સુરતમાં રાજસ્થાનના CMના પ્રહાર:ગુજરાત સરકારે જેટલા વાયદા કર્યા તે પૂરી કરી શકી નથી, કોંગ્રેસ વાયદા નહીં પરંતુ ગેરંટી આપે છે: અશોક ગેહલોત

10 દિવસ પહેલા
અશોક ગેહલોતના ભારતીય જનતા પાર્ટી ઉપર શાબ્દિક પ્રહાર

વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તમામ રાજકીય પાર્ટીઓના મોટા ગજાનાં નેતાઓ હવે જાહેર સભાને સંબોધી રહ્યા છે. સુરતના કામરેજ વિધાનસભામાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સભાને સંબોધી હતી. ગુજરાતના શાસનમાં થતા ભ્રષ્ટાચાર અને લોકશાહીની બગડતી સ્થિતિને લઈને આકરા પ્રહાર કર્યા હતા.

માત્ર વાયદા નહીં પરંતુ ગેરંટી સાથે અમે આવ્યા છીએ
ભાજપની ચાલ ચરિત્ર લોકો સમજી ગયા છે. સરકાર માત્ર લોકોને લૂંટી રહી છે. ગુજરાતની સરકારે જેટલા પણ વાયદા કર્યા હતા તે પૂરી કરી શકતી નથી. હવે કોંગ્રેસ સરકાર વાયદા નથી કરતી પરંતુ ગેરંટી આપી રહી છે. રાહુલ ગાંધીજીએ આપી છે તે તમામ ગેરંટીઓ પૂર્ણ કરવામાં આવશે. કોંગ્રેસે જે વાતો કરી છે હવે તેને પૂર્ણ કરશે. માત્ર વાયદા નહીં પરંતુ ગેરંટી સાથે અમે આવ્યા છીએ. રાજસ્થાનમાં જે પ્રકારે જુની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે એવી જ રીતે ગુજરાતમાં પણ લાગુ કરાશે.

પેન્શન યોજના યોગ્ય રીતે અમલમાં લાવવી જોઈએ
અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, મેં કીધું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને કે દરેક વ્યક્તિને દસ લાખ રૂપિયા વળતર મળવું જોઈએ. અકસ્માત, મોતના કિસ્સાઓમાં 10 લાખ રૂપિયા મળવા જોઈએ. સોશિયલ સિક્યુરિટીનો મુદ્દો છે. વડાપ્રધાને એને સમગ્ર દેશમાં લાગુ કરવો જોઈએ. સરકારી નોકરી કરનારાની સાથે માનવીય રીતે વિચારવું જોઈએ અને તેમને આર્થિક સિક્યુરિટી મળે તેના માટે પેન્શન યોજના યોગ્ય રીતે અમલમાં લાવવી જોઈએ. નવી પેન્શન યોજનામાં શેરબજારના આધારે પેન્શન મળશે. આ ખરેખર અયોગ્ય છે.

ચોંકવનારા ચૂંટણી પરિણામ હશે
આ વખતે વિધાનસભા ચૂંટણીના પરિણામ જોવા જેવા હશે. લોકતંત્રમાં વિપક્ષ પણ હોય છે અને આલોચના પણ કરે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી આ બાબત ક્યારેય સહન કરી શકે તેમ નથી. અહીંયા તો કોઈપણ સરકારની આલોચના કરે તો તેમને જેલમાં ધકેલી દેવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સુરતમાં કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા તો તેમની સામે પાસ કરી દેવામાં આવી છે. આ પ્રકારના પગલાં લેવા એ યોગ્ય નથી. વડાપ્રધાન પોલીસ તંત્રને કહે છે કે, આ ચાર નિર્દોષ કોંગ્રેસના કાર્યકર્તાઓની સામે શા માટે પાસા લગાડવામાં આવ્યા છે. વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અમારા ધારાસભ્યો પર હુમલો કર્યો અને અહીંની સ્થિતિ જુઓ કેટલી ભયંકર છે કે, એમણે ભાજપે હુમલો કર્યો અને ગુનો અમારા ધારાસભ્યો પર નોંધાયો.

ઉમેદવારોને જીતાડવા અપીલ
સુરતના લોકોને હું અપીલ કરું છું કે, કોંગ્રેસના ઉમેદવારોને જીતાડજો જે પ્રકારે ઉમેદવાર લોકોની સેવા કરી રહ્યા છે. ખરેખર પ્રસંશનીય છે કે, કામરેજ વિધાનસભા બઠકના ઉમેદવાર હજી તો ધારાસભ્ય બન્યા નથી પરંતુ તે પહેલા જ તેઓ પોતે લોક સેવાની અંદર ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. એવી જ રીતે અમારા અન્ય ઉમેદવારો પણ કામ કરશે. સુરતની જનતા ખૂબ સારી રીતે કોંગ્રેસને સહકાર આપી રહી છે. કામરેજ વિધાનસભાના અને વરાછા વિધાનસબાના ઉમેદવાર જો ધારાસભ્ય થશે તો તેઓ તેમનું વેતન ન લઇને વિધવા બહેનોના પરિવારને આપી દેશે. સમાજ સેવાના હેતુથી જ્યારે તેઓ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમનું વેતન પણ આજ રીતે વિધવા બેનના પરિવારોને આપવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...