નશા મુક્તિ:5 વર્ષમાં 5366 લોકોએ ડ્રગ્સ છોડાવાની સારવાર લીધી, જેમાંથી 60 ટકા યુવાનો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં જ સુરતમાં બે ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરવામાં આવી, જેમની પાસેથી 1.35 કરોડનું ડ્રગ્સ પણ કબ્જે લેવામાં આવ્યું. મુંબઇના ગ્લેમરસ વર્લ્ડની જેમ સુરતમાં પણ ડ્રગ્સનું દુષણ ધીરે ધીરે વધ્યું રહ્યું છે, તેવું શહેરના 4 નશા મુક્તિ કેન્દ્રમાં ડ્રગ્સ છોડાવવા માટે આવી રહેલા યુવાઓના આંકડા પરથી કહી શકાય. છેલ્લા 5 વર્ષમાં 5366 લોકોએ ડ્રગ્સ છોડાવવાની સારવાર લીધી છે, જેમાંથી ચોંકાવનારી માહિતી એ છે કે તેમાંથી 60 ટકા 18 થી 30 વર્ષ સુધીના યુવાઓ છે. ડ્રગ્સના સંકંજામાં સૌથી વધારે 17 થી 30 વર્ષની યુવતિઓ આવી રહી હોવાનું આંકડાઓ કહે છે. ત્રણ વર્ષ પહેલા છોકરીઓ ડ્રગ્સની આદત છોડાવવા માટે આવતી ન હતી. પરંતુ છેલ્લાં ત્રણ વર્ષમાં 77 છોકરીઓ ડ્રગ્સ છોડાવવા માટે આવી છે. પરિવર્તન નશામુક્તિ કેન્દ્રના પ્રોજેક્ટ મેનેજર સુરેશ પટેલ કહે છે કે ‘જાણીને આશ્ચર્ય થયું કે હવે તો છોકરીઓ પણ વધુ પ્રમાણમાં નશો છોડાવવા આવી રહી છે. ’

છેલ્લા 3 વર્ષમાં 77 છોકરીઓ ડ્રગ્સ મુક્ત બની
કંઈ જગ્યાએ ડ્રગ્સની લત છોડાવવા આવ્યાલોકો આવ્યાછોકરીઓ
સ્મિમેર હોસ્પિટલ સાઈકિઆટ્રીક વિભાગ100010
સિવિલ હોસ્પિટલ ડ્રગ્સ ડિએડિક્શન કેન્દ્ર35030
પરિવર્તન નશા મુક્તિ કેન્દ્ર386635
ટર્નિંગ પોઈન્ટ નશા મુક્તિ કેન્દ્ર1502
કુલ536677
(નોંધ : છોકરીઓના આંકડા છેલ્લા ત્રણ વર્ષના છે એ પહેલા છોકરીઓ આવતી ન હતી)

ધો. 8માં એક સિગારેટ પીધી પછી મેં દરેક પ્રકારનો નશો કર્યો અને મારી જીંદગી નરક બની ગઈ
ડ્રગ્સનો ભોગ બનેલી 17 વર્ષની તરુણીનો લેટર

વર્ષ 2003માં મારો જન્મ થયો છે. નાનપણથી હું ભણવામાં તેજસ્વી વિદ્યાર્થી હતી. મારા મમ્મી પપ્પાની ખૂબ જ લાકડી છું. પહેલેથી મને નવી નવી વસ્તુઓ ટ્રાય કરવી બહું ગમતી હતી. હું ભણવામાં બ્રાઈટ તો હતી જ સાથે સાથે મને બહારના ફ્રેન્ડ્સ સાથે મોજ મસ્તી કરવી પણ બહું ગમતી હતી. ખાસ તો નવું નવું કરવાની, કંઈક બધાથી અલગ કરવાની ઈચ્છાએ મને આજે આ રસ્તા પર લાવીને મૂકી દીધી. મારી પહેલી સિગરેટ મેં 8માં ધોરણમાં હતી ત્યારે ટ્રાય કરી હતી. ત્યારે તો ખાલી શોખ માટે અને લોકોની દેખા-દેખીમાં પરંતુ ક્યારે હું એ વસ્તુની એડિક્ટ થઈ ગઈ એ મને ખબર જ ન પડી. એક સમય તો એવો આવ્યો કે, તેના વગર મને ચાલતું જ નહીં. ચરસ, ગાંજો, ક્રિસ્ટલ, દારૂ મારી જિંદગી બની ગઈ અને મારી જિંદગી નર્કના દરવાજે આવીને ક્યારે ઉભી રહી ગઈ એ મને ખબર જ ન પડી. મારું ધ્યાન, મારા સપનાઓ, ભણવા પરથી નશા પર આવી ગયું. આખો દિવસ મમ્મી-પપ્પા સાથે ઝગડો કરું, વાત વાતમાં ખોટું બોલું, પૈસાની ચોરી પણ કરી, આખો દિવસ ઘરની બહાર રહેવાનું અને ભ‌ણવાનું તો મેં બંધ જ કરી દીધું. લાઈબ્રેરીના નામ પર આખો દિવસ નશો કરવાનો અને મારું મગજ ખાલી નશા માટે જ વિચારતું. હું કંઈ રીતે નશો મેળવું રાતે ઉંઘતી વખતે પણ એ જ વિચારોમાં હોંઉ કે કાલે કંઈ રીતે ઘરે સ્કિમ બનાવીને ઘરેથી પૈસા લઈ નશો કરું. આ બધુ લગભગ બે વર્ષ ચાલ્યું આ કારણે હું બહું ડિપ્રેશનમાં આવી ગઈ અને પોતાની જાતથી ખૂબ જ પછતાવો થવા લાગ્યો. હું શારીરિક અને માનસિક રીતે ખૂબ જ કમજોર થઈ ગઈ. મારા સારા મિત્રોમાંથી એક મિત્રએ મને સલાહ આપી કે, તને નશા મુક્તિ કેન્દ્રની જરૂરિયાત છે અને મારા મમ્મી-પપ્પા સાથે વાત કરી અને અમે ભેગા મળીને એક સંસ્થાનો સંપર્ક કર્યો. પછી મને ત્યાં એડમિશન મળી ગયું. અને 4 મહિનાનો પ્રોગ્રામ કમ્પ્લેટ કર્યો. હવે મારી લાઈફમાં હેપ્પીનેસ છે અને હું મારા સપના પર ફોક્સ કરું છું હવે મને નશાની જરૂર નથી. એ સંસ્થાના મદદથી હું આજે લાઈફ જીવી રહી છું ધોરણ સાતમામાં મારા 95 ટકા હતાં, આઠમામાં 89 %, નવમામાં 95 % અને પછી ડ્રગ્સને કારણે ધો.10માં 65 % આવ્યા.

અન્ય સમાચારો પણ છે...