મિલકતના વિવાદમાં બે ભાઈઓ વચ્ચે ઝગડો થયો હતો. જેમાં નાનાભાઈએ મોટાભાઈને લાફો મારી દેતા લારીની ધાર ઉપર માથું પટકાઈ ગયું હતું. માથામાં ઈજા થવાને કારણે મોટાભાઈનું મોત થયું હતું. આ ઘટનામાં મૃતકની પત્નીએ લિંબાયત પોલીસમાં ફરિયાદ આપી છે. લિંબાયત પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે નાનાભાઈ વિજય સુદર્શન મેરૂંગુ(રહે,ગોકુલનગર,પર્વતગામ) સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો છે. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
લિંબાયતમાં મિલકતના વિવાદમાં નાનાભાઇએ મોટાભાઇને તમાચો માર્યા બાદ લારીની ધાર વાગતા થયેલી મોતની ઘટનામાં પોલીસે જણાવ્યું કે ત્રીજી ડિસેમ્બરે રાત્રીના સમયે વિજય મેરૂંગુ અને તેનો મોટોભાઈ શિવકુમાર વચ્ચે પર્વતગામે ગોકુળ નગરમાં મકાન વેચાણ કરવાની બાબતે માથાકૂટ થઈ હતી. જોકે આ પહેલા વિજયે તેના પિતાની માલિકીનું એકતાનગર સોસાયટીમાં આવેલું મકાન વેચી નાખી તેના રૂપિયા રોકડા કરી લીધા હતા.
મિલકત બાબતે થયેલા આ ઝગડામાં નાનાભાઈ વિજય મેરૂંગાએ તેના મોટાભાઈ શિવકુમારને તમાચો મારી દીધો હતો.જેના પગલે બાજુમાં રહેલ દાણાચણાની લારીની ધાર ઉપર શિવકુમારનું માથું પટકાઈ જતા ઈજા થઈ હતી. બીજી તરફ નાનોભાઈ ત્યાંથી ભાગી જતા માતાએ બેભાન પુત્રને પાણીનો છંટકાવ કરી ભાનમાં આવતા ઘરે લાવી હતી. ઘરે આવતા ફરીવાર તે બેભાન થતા પરિવારજનો સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યા બીજા દિવસે તેનું મોત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.