ફરિયાદ:કોરોનામાં ભાડું ન અપાતા મહિલાને ઢોર માર મરાયો

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાન માલિક અને દીકરા સામે ગુનો

કતારગામમાં કોરોનાના કારણે ભાડું ન આપી શકનાર મહિલાને વૃદ્ધા મકાન માલિક અને મકાન માલિકના દીકરાએ ઢોર માર માર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લિંબાયતમાં મગનનગર-2માં શાંતિનિવાસ એપાર્ટમેન્ટમાં રમેશ દેવાયત વરિયા પરિવાર સાથે રહે છે. રમેશભાઇના પરિવારમાં પત્ની લતાબેન ઉપરાંત બે દિકરા છે. રમેશ વરિયા છેલ્લા આઠ વર્ષથી સંબંધી શાંતાબેન નટુભાઈ દેવગાણિયા ફ્લેટમાં ભાડેથી રહે છે.

રમેશભાઇ પહેલાં કપડા સિલાઈનું કામ કરતા હતા. તે બંધ કરીને રત્ન કલાકાર તરીકે કામ કરવા લાગ્યા હતા. તેઓ સગવડ થાય એ મુજબ પાંચ-પાંચ મહિને ભાડું આપી દેતા હતા. પરંતુ કોરોનાના કારણે કામ બરાબર ચાલતુ ન હોવાથી નવ મહિનાથી ભાડુ આપ્યું ન હતું. છેલ્લે બે દિવસથી રમેશ તેમના વતન જમીન વેચવા માટે ગયા છે. લતાબેન ઘરે એકલા હતા.ત્યારે મકાન માલિક શાંતાબેનનો ફોન આવ્યો હતો.

શાંતાબેને ફોન પર કહ્યું કે,‘તારો પતિ પૈસા લાવે તો જ ઘરમાં ઘુસવા દેજે અને મરવું હોય તો મરી જ જે’ . સાંજે શાંતાબેન અને તેમનો દિકરો ધર્મેશ દેવગાણિયા ઘરે આવીને શાંતાબેનને ભાડાના પૈસા કોણ આપશે કહીને મારી નાખવાની ધમકી આપીને ઢીક મુક્કીનો માર માર્યો હતો. ધક્કો મારતા લતાબેનને માથામાં ઇજા થઈ હતી. માથામાંથી લોહી નીકળવા લાગતા તેઓ સંબંધીના ઘરે ગયા હતા. ત્યાર બાદ લતાબેને આરોપી 63 વર્ષીય શાંતાબેન અને તેમના દિકરા ધર્મેશ વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...