ટેરેસ પર આગ:સુરતના ગોપીપુરામાં ચાર માળના એપાર્ટમેન્ટની ટેરેસ ઉપર મોબાઇલ ટાવરમાં આગ, રહેવાસીઓના જીવ અધ્ધર થયા

સુરતએક મહિનો પહેલા
આગને પગલે ફાયરબ્રિગડ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. - Divya Bhaskar
આગને પગલે ફાયરબ્રિગડ ઘટના સ્થળે દોડી આવ્યું હતું.
  • ચાર વર્ષથી બંધ હાલતમાં રહેલા મોબાઈલ ટાવરમાં આગ લાગી

સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા એનિમેશન એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર મૂકવામાં આવેલા મોબાઇલ ટાવરમાં આગ લાગી હતી. ચાર વર્ષથી બંધ ટાવરમાં એકાએક જ આગ લાગતા ધુમાડો નીકળવાનો શરૂ થઈ ગયો હતો. જોતજોતામાં આખેઆખો ટાવર આગની જ્વાળામાં લપેટાઈ ગયો હતો.આ વિસ્તારમાંથી પસાર થતા લોકોની અચાનક જ નજર બિલ્ડીંગ ઉપરથી નીકળતા ધુમાડા પર જતા અફરાતફરી થઈ ગઈ હતી. એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર આગ લાગતાં રહીશોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

આગ લાગતા એપાર્ટમેન્ટના રહેવાસી નીચે દોડી આવ્યા હતા.
આગ લાગતા એપાર્ટમેન્ટના રહેવાસી નીચે દોડી આવ્યા હતા.

ફાયરબ્રિગેડ દોડી આવ્યું
શહેરમાં સામાન્ય રીત ટાવર ટેરેસ ઉપર લગાવેલા જોવા મળે છે. સોની ફળિયામાં આવેલા મોદી સ્ટોર પાસેના એનીબેસન્ટ એપાર્ટમેન્ટના ચોથા માળની ટેરેસ પર રહેલા મોબાઈલ ટાવરમાં એકાએક આગ લાગતાં ફાયર વિભાગ પણ દોડતું થયું હતું. આગ એટલી ભયંકર દેખાતી હતી કે, રહીશો પણ નીચે ઉતરી આવ્યા હતા. તેમજ રાહદારીઓ પણ ઊભા રહી ગયા હતા. આગની જ્વાળા એ રીતે દેખાતી હતી કે, તેના કારણે નીચેના માળને પણ આગ લપેટમાં લઈ લેશે, તેવો ડર લાગતો હતો. આખો મોબાઈલ ટાવર ગણતરીની મિનિટોમાં જાણે બળીને ખાક થઈ ગયો હતો.

ટાવરમાં આગ લાગતા આસપાસ ભયનો માહોલ સર્જાયો હતો.
ટાવરમાં આગ લાગતા આસપાસ ભયનો માહોલ સર્જાયો હતો.

કોઈ ઈજા જાનહાનિ નહીં
એપાર્ટમેન્ટના પ્રમુખ જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ચાર વર્ષથી ટાવર બંધ હતો. આગ લાગતાં ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ નવસારી ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબૂ મેળવાઈ ગયો હતો. પરંતુ આ ખૂબ જ ભયંકર દેખાતી હતી. તેના કારણે રહીશોમાં ચિંતા જોવા મળી હતી. આગ કયા કારણસર લાગી છે તે અંગે કોઈ માહિતી મળી નથી પરંતુ મોબાઇલ ટાવરમાં લાગેલી આગથી એપાર્ટમેન્ટના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નથી.