સિવિલના સ્ટેમસેલ બિલ્ડીંગમાં ચાલતી કોવિડ હોસ્પિટલમાં દાખલ એક માત્ર દર્દીને ગુરૂવારે રજા આપી દીધી છે. તંત્રે આ કોવિડ હોસ્પિટલ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે કોવિડના દર્દીઓ માટે જૂની બિલ્ડીંગના સ્પેશિયલ રૂમમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરાશે. આ સાથે સ્ટેમસેલ બિલ્ડીંગ ચુંટણીમાં ફરજ બજાવવા આવેલી સિક્યુરીટી ફોર્સને રહેવાની સુવિધા અશે.
શહેરમાં હાલમાં કોરોના કેસની સંખ્યા એકલ દોકલ નોંધાઈ રહી છે. તેમાં પણ દાખલ દર્દીઓની સંખ્યા નહીવત છે. સિવિલની સ્ટેમસેલ બિલ્ડીંગમાં ચાલતી કોવિડ હોસ્પિટલમાં ગુરૂવાર સુધી માત્ર એક દર્દી દાખલ હતો. જેને ગુરૂવારે રજા આપી દેવાતા હાલ સ્ટેમસેલ બિલ્ડીંગમાં એક પણ દર્દી દાખલ નથી. તેવા સંજોગોમાં સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગ સહિતના વિભાગોના વડા સાથે થયેલી બેઠક બાદ સ્ટેમસેલ બિલ્ડીંગમાં ચાલતી કોવિડ હોસ્પિટલ બંધ કરી તેની જગ્યાએ જુના બિલ્ડીંગમાં આગળના ભાગમાં આવેલા સ્પેશિયલ રૂમમાં કોવિડના દર્દીઓ માટે આઈસોલેશન વોર્ડ શરૂ કરવાનુ નક્કી કરાયું છે.
એક બે દિવસમાં સ્પેશિયલ રૂમમાં કોવિડ દર્દીઓની જરૂરીયાત મુજબની વ્યવસ્થા પુર્ણ થયા બાદ સ્ટેમસેલ બિલ્ડીંગની કોવિડ હોસ્પિટલ બંધ કરી દેવામાં આવશે. સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું કે સ્પેશિયલ રૂમમાં કોવિડના દર્દીઓ માટેની વ્યવસ્થા થઈ રહી છે જે પુર્ણ થતા સ્ટેમસેલ બિલ્ડીંગમાં કોવિડ હોસ્પિટલ બંધ કરવામાં આવશે તેમજ સ્ટેમસેલ બિલ્ડીંગ હાલમાં ઈલેક્શન ડ્યુટી સીઆરપીએફ સહિતની સિક્યુરીટી એજન્સીના સ્ટાફને રહેવા માટે ફાળવવાનો નિર્ણય લેવાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.