બદનામની અદાવતમાં હુમલો:કાપોદ્રામાં BJPના કાર્યકર અમિત આહીરે પાર્ટીના જ કાર્યકર કલ્પેશ દેવાણી ઉપર ચપ્પુથી હુમલો કર્યો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાપોદ્રામાં ભાજપના કાર્યકર પર ભાજપના કાર્યકરે 3 સાગરિતો સાથે ચપ્પુ જેવા હથિયારથી હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં ભાજપના કાર્યકરને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. સોશ્યિલ મીડિયા પર બદનામ કરવાની અદાવતમાં હુમલો કરાયો હતો. કાપોદ્રા પોલીસે ભાજપના કાર્યકર અમિત આહીર અને તેના 3 સાગરિતો સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

મોટાવરાછા રાધેશ્યામ કોમ્પલેક્ષમાં રહેતા અને હીરાની મજૂરી કરતા 42 વર્ષીય કલ્પેશભાઈ નારાયણ દેવાણી રવિવારે તેના મિત્ર સાથે બાઇક કાપોદ્રાના એક મિત્રના ઘરે પુત્રવઘુના શ્રીમંતના કાર્યકમમાં ગયા હતા. કાર્યકમમાંથી પરત આવતા હતા તે વખતે રસ્તામાં કાપોદ્રા હસ્તિનાપુર સોસાયટીના નાકે પાનના ગલ્લાની સામેથી પસાર થતા હતા.

તે વખતે અમિત આહીરે કલ્પેશ દેવાણીને જણાવ્યું કે સોશ્યિલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી મને વ્યકિતગત રીતે કેમ બદનામ કરે છે એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અદાવતમાં અમિત આહીરે તેના 3 સાગરિતો સાથે કલ્પેશને ચપ્પુથી હુમલો કરી દીધો હતો.

આ ઘટનાને લઈ લોકોના ટોળા એકત્ર થતા ભાજપના કાર્યકર અમિત આહીર તેના સાગરિતો સાથે ભાગી ગયો હતો. બીજી તરફ ઈજા પામેલા ભાજપના કાર્યકર કલ્પેશ દેવાણીએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ભાજપના કાર્યકર અમિત આહીર અને તેના 3 સાગરિતોએ સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...