જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓના ભાવવધારાની સાથે ફરી એકવાર CNGના ભાવમાં રૂ. 2.58નો વધારો કરાયો છે. છેલ્લાં દોઢ વર્ષમાં ભાવમાં 30 રૂપિયાથી વધારે ભાવ વધ્યા છે. એક અઠવાડિયા પહેલા જ CNGના ભાવમાં 6.45 રૂપિયા વધારો કરાયો હતો. જેતી રીક્ષા ચાલકોએ સ્ટેશન પર સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યાં અઠવાડિયામાં બીજી વખત ફરી ગુજરાત ગેસે ભાવમાં 2.58 રૂપિયા વધારો કર્યો છે.
શહેરમાં કુલ 33 લાખ વાહનો છે. જેમાંથી અંદાજે 2 લાખ CNG કાર અને 1.10 લાખ CNG રીક્ષા છે. સુરતમાં 30 પંપ અને 50 પેટ્રોલ પંપ સાથે એટેચ CNG પંપ છે. એક અંદાજ પ્રમાણે 80 CNG પંપ પર રોજ 3 લાખ કિલો જેટલા CNGનું વેચાણ થાય છે. CNGમાં 6.45 રૂપિયાના વધારાથી શહેરના 3.10 લાખ CNG વાહનચાલકો પર રોજનો 8 લાખથી વધારેનો બોજ વધશે.
CNGના ભાવ વધારા બાદ હાલ તો સુરતના રિક્ષાચાલકો દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી. આવનારા સમયમાં રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો કરવામાં આવે તેવી શકયતા જોવાઈ રહી છે.
રિક્ષાચાલકો શું કહે છે: સરકારને રજૂઆત કરી છે, સામાન્ય માણસ પર જ બોજો પડશે
રિક્ષા એસોસિએશન સાથે સંકળાયેલા રિક્ષા ચાલકે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે,‘CNGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, આ બાબતે અમે સરકારને પણ રજૂઆત કરી છે. તેમ છતાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. રિક્ષામાં સામાન્ય માણસો સવારી કરતા હોય છે. CNGના ભાવ વધારાથી રિક્ષા ચાલકોએ ભાવ વધારો કરવો પડશે. જેના કારણે સામાન્ય માણસો પર બોજો વધશે.’
ગેસ આયાત થતો હોવાથી ભાવ વધારાયા છે
આ અંગે ગુજરાત ગેસ કંપનીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘સુરતમાં 80 જેટલા સીએનજી પંપ છે. તમામ પંપ મળીને રોજ ત્રણ લાખ કિલો સીએનજી ગેસનું વેચાણ થાય છે. ગેસ આયાત કરવો પડતો હોવાથી તેના ભાવમાં વધારો કરવો પડી રહ્યો છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.