ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આજે જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન અલથાણ ખાતેના કાર્યક્રમમાં તેમણે પોલીસની બે મુહિમ પર મહત્ત્વનાં નિવેદન આપ્યાં હતાં. સુરત પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી અને હવે આ મોડલ ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવતી કાલથી તમામ સિનિયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે, લોકદરબારનું આયોજન કરશે અને તેમાં લોકોની સમસ્યા સાંભળી હલ કરશે. ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે. સરકારના પ્રથમ 100 દિવસની કામગીરીમાં વ્યાજખોરીમાંથી લોકોને મુક્તિ આપવાની કામગીરીને મહત્ત્વ સ્વરૂપે આગળ વધારી છે. તો આ સાથે હર્ષ સંઘવીએ ચાઈનીઝ દોરા વિશે નિવેદન આપતા જણાવ્યું હતું કે ઉત્તરાયણમાં પેચ ભાઈબંધીના હોવા જોઈએ કોઈનું ગળું કપાય તેવા શોખ ન હોવા જોઈએ.
ચાઈનીઝ દોરા સામેની પોલીસની મુહિમ વિશે મહત્ત્વનું નિવેદન
ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્તે તેમના શુભેચ્છકો દ્વારા શહેરમાં અનેકવિધ સામાજિક કાર્યક્રમો કર્યા હતા. આ કાર્યક્રમમાં હાજરી આપતા સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બે મહત્ત્વની મુહિમ પર તેમની પ્રતિક્રિયા આપી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અલથાણ ખાતે યોજાયેલા જન્મદિવસના સામાજિક કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં વ્યાજખોરો સામેની પોલીસની મુહિમ અને ઉત્તરાયણ પર્વને લઈ ચાઈનીઝ દોરા સામેની પોલીસની મુહિમ વિશે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.
સુરત પોલીસની કામગીરીને ગુજરાતમાં મુહિમ બનાવાઈ
સુરત પોલીસ કમિશનર દ્વારા છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના ત્રાસની ફરિયાદો મળતા તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને આવા વ્યાજખોરો સામે સામૂહિક પગલાં ભરવા સાથેની મુહિમ ઉપાડી હતી. સુરત પોલીસ કમિશનરના ધ્યાને આવ્યું હતું કે કેટલાક વ્યાજખોરો ગરીબ અને મજબૂર લોકોની આર્થિક મજબૂરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરે છે અને લોકોને પરેશાન કરે છે. કેટલાક કિસ્સાઓમાં લોકો આવા વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કરવા સુધીનું પગલું ભરી લે છે. આવી અનેક ફરિયાદો બાદ સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી હતી અને પોલીસની આ કામગીરીની પ્રસંશા થઇ હતી. સુરત પોલીસનું આ મોડલ હવે ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે અને હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકો પાસે જશે.
વ્યાજખોરો સામે ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાઈ છે મુહિમ
સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસ સામે મુહિમ શરૂ કરવામાં આવી છે .ત્યારે આ અંગે સુરતમાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વ્યાજખોરોના વધતા ત્રાસ સામે એક અઠવાડિયા પહેલાં ઉચ્ચ પોલીસ વિભાગના અધિકારી સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વ્યાજ વસૂલતા વ્યાજખોરોના ત્રાસમાંથી ગુજરાતની ગરીબ જનતાને છોડાવવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. અને આવા વ્યાજખોરો સામે કાયદેસરી કાર્યવાહી કરવા અંગેની વાત કરવામાં આવી હતી. જે અંતર્ગત ગત એક સપ્તાહથી વ્યાજ સામે ફસાયેલા લોકોને શોધી શોધીને ફરિયાદ કરવામાં આવી રહી છે અને વ્યાજખોરોને પકડવામાં આવી રહ્યા છે. આ એક મુહિમ સમગ્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યાજખોરના ત્રાસને સહન કરવામાં આવશે નહીં. તમામ સામે આકરામાં આકરાં કાયદેસર પગલાં ભરવામાં આવશે.
આવતીકાલથી એક સપ્તાહનો લોકદરબાર યોજાશે
આ મુહિમને આગળ વધારતા અને માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે આ મુહિમને આગળ વધારતા હવે આવતીકાલથી એક સપ્તાહ સુધી ગુજરાતભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકો પાસે જશે. લોકોની ફરિયાદ સાંભળી વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે. ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં લોકો વચ્ચે લોકદરબાર યોજશે. આ લોકદરબાર થકી વ્યાજખોરના ત્રાસથી મુક્ત થવા સમજાવશે. તેમને શોધીને તેમને હિંમત પૂરી પાડીને, વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સરકારના પ્રથમ 100 દિવસની કામગીરીમાં વ્યાજખોરનો મહત્ત્વનો મુદ્દો
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા એક સપ્તાહથી જે વ્યાજખોરો સામે એક મુહિમ ચાલુ કરવામાં આવી છે અને આ મુહિમમાં ગુજરાતના તમામ ક્ષેત્રમાં આ મુહિમ થકી ગુજરાતના અનેક પરિવારોને આ વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત થવાનો એક મોકો મળ્યો છે. જે લોકો નિયમ મુજબ વ્યાજનો ધંધો કરે છે તેઓની સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં પરંતુ જે ગરીબ અને સામાન્ય જનતાને હેરાન કરવાના ઇરાદે ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજ વસૂલતા હશે તેમને છોડવામાં આવશે નહીં. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી સાથે ગૃહ વિભાગની બેઠક યોજાઈ હતી ત્યારે તેમાં સરકારના પ્રથમ 100 દિવસની કામગીરીમાં આ એક મિશન સ્વરૂપે લેવાની નિર્ણય કર્યો હતો. જેને લઇ ગુજરાતમાં વ્યાજખોરોમાંથી મુક્તિ અપાવવાની કામગીરીને સરકાર મિશન સ્વરૂપે આગળ વધારી રહી છે.
ઉત્તરાયણમાં કોઈનું ગળું કપાય તેવા શોખ ન હોવો જોઈએ: હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બીજી એક ગુજરાત પોલીસની મહત્ત્વની મુહિમ વિશે પણ માહિતી આપી હતી. જેમાં હાલ ઉત્તરાયણ પર્વને લઈ ચાઈનીઝ દોરીના વેચાણ પર ગુજરાત પોલીસ કડક વલણ અપનાવીને ચલાવી રહી છે. તેની પર હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતના ઉત્તરાયણ પર્વમાં સૌ કોઈ લોકોએ ભાગ લેવો જોઈએ. સમગ્ર આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જવું જોઈએ. ઉત્સાહ ઉમંગના આ તહેવારમાં સૌ કોઈ એકબીજાને આનંદ આપવો જોઈએ. પરંતુ ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરીને કોઈનો જીવ જોખમમાં મુકાય તેવું ન કરવું જોઈએ. ઉત્તરાયણમાં પેચ ભાઈબંધીમાં હોવા જોઈએ. કોઈનું ગળું કપાય તેવા શોખ ન હોવો જોઈએ. જેથી ગુજરાત પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરનાર સામે મુહિમ ઉપાડી છે. છેલ્લા ત્રણ દિવસથી ચાઈનીઝ દોરી વેચનાર સામે પોલીસ કડક વલણ અપનાવી રહી છે. આવા લોકોને પકડીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે તમામ ગુજરાતનાં પ્રજાજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વમાં એવું કોઈ કામ ન કરો કે જેનાથી કોઈના પરિવારનો માળો વિખાઈ જાય. કોઈના ભાઈ કોઈના પિતા કે કોઈના ઘરના મોભીનું મૃત્યુ થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.