે ખાસ કરીને કેરીના ઊભા પાકમાં નુકસાનને કારણે ખેડૂતો ચિંતિત થયા હતા.

ઘરોમાં પણ કરાની ચાદર થઈ ગઈ.
ઘરોમાં પણ કરાની ચાદર થઈ ગઈ.

કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક સિસ્ટમ બનવાને કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં કેટલા પાકને નુકસાન થયું છે એ જાણી શકાશે. જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પિનાકિન પટેલે જણાવ્યું હતું કે આ વખતે દક્ષિણ ગુજરાતમાં કેરીનો સારો પાક ઊતરવાની સંભાવના હતી. આંબા પર એક પાક શરૂ થયો, સાથે બીજાં નવાં ફૂલ પણ લાગ્યાં છે. જોકે કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાની શક્યતા નકારી શકાય નથી. આ વરસાદને કારણે કેરી અને ફૂલમાં ફંગસ થવા સાથે ખરી પડવાની શક્યતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...