છેડતી:ભેસ્તાનમાં ફિલ્મી ઢબે યુવતીની જાહેરમાં છેડતી,બૂમો પાડતા લોકોએ યુવકને પકડ્યો

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
...ને બીજી તરફ પોલીસે મહિલાની સુરક્ષા માટે બાઈક રેલી કાઢી - Divya Bhaskar
...ને બીજી તરફ પોલીસે મહિલાની સુરક્ષા માટે બાઈક રેલી કાઢી
  • એક જ દિવસમાં છેડતીના 2 બનાવ : પાંડેસરાના યુવકે પીછો કર્યાની શંકા
  • સચીનની કંપનીમાં નોકરી કરી યુવતી મોપેડ પર પરત ઘરે જઈ રહી હતી

શહેરમાં કાયદો અને વ્યવસ્થા રોજેરોજ કથળતી જાય છે. ત્યારે યુવતી-મહિલાઓની છેડતીના બનાવો પણ વધી રહ્યા છે. મંગળવારે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેસ્તાન પાસેથી મોપેડ પર પસાર થતી યુવતીને બદમાશે જાહેરમાં ફિલ્મી ઢબે હાથ પકડીને અડપલાં કરીને છેડતી કરી હતી.

પાંડેસરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રની વતની 24 વર્ષિય દિપાલી(નામ બદલ્યું છે) હાલમાં ભેસ્તાન વિસ્તારમાં તેની બહેનપણી સાથે રહે છે. દિપાલી સચીન વિસ્તારમાં એક કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે.

મંગળવારે સાંજે દિપાલી નોકરી પુરી કરીને મોપેડ પર ઘરે આવતી હતી. ભેસ્તાન ચાર રસ્તા પાસે પહોંચી ત્યારે બાઇક પર એક અજાણ્યો આવ્યો હતો. તેણે દિપાલીને આંતરીને તેનો હાથ પકડ્યો હતો. દિપાલી કંઈ સમજી શકી ન હતી. ત્યાર બાદ તેણે દિપાલીના શરીરે હાથ ફેરવતા તે ડઘાઈ ગઈ હતી.

તેણીએ બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તેઓએ અજાણ્યા બદમાશને પકડી લીધો હતો. પકડાયેલા ટપોરીનું નામ પીડા શામુ મલિક(રહે.પોલીસ કોલોની પાસે, પાંડેસરા) છે. દિપાલીએ અજાણ્યા આરોપી વિરુદ્ધ પાંડેસરા પોલીસમાં છેડતીની ફરિયાદ આપતા ગુનો દાખલ કર્યો છે.

શહેરમાં મહિલાઓની છેડતી અને બળાત્કારના બનાવો વધી રહ્યા છે ત્યારે મહિલાઓની સુરક્ષા માટે મોડીફાઈ કરેલી બાઈકની રેલી અઠવાલાઇન્સ પોલીસ હેડ કવાર્ટરથી નીકળી હતી. આ પ્રસંગે શહેરના મેયર, ધારાસભ્યો અને શહેર પોલીસ કમિશનરે રેલીને પ્રસ્થાન કરાવતા વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

લિંબાયતમાં ભાઈને બચાવવા ગયેલી બહેનની છેડતી
સુરત : લિંબાયતના ખાનપુરામાં સામાન્ય ઝઘડામાં આરોપીઓએ પરિણીતાના શરીરે અડપલાં કરતા ફરિયાદ નોંધાવી છે. લિંબાયતમાં રહેતી 27 વર્ષિય આશિયા શેખ( નામ બદલ્યું છે)ને પરિવારમાં માતા અને બે ભાઈ છે. તેનો પતિ હાલ અન્ય રાજ્યમાં કામ કરવા ગયો છે. તેના ભાઈઓ બાઇક પર આવતા હતા ત્યારે રસ્તામાં આરોપી સોહેલ ઉર્ફે ગુડ્ડુ રસ્તામાં ખુરશી નાખી બેઠો હતો.

આશિયાના ભાઈએ તેને ખુરશી ખસેડવા કહેતા સોહેલે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ સોહેલ તેના સાગરિત સલીમ નેપાલી અને અન્ય એક સાથે આશિયાના ઘરે આવી તેના ભાઈને મારવા લાગ્યા હતા. ભાઈને બચાવવા વચ્ચે પડેલી આશિયાના શરીરે ત્રણેયે હાથ ફેરવી છેડતી કરતા સોહેલ, સલીમ નેપાલી અને અન્ય એક વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...