શહેરમાં આપઘાતના 5 બનાવ બન્યા છે. જેમાં મંછરપુરામાં ખાતાકીય તપાસનો સામનો કરી રહેલા એસટી બસ કંડકટરે ફાંસો ખાઈ લીધો હતો. અન્ય બનાવોમાં અમરોલીમાં પ્રેમીકાએ અન્ય સાથે લગ્ન કરી લેતા યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. માનસિક બીમારીથી કંટાળીને કતારગામના વૃદ્ધે ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હતું. જ્યારે ઉગતમાં કિશોરીએ ફાંસો ખાઈ અને રાંદેર બોટનીકલ ગાર્ડનમાં જહાંગીરપુરાના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
પાટણના વતની અને મંછરપુરા ખરાદી શેરી ગોતાવાલા ફ્લેટ્સમાં રહેતા હિરેનકુમાર સુરેશભાઇ પ્રજાપતિ(29) સોનગઢ બસ ડેપોમાં કંડકટર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા હતા. તેમનો પરિવાર વતનમાં રહેતો હતો જ્યારે તેઓ અન્ય સાથી કર્મચારીઓ સાથે મંછરપુરામાં રહેતા હતા. તેમને પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હિરેનકુમાર સામે ખાતાકીય તપાસ ચાલી રહી હતી. જેના કારણે તેઓ માનસિક તણાવમાં રહેતા હતા. આ કારણસર તેમને આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. પોલીસ અગાઉની તપાસ હાથ ધરી રહી છે.
અમરોલી : યુવકે આંબાના ઝાડની ડાળી સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો
10 દિવસ પહેલાં જ અમરોલી છાપરાભાઠામાં લેબર કોલોનીમાં કામકાજ માટે આવેલા 25 વર્ષીય નરેશ શાહુએ બુધવારે છાપરાભાંઠા સુમન સાધના આવાસની બાજુમાં આંબાના ઝાડની ડાળી સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. પ્રેમિકાએ અન્ય સાથે લગ્ન કરતા નરેશે પગલું ભર્યાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
ઉગત : 17 વર્ષીય કિશોરીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું , કારણ અંકબધ
ઉગત એસએમસી આવાસમાં રહેતી 17 વર્ષીય રોશની લાલચંદ કરંગેના પિતા 2 વર્ષથી બીમારીના કારણે પથારીવશ હતા. રોશની પિતાની સતત સેવા કરતી હતી. 24મેના રોજ રોશનીએ ફાંસો ખાધો હતો.જેથી પરિવારનેે હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં બુધવારે તેનું મોત થયું હતું. જો કેસ કારણ અંકબધ છે.
કતારગામ : માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધે ઝેરી દવા પી આપઘાત કરી લીધો
કતારગામમાં રહેતા 65 વર્ષીય પાલજીભાઈ ભીંગરાડિયા 3 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. તેમણે બુધવારે સવારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ પરિવારને થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું.
જહાંગીરપુરા : બોટનિકલ ગાર્ડનમાં ઝેરી દવા પીને 39 વર્ષીય યુવકનો આપઘાત
જહાંગીરપુરામાં રહેતા 39 વર્ષીય રાજેશ દિલાણી ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને બુધવારે સાંજે બોટનિકલ ગાર્ડનમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજયું હતું. આપઘાતનું કારણ જાણી શકાયું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.