તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Nurse In Charge Of Covid 19 Hospital In Surat For 8 9 Hours Continuously For 365 Days, Has Not Even Come Close To Corona Yet

કોરોના વોરિયર:સુરતમાં 365 દિવસથી સતત 8-9 કલાક કોવિડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવતી ઇન્ચાર્જ નર્સ, હજી સુધી કોરોના નજીક પણ નથી આવ્યો

સુરત5 મહિનો પહેલા
કોવિડ-19 હોસ્પિટલમાં અરુણાબેને ઇન્ચાર્જ પરિચારિકા તરીકેની ફરજ બજાવીને ફ્લોરેન્સ નાઇન્ટિંગલની વ્યાખ્યાને સાકાર કરી.
  • જે દર્દીઓની સેવા કરશે તેનો ખ્યાલ ભગવાન રાખશેઃ નર્સ

365 દિવસથી સતત 8-9 કલાક કોવિડ-19 હોસ્પિટલમાં ઇન્ચાર્જ પરિચારિકા તરીકેની ફરજ બજાવીને ફ્લોરેન્સ નાઇન્ટિંગલની વ્યાખ્યાને સાકાર કરી અરુણાબેન પટેલ એક ઉદાહરણ બની ગયાં છે. ડર કે આગે જીત હે, ઘણી ગંભીર બીમારીઓ સામે કામ કર્યું, પણ કોરોનાની મહામારીએ મોતનો ડર જ દૂર કરી નાખ્યો. અરુણાબેને દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે રોજના સંખ્યાબંધ કોરોના પોઝિટિવ દર્દીઓ વચ્ચે કામ કરીને એક વાત તો સાબિત થઈ ગઈ જે દર્દીઓની સેવા કરશે તેનો ખ્યાલ ભગવાન રાખશે. આજે એમ કહી શકું કે 365 દિવસમાં 2880 કલાકથી વધુ સમય પોઝિટિવ દર્દીઓ વચ્ચે આપ્યા બાદ પણ કોરોના સંક્રમણ નથી થયું એ તો સેવાનું એક ફળ જ કહી શકાય છે.

એકનો એક દીકરો અને પતિ પ્રોત્સાહન આપે છે
અરુણાબેન રાકેશભાઈ પટેલ (ઉં.વ. 50, રહે. નવાગામ ડિંડોલી, નંદનવન ટાઉનશિપ)એ જણાવ્યું હતું કે 1994માં ભરતી થયા ને આજે લગભગ 27 વર્ષની નોકરીમાં આટલી ભયાનક મહામારી પહેલીવાર જોઈ છે. છેલ્લા 13 મહિનાથી સતત કોવિડ-19માં ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફ તરીકેની જવાબદારી નિભાવી રહી છું. ડર એટલા માટે નથી લાગતો કે પરિવારમાં એકનો એક દીકરો અને પતિ ખૂબ જ પ્રોત્સાહન આપે છે. લગભગ રોજ રાત્રે દિવસભરની ચર્ચા કરી મન હલકું કરી દઉં છું. જરૂર પડે તો પરિવારની સલાહસૂચન પણ લઈ બીજા દિવસે હોસ્પિટલમાં PPE કિટ પહેરી કામે લાગી જાઉં છું.

સાથી કર્મચારીઓ સાથે કોરોના સામે લડી રહ્યાં છે.
સાથી કર્મચારીઓ સાથે કોરોના સામે લડી રહ્યાં છે.

શરૂઆતના દિવસો ખૂબ જ અઘરા લાગતા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોવિડ-19માં જવાબદારીના શરૂઆતના દિવસો ખૂબ જ અઘરા લાગતા હતા. જોકે મનથી મક્કમ બની કામગીરી કરવાની આદતે બધું જ સરળ બનાવી દીધું હોય એમ કહી શકાય છે. સ્ટાફ નર્સની માગ એટલે કે કયા દર્દીને શું આપવાનું અને કેટલું આપવાનું, ડોક્ટરોની માગ અને સફાઈ કર્મચારીઓ પાસે કઈ રીતે કામ લેવું એ જ મહામારીના સમયમાં મહત્ત્વનું હોય છે. મેડિકલ સ્ટોરમાંથી જરૂરિયાત પ્રમાણે દવા, સાધનો, માસ્ક, PPE કિટ સહિતની સામગ્રીઓ લાવી વહેંચણી કરવી કે જરૂરિયાત પ્રમાણે આપવાની જવાબદારી મારા પર છે.

PPE કિટ પહેરીને જ તમામ કામગીરી કરવામાં આવે છે.
PPE કિટ પહેરીને જ તમામ કામગીરી કરવામાં આવે છે.

પરિવારના સાથ-સહકાર વગર કામ કરવું અશક્ય
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્વાઈન ફ્લૂ હોય કે લેપ્ટો જેવી ગંભીર બીમારીમાં પણ કામ કર્યું છે પણ કોરોનાની મહામારીમાં લોકોને ટપોટપ મરતા જોઈ એકવાર તો હૃદય ધ્રૂજી જ જાય છે. આવા સમયમાં માનસિક તણાવમાંથી બહાર આવીને અને હિંમત ભેગી કરી બીજા દર્દીઓ વિશે વિચારીએ છીએ અને ફરી કામે લાગી જઈએ છે. ભલે ઘરે મોડા પહોંચીએ પણ પરિવારને સમય ચોક્કસ આપીએ છીએ અને એવા સમયમાં પતિના હાથે બનેલી ખીચડી પણ સ્વાદિષ્ટ લાગે છે. ત્યાર બાદ ફરી દિનચર્યા કરી બેડ પર પડતાંની સાથે જ સવાર પડી જાય છે. પરિવારના સાથ-સહકાર વગર મહામારી સામે કામ કરવું અશક્ય છે, એટલે હું હંમેશા મારા પરિવારની આભારી રહીશ કે જેઓ મને સમયસર હિંમત અને પ્રોત્સાહન આપતા રહ્યા છે, એટલે જ આજે 13 મહિનાથી કોવિડ-19 હોસ્પિટલમાં કામ કરવા સક્ષમ બની છું.

કોરોનાની મહામારીમાં લોકોને ટપોટપ મરતા જોઈ એકવાર તો હૃદય ધ્રૂજી જ જાય છે.
કોરોનાની મહામારીમાં લોકોને ટપોટપ મરતા જોઈ એકવાર તો હૃદય ધ્રૂજી જ જાય છે.