પોલીસ-વિદ્યાર્થી ઘર્ષણ:સુરતમાં ABVP નેતાઓ પોલીસ સામે લડી લેવાના મૂડમાં, હવે તો જાતિ વિષયક અપમાન કરવા મામલે પોલીસ સામે એટ્રોસિટી ફરિયાદની તૈયારીઓ

સુરત2 મહિનો પહેલા
  • વિદ્યાર્થી નેતાઓ કોઈ પણ ભોગે હુમલાખોર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાવવા માગે છે, પોલીસની ચિંતા વધી
  • ગૃહમંત્રી સુરતના, છતાં વિદ્યાર્થીઓ પર હાથ સાફ કરી પોતાની તાકાત દેખાડનારી પોલીસ હવે લાચાર દેખાય છે
  • પોલીસે નામ પૂછ્યા બાદ જાતિ વિષયક ગાળો આપીઃ ABVPના મંત્રી હિતેશ ગિલાતર

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણનો મામલામાં વધુ ગરમાવો આવી રહ્યો છે. યુનિવર્સિટીના કેમ્પસમાં ઉમરા પોલીસ અને એબીવીપીના કાર્યકર્તા વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ઉમરા પોલીસે ઈશાન અને હિમાલય ઝાલાની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી. તેમને છોડાવવા પહોંચેલા કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશનની બહાર પોલીસે માર માર્યો હતો. એટલું જ નહીં ડી સ્ટાફ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવેલા કાર્યકર્તાઓના નામ પૂછી પૂછીને તેમને જાતિ વિશે ગાળો આપતા તેમની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ થઇ શકે તેવી શક્યતા દેખાઈ વર્તાઈ રહી છે.

પોલીસના નિવેદનમાં જાતિવિષયક ગાળો આપવાનો પણ ઉલ્લેખ
સુરતના એબીવીપીના મંત્રી હિતેશ ગિલાતરને પોલીસે ઉમરા પોલીસ સ્ટેશનની બહાર માર માર્યો હતો. ત્યારબાદ તેને તેનું નામ પૂછવામાં આવ્યું હતું. નામ બોલતાની સાથે જ તેને જાતિ વિશે ગાળો આપવાનું ડી સ્ટાફના તેમજ અન્ય પોલીસ કર્મચારીઓએ શરૂ કર્યું હતું. આ વર્તનથી તે ખૂબ જ આઘાતમાં આવી ગયો હતો. પોતે વિશેષ વર્ગનો હોવાને કારણે પોલીસ દ્વારા અપન્માનિત કરાયા રહ્યો હતો. પોલીસે માર મારતા હિતેશ ગિલાતર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો. ત્યાં નિવેદન લેવા પહોંચેલી પોલીસ સમક્ષ તેણે માર મારવાની સાથે જાતિવિષયક ગાળો આપવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પોલીસ સ્ટેશનની અંદર જ ગાળો બોલવામાં આવી રહી હતી
એબીવીપીનાના મંત્રી હિતેશ ગિલાતરે જણાવ્યું કે હું પોતે વણકર સમાજમાંથી આવું છું અને મૂળ ભાવનગરનો છું. પોલીસે મને માર મારતા મારું નામ પૂછ્યું હતું. નામ બોલતાની સાથે જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે હું કયા સમાજ સાથે સંકળાયેલો છું ત્યારે તેમણે મને બેફામ રીતે જાતિ વિશે ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. મારી સાથે અન્ય કેટલાક કાર્યકર્તાઓએ પણ માર મારીને પોલીસ સ્ટેશનની અંદર જ ગાળો બોલવામાં આવી રહી હતી. પોલીસના આ પ્રકારના વતનથી અમે સૌ કોઈ ડઘાઈ ગયા હતા.

વિદ્યાર્થીઓમાં પોલીસ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
વિદ્યાર્થીઓમાં પોલીસ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

ભાજપની જ વિદ્યાર્થી પાંખ સાથે અશોભનીય વર્તન
રાજ્યના ગૃહપ્રધાન ભલે સુરત ના હોય પરંતુ પોલીસ તેને મનમાની કરી શકે તે સાખી લઈ શકાય તેમ નથી. પોતે હર્ષ સંઘવી પણ યુવા મોરચા સાથે ઘણા લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા છે. એબીવીપી અને યુવા મોરચા દ્વારા અનેક કાર્યક્રમો સાથે કર્યા છે. તેમના વિભાગ દ્વારા ભાજપની પાંખ એબીવીપીના કાર્યકર્તાઓને દોડાવી દોડાવીને માર મારતા ભાજપ પોતે પણ શરમજનક સ્થિતિમાં મૂકાઇ ગયું છે. વિદ્યાર્થી પાંખના કાર્યકર્તાઓ સાથે ઉમરા પોલીસ દ્વારા કરવામાં આવેલી અશોભનીય કામગીરીને કારણે ઉમરા પીઆઇ ઉપર રાજકીય ગાજ ગર્જી શકે છે. તેમજ ઉમરા પોલીસ સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરવાના મૂડમાં એબીવીપીના કાર્યકર્તાઓ જણાઈ રહ્યા છે.