ઈચ્છાપોર જીઆઇડીસીમાં લોખંડના ભંગારની કંપનીમાં મેનેજરનું તેના સાથી કર્મીએ કારમાં અપહરણ કરી ગેરેજમાં લઈ જઈ માર માર્યો હતો. મેનેજર પાસેથી પૂર્વ કર્મીઓના હિસાબના 14 હજાર લેવાના થાય છે એમ કહી માથાકૂટ કરી હતી.
મેનેજરે શેઠને અપહરણની વાત કરી હતી. આથી શેઠે ઈચ્છાપોર પોલીસ સાથે છટકું ગોઠવી 5 અપહરણકર્તાઓને પકડી પાડી મેનેજરને મુક્ત કરાવ્યો હતો. ઈચ્છાપોર પોલીસમાં મેનેજર રામઅવધ યાદવે ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે સાથી કર્મચારી ઘનજય રામક્રિત પાસવાન(રહે,ઈચ્છાપોર), સૌરભ સમસેરસીંગ(રહે,સુખીનગર,પાંડે સરા), દેવેન્દ્ર પપ્પુ માલાકાર(રહે,રામેશ્વરનગર,પાંડેસરા), નરેશ ઉર્ફે સૌરભ ટીંલકુરામ સરોજ(રહે,જય અંબે નગર,પાંડેસરા) અને રોશન મહેશ ઠાકુર (રહે,સીતાનગર સોસા,પાંડેસરા)ની ધરપકડ કરી છે. જયારે આકાશ નામનો શખ્સ ભાગી ગયો છે. પોલીસે ત્યાંથી કાર અને બાઇક પણ કબજે કરી છે.
ઈચ્છાપોર જીઆઇડીસીની અભિષેક ઈસ્પાત પ્રા.લિ.માં સ્ક્રેપમાંથી લોખંડની ચીજવસ્તુઓ બનાવવાની કંપની છે. જેમાં સાતેક મહિના પહેલા ધનંજય પાસવાન, રાજેશ પાસવાન, મુકેશ પાસવાન, દિનેશ પાસવાન નોકરી કરતા હતા. જેમાંથી દિનેશ પાસવાને મોલ્ડીંગ સુપરવાઇઝરનું કામ આવડતું ન હતું. આથી તેને 15 દિવસમાં હિસાબ કરી છુટ્ટો કરી દેવામાં આવ્યો હતો. જયારે મુકેશ અને રાજેશને 4 મહિના પછી છુટ્ટા કરી દેવાયા હતા. કંપનીનો એક વર્ષનો કોન્ટ્રાક્ટ પુરો થતા 28મી તારીખે તમામ કારીગરોને છુટ્ટા કરી હિસાબ આપતા હતા.
જેમાં ધનંજય પાસવાને પણ શેઠે હિસાબ કરી ખાતામાં ઓનલાઇન રૂપિયા મોકલી આપ્યા હતા. મેનેજર હિસાબ પૂરો કરી કંપનીના ગેટ પાસે 28મી તારીખે રાત્રે ઊભા હતા. આ દરમિયાન ધનંજય પાસવાને આવી દિનેશ, મુકેશ અને રાજેશનો અગાઉ કામ કરી ગયા તેના હિસાબના 14 હજારની માંગણી કરી હતી. બાદમાં ન આપતા ગાડીમાં ઉંચકી જઈ ગેરેજમાં લઈ જઈ માર માર્યો હતો.
14 હજારને બદલે 62 હજાર લાવવા દબાણ કર્યું
મેનેજરે શેઠને કોલ કરતા કોઈ હિસાબ આપવાનો નીકળતો નથી એવુ કહ્યું હતું. આથી અકળાયેલા કર્મીઓએ મેનેજર પાસે 14 હજારની માંગણી કરી જબરજસ્તી તેને કારમાં બેસાડી પાંડેસરાની ગેરેજમાં લઈ ગયા હતા. જયા તેને માર મારી 14 હજારને બદલે 62 હજારની રકમ લાવવા દબાણ કર્યુ હતું. આરોપીઓએ રૂપિયા માટે મેનેજરને શેઠ સાથે વાત કરાવી હતી. જેમાં મેનેજરે અપહરણની વાત કરી હતી. આથી શેઠએ રૂપિયા આપવાની તૈયારી બતાવી પાંડેસરા તેરેનામ ચોકડી પાસે રૂપિયા લેવા બોલાવી છટકું ગોઠવી અપહરણકર્તાઓને દબોચી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.