• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Tops In Heart Donation In Gujarat, 36 Heart Donations Were Made In The Last 7 Years, Including The Heart Of A 14 month old Baby

હાર્ટ ડોનેટ સિટી સુરત:ગુજરાતમાં હૃદયનું દાન કરાવવામાં સુરત અવ્વલ, છેલ્લાં 7 વર્ષમાં 14 મહિનાના બાળકના હૃદય સહિત 36 હૃદયનાં દાન થયાં

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં સૌથી નાની ઉંમરના 14 મહિનાના બાળકનું હૃદયદાન સુરતમાંથી થયું હતું

હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગ્રત કરવા માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરને 'વિશ્વ હૃદય દિવસ' તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોને હૃદય સાથે સંકળાયેલી બીમારીઓ પ્રત્યે જાગ્રત કરવાનો છે. ગુજરાતમાં હૃદયદાન કરાવવામાં સુરત અવ્વલ છે. છેલ્લાં સાત વર્ષમાં સુરતમાંથી 36 જેટલાં હૃદયનાં દાન કરવામાં આવ્યાં છે, જ્યારે ગુજરાતભરમાં કુલ 47 હૃદયનાં દાન થયાં છે.

સુરતમાંથી દાન થયેલાં સૌથી વધુ 22 હૃદય મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ
પશ્ચિમ ભારતમાં સૌપ્રથમ વખત આંતરરાજ્ય હૃદયદાન કરાવવાનું શ્રેય ગુજરાત-સુરતને ફાળે જાય છે. ગુજરાતમાં સૌથી વધુ હૃદયનાં દાન કરાવવામાં સુરત શહેર મોખરે છે. ગુજરાતમાંથી અત્યારસુધી 47 હૃદયનાં દાન થયાં છે. સુરતમાંથી 36 હૃદય દાન કરાવવામાં આવ્યાં છે, જેમાંથી 22 હૃદય મુંબઈ, 7 હૃદય અમદાવાદ, 5 હૃદય ચેન્નઈ, 1 હૃદય ઇન્દોર અને 1 હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે. દેશમાં સૌથી નાની ઉંમરના 14 મહિનાના બાળકનું હૃદયદાન કરાવવાનું શ્રેય પણ સુરતને જાય છે.

યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં સુરતીઓના હૃદય ધબકી રહ્યા છે
સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હૃદયદાનમાં મહત્ત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલાં હૃદય દેશનાં જુદાં જુદાં શહેરો જેવાં કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર અને અમદાવાદ જેવાં શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે. તદુપરાંત હૃદયદાનમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલાં હૃદય યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પિટલથી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં હતાં.

કોરોનાકાળમાં પણ સુરતથી હૃદયનું દાન કરવામાં આવ્યું હતું.
કોરોનાકાળમાં પણ સુરતથી હૃદયનું દાન કરવામાં આવ્યું હતું.

છેલ્લાં 5 વર્ષમાં હૃદયની સમસ્યાઓથી પીડિત લોકોની સંખ્યામાં ઝડપી વધારો
આજના સમયમાં ઇનએક્ટિવ લાઇફસ્ટાઇલ અને ભોજનની ખરાબ આદતોને કારણે નાની ઉંમરથી લઇને વૃદ્ધો સુધી ઘણાબધા લોકો હૃદયરોગથી પીડાતા હોય છે. ભારતમાં છેલ્લાં 5 વર્ષમાં હૃદયની સમસ્યાઓથી પીડિત લોકોની સંખ્યામાં ઝડપી વધારો નોંધાયો છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવું જોઈએ, દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ વોકિંગ, સાઇકલિંગ કે યોગા કરવા જોઈએ, મીઠુ, ખાંડ અને ચરબીયુક્ત ખોરાક ઓછો ખાવો જોઈએ. ભોજનમાં ફળ અને સલાડનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ.

દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર અને અમદાવાદ જેવાં શહેરોમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં.
દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર અને અમદાવાદ જેવાં શહેરોમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં.

હૃદય નિષ્ફળતાના દર્દીઓ માટે ટ્રાન્સપ્લાન્ટ જ એક ઈલાજ
આપણા શરીરમાં હૃદય એક એવું અવયવ છે, જે ખરાબ થઇ ગયા પછી વ્યક્તિનું જીવન જોખમમાં મુકાય છે. કોઈ વ્યક્તિને હૃદયની બીમારીને કારણે તેના હૃદયનું પમ્પિંગ 10 કે 15 ટકા જેટલું થઇ જતા પાંચ ડગલા ચાલતાં તેનો શ્વાસ ફૂલવા માંડે છે, ખાવા-પીવામાં મર્યાદા આવે છે, પોતાનું જીવન પથારી પર જ વ્યતીત કરવું પડે છે. આવા હૃદય નિષ્ફળતાના દર્દીઓ માટે ટ્રાન્સપ્લાન્ટ જ એક ઈલાજ છે. આવા દર્દીઓને ત્યારે જ નવું જીવન મળે, જ્યારે કોઈ બ્રેનડેડ વ્યક્તિના હૃદયનું દાન કરાવવામાં આવે.