મહુવા બારડોલી સ્ટેટ હાઈવે પર માટી ભરેલ ટ્રકના ચાલકે ફૂલ સ્પીડે ઝડપે હંકારી બીડ ગામની સીમમાં ઉભી રહેલ સાહિબા લી.કંપનીની બસને પાછળથી ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં બસમાં સવાર કંપનીના 14જેટલા માણસોને વધતી ઓછી ઈજા પહોંચતા 108મા મહુવા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ગમખ્વાર અકસ્માત સર્જાયો
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ઉમરા ગામે બ્રહ્મદેવ ફળિયામાં રહેતા કમલેશભાઈ પટેલ જોળવા પાટિયા નજીક આવેલ સાહિબા લી.કંપનીની બસમાં ડ્રાયવર તરીકે નોકરી કરે છે. મહુવા તાલુકાના આજુબાજુના ગામના કંપનીમાં કામ કરતા મજૂરોને બસમાં લાવવા લઈ જવાની કામગીરી કરે છે.તા-4/06/2022ને શનિવારના રોજ સવારે 7 વાગ્યાના અરસામા બસ (GJ-19-T-4574) લઈ ગામેગામથી કંપનીના મજૂરોને બેસાડી જોળવા ખાતે આવેલ મિલમાં જઈ રહ્યા હતા.સવારે 7:45 વાગ્યાના અરસામા મહુવા બારડોલી સ્ટેટ હાઈવે પર બીડ ગામની સીમમાં ભવાની માતાજીના મંદિર નજીક મજૂરોને બેસાડવા માટે બસ ઉભી રાખી હતી.તે દરમિયાન એક માટી ભરેલ ટ્રક (RJ-27-GD-8552)ના ચાલકે પોતાના કબ્જાની ટ્રક પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બીડ ગામની સીમમાં ઉભેલ બસમાં ધડાકાભેર અથડાવી ગંભીર અકસ્માત સર્જ્યો હતો.
14ને ઈજા પહોંચી
આ અકસ્માતમાં બસમાં સવાર 14 જેટલા માણસોને વધતી ઓછી ઈજા પહોંચી હતી અને અકસ્માત બાદ બસમાં સવાર ઈજાગ્રસ્તોની ચીંચયારીના અવાજથી સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર માટે 108મા મહુવા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.જ્યાંથી ગંભીર ઘવાયેલ 6જેટલી મહિલાઓને વધુ સારવાર માટે બારડોલી સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર માટી ભરેલ ટ્રકના ચાલક વિરુદ્ધ બસના ડ્રાયવરે મહુવા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ટ્રક ડ્રાયવર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.