આગની 4 ઘટના:ડુંભાલમાં પોલીસે જપ્ત કરેલા વાહનોમાં આગ, 20 જેટલા વાહનો બળી ખાક થયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાંદેરમાં ભંગારની દુકાનમાં તો બમરોલી રોડ પર લૂમ્સના ખાતામાં આગ

લિંબાયત પોલીસે અલગ અલગ ગુનામાં વાહનો જપ્ત કર્યા બાદ ડૂંભાલ નારાયણ નગર પાસે ખુલ્લા પ્લોટમાં રાખ્યા હતા. શુક્રવારે સવારે આ પ્લોટમાં આગ લાગતા 20 વાહનો બળી ખાક થઈ ગયા હતા. ફાયર બ્રિગ્રેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. કોઈકે કચરૂ સળગાવ્યું હોય તેના કારણે વાહનોમાં આગ લાગી હોવાની શક્યતા વ્યકત કરાઈ રહી છે.

આગના અન્ય બનાવમાં બમરોલી રોડ સોસીયો સર્કલ પાસે દેવચંદ્ર સોસાયટીમાં આવેલા એક લૂમ્સના કારખાનામાં શુક્રવારે વહેલી સવારે આગ લાગી હતી. આગની લપેટમાં લૂમ્સના 2 મશીન અને કાપડનો જથ્થો બળી ગયો હતો. ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ વધુ વકરે તે પહેલા આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

તેવી જ રીતે રાંદેર નવયુગ કોલેજ પાસે બોમ્બે કોલોનીમાં એક ભંગારની દુકાનમાં ઈલેક્ટ્રીક શોર્ટસર્કિટના કારણે શુક્રવારે સવારે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગણતરીની મીનીટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

નાનપુરામાં IVF સેન્ટરમાં શોર્ટસર્કિટથી આગ લાગી
નાનપુરા નાવડી ઓવારા પાસે શુક્રવારે સવારે બ્લોસમ આઈવીએફ સેન્ટરના ત્રીજા માળે ફોલ સિલીંગમાં અચાનક શોર્ટસર્કિટથી આગ લાગી હતી. ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા જ ફોલ સિંલીગમાં લાગેલી આગ પર કર્મચારીઓએ ફાયર એક્સ્ટિંગ્યુશરની મદદથી કાબુ મેળવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...