કામગીરીમાં નકરી વેઠ:માંડ 3 દિવસના ઝાપટાંમાં રોડ ધોવાયા રેતી-કપચી-મટિરિયલ છૂટા પડી ગયાં

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિપેરિંગમાં બેદરકારી હશે તો જવાબદાર કર્મી સામે કાર્યવાહી કરાશે : બંછાનિધિ પાની
  • પુણા, કાપોદ્રા, વરાછા, પાલનપોર, ઉધના સહિતના વિસ્તારોમાં કામગીરીમાં નકરી વેઠ

શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસાદે પાલિકાની ચાલતી રસ્તા રિપેરિંગ કામગીરીની પોલ ઉઘાડી પાડી છે. કેમ કે, શહેરના મુખ્ય આંતરિક રસ્તાઓ પર ટ્રેન્ચ રિપેરિંગ કામમાં ઉતારાયેલી વેઠ ને લીધે રસ્તાઓ પર રેતી, કપચીનું મટિરીયલ વેરવિખેર થઇ ગયું છે. કતારગામ દરવાજાથી વેડ જંકશન સુધી નો આખો રસ્તો ધોવાઇ ગયો છે, સેન્ટ્રલ ઝોન સહિત ના વિસ્તારોમાં રસ્તા પર યોગ્ય રીતે રિપેરિંગ નહીં થતાં ઉબડખાબડ બનેલા રસ્તાઓ ને લીધે વાહન ચાલકો માટે મુશ્કેલી ની સ્થિતિ નિર્માણ પામી છે.

અગાઉ પણ જ્યારે રસ્તાઓ જર્જરિત થઈ જતાં તાકીદે રિપેરિંગ કામગીરી ની સૂચના અપાઈ હતી અને રિપેરિંગ માં વેઠ ઉતારાશે તો જે તે જવાબદાર કર્મી સામે કાર્યવાહી કરાશે તેમ સંકલન બેઠકમાં કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું. ત્યારે રિપેરિંગ કામગીરીમાં ઉતારાયેલી વેઠ છેલ્લા ત્રણ દિવસના વરસાદી ઝાપટાં માંજ ઉજાગર થઈ ગઈ છે.

કતારગામ-સેન્ટ્રલ ઝોનમાં તો જૂના રોડને સારા કહેડાવે તેવી સ્થિતિ
કતારગામ દરવાજાથી લઈ ને છેક વેડ જંકશન, વેડ રોડ આસપાસના રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે તે સહિતના બાળાશ્રમ સામે રસ્તા, કંતારેશ્વર મંદિર આગળના રસ્તા રિપેરિંગમાં વેઠ ઉતારવામાં આવી છે. રસ્તાઓ પરના ખાડાઓ માંથી મટિરિયલ છૂટું પડી વેરવિખેર થઈ ગયું છે તો ખોદાયેલા ખાડા આડેધડ પૂરાણ કરી છોડી દેવાયા છે ત્યાં રસ્તા જ બન્યા નથી.

આવી જ સ્થિતિ સેન્ટ્રલ ઝોનમાં કોટ વિસ્તારમાં છે રેતી,કપચી છુટી પડી રસ્તાઓ પર વિખેરાઇ હોય વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાઈ રહી છે. આ સાથે પુણા, કાપોદ્રા, અમરોલી, મોટા વરાછા, ડભોલી, પાલનપોર, ઉધના, લિંબાયત વિસ્તારમાં પણ રસ્તા રિપેરિંગ માં નકરી વેઠ જ ઉતારવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી છે.

70 સ્થળે મરામત તો કરાઈ પણ વ્યર્થ
ગત શુક્રવારે 70 સ્પોટ રિપેરિંગ કરવા પાછળ 850 મે.ટન મટીરીયલ વાપરાયું અને જેટ પેચિંગ પદ્ધતિનો ઉપયોગ કરી જેટ પેચર મશીનથી કુલ 56 સ્પોટ પર 1005 ચો.મી. માપ વિસ્તારોમાં પેચવર્ક કરાયું છે. તમામ ઝોનમાં રિપેરિંગ કામગીરી ચાલુ રહેશે તેમ પાલિકાએ જણાવે છે.

સોલી બ્રિજ પર ફરી ખાડા પડવા લાગ્યા
સોલી બ્રિજ અગાઉ વરસાદમાં કેટલોક ભાગ બેસી ગયો હતો. રિપેરિંગ બાદ તાજેતરમાં બ્રિજને ખુલ્લો મુકાયો હતો. પરંતુ 3 દિવસથી વરસતાં વરસાદમાં જ ફરી બ્રિજ પર ગાબડાંઓ પડવા માંડ્યા છે બ્રિજ સેલ ખાતાને જાણ થતાં ગાબડાંઓ પુરવા ક્વાયત હાથ ધરાઈ છે.

2 હજાર ટનથી વધુ મટિરિયલ પાણીમાં વહી ગયું
પખવાડિયાથી રસ્તાઓ રિપેરિંગ પાછળ દૈનિક હોટમિક્ષમાં તૈયાર થયેલા ડામર અને કોલ્ડમિક્સ જેટપેચર મશીનથી 2 પાળીમાં પ્રતિદિન 250મે.ટન ઠંડા ડામરનો ઉપયોગ ઝોનમાં રસ્તા રિપેરિંગ પાછળ થઇ રહ્યો છે. અગાઉ તમામ ઝોનોના સર્વેમાં જર્જરિત થયેલા 2586 સ્પોટો હોવાનું બહાર આવ્યું હતું, આ સ્પોટોનું રીપેરીંગ થયાં છે અને માત્ર મોટા ટ્રાફિક સર્કલો પાસેના રસ્તા પર જ રિપેરિંગ બાકી છે. અત્યાર સુધીમાં રસ્તાઓ મરમ્મત પાછળ 2000મે.ટન મટિરીયલ વપરાયું છે પરંતુ રસ્તાઓ ટ્રેન્ચ રિપેરિંગમાંથી મટિરીયલ છૂટું પડી ગયું હોવાનું જણાય છે.

અન્ય સમાચારો પણ છે...