હત્યા:‌સિટીલાઇટમાં ‘તારી પત્નીને છોકરા થશે નહીં’ કહેનારને પતિએ રહેંસી નાંખ્યો

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજસ્થાન પોલીસે કેસ સુરત પોલીસને ટ્રાન્સફર કર્યો

સિટીલાઇટ વિસ્તારમાં ‘તારી પત્નીને કોઈ છોકરા થશે નહીં’ એવું મજાકમાં બોલવા જતા પતિએ આક્રોશમાં આવી યુવકને માથામાં લોખંડનો પાઇપ મારી દેતા ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં યુવકને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. ત્યારબાદ તેના વતન રાજસ્થાનમાં સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ત્યાં પણ તબિયતમાં સુધારો ન આવતા વધુ સારવાર માટે યુવકને રાજસ્થાનના બાંસવાડા લઈ જવાયો હતો. ત્યા પણ તબિયતમાં સુધારો ન થતાં યુવકને ઉદયપુર ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.

મરણ જનાર અરવિંદ હાડાનાભાઈ ઘનપાલ હાડાએ રાજસ્થાનના સજ્જનગઢ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ઝીરો નંબરથી હત્યાનો ગુનો નોંધ્યો હતો. હત્યાનો આ બનાવ સુરત પોલીસની હદમાં સિટીલાઇટ વિસ્તારમાં અશોક પાન સેન્ટર પાસે બન્યો હોવાથી મામલો સુરત પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

હાલમાં ઉમરા પોલીસ દ્વારા આરોપી ધર્મેશ શાવજી હુવોર ભીલ (રહે, અશોક પાન સેન્ટરની સામે, સિટીલાઇટ, મૂળ. રાજસ્થાન)ની સામે હત્યાનો ગુનો નોંધી તેને પકડવા માટે એક ટીમ રાજસ્થાન રવાના કરવામાં આવી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે, 31મી ઓકટોબરે મોડી સાંજે અરવિંદ હાડાએ મજાક મસ્તીમાં ધર્મેશ ભીલને કહ્યું કે, તારી પત્નીને કોઈ છોકરા થશે નહીં’ બસ આ વાતને લઈ તેને માઠું લાગી આવતા તે અરવિંદને માથામાં પાઇપ મારી ત્યાંથી ભાગી ગયો હતો. હત્યારો અને મરણજનાર બન્ને રાજસ્થાનના બાજુના ગામના રહેવાસી છે અને તેઓ સાથે જ મજૂરીકામ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...