વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા 10 દિવસીય હુનરહાટમાં 5 દિવસમાં 10 કરોડનો વેપાર અને દોઢ લાખથી વધુ મુલાકાતી નોંધાયા છે. સુરતીઓએ 5 દિવસમાં જ 80 લાખનો નાસ્તો કર્યો છે. લધુમતિ મંત્રાલય દ્વારા 11થી 20 સુધી આ આયોજન કરાયું છે. જેમાં દેશના ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવેલા શિલ્પકારો, દસ્તાકારો દ્વારા 300 સ્ટોલમાં કલાકારીગરી-વાનગી પ્રદર્શિત કરી છે.
હુનર હાટના આયોજકો પાસેથી મળેલી આધારભૂત માહિતી અનુસાર, 300 સ્ટોલમાં અલગ અલગ વસ્તુઓ પ્રદર્શિત કરરાઈ છે. રવિવાર અને સોમવાર એમ પ્રથમ બે દિવસમાં જ 300 સ્ટોલામાંથી 20 સ્ટોલધારકોનો સામાન વેચાઈ જતાં તેમણે તાત્કાલિક નવો સામાન મંગાવ્યો પડ્યો હતો.
પાર્કિંગ છતાં અનેક વાહનો રોડ પર જ પાર્ક કરાયાં
હુનર હાટમાં ભારે ધસારો રહેતાં મુલાકાતીઓના પાર્કિંગતી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ગાંધી કોલેજમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. છતાં ઘણા લોકોએ મેઇન રોડ પર જ વાહનો પાર્ક કરી દેતાં ટ્રાફિક પોલીસે જે તે વાહનો ટો કરીને દંડ વસૂલ કર્યો હતો.
દેશના તમામ શહેરોનો રેકોર્ડ તૂટે તેવો પ્રતિસાદ
સરકારે અત્યાર સુધીમાં દિલ્હી, અમદાવાદ, કર્ણાટક, મૈસુર, લખનઉ સહિતના શહેરો મળીને કુલ 33 હુનરહાટ યોજ્યા છે. સુરતમાં આ 34મું આયોજન છે. દિલ્હીમાં 15 દિવસમાં 12 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. જ્યારે સુરતમાં 10 દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ 5 દિવસમાં જ 10 કરોડ રૂપિયાનો વેપાર થઈ ગયો છે. એટલે અત્યાર સુધીમાં યોજાયેલા હુનર હાટમાંથી સુરતમાં યોજાયેલા હુનરહાટમાં સૌથી વધારે બિઝનેસ થશે એવી આયોજકોને ધારણા છે.
વિનામૂલ્યે આપવામાં આવે છે સ્ટોલ
હુનરહાટમાં સ્ટોલ ધારકોને વિના મૂલ્યે સ્ટોલ આપવામાં આવે છે. સાથે સાથે સ્ટોલના ઓનર અને તેમની સાથે જે હેલ્પર હોય તેમને આવવા જવાનું ભાડું અને પ્રોત્સાહન માટે દિવસ દીઠ 1 હજાર રૂપિયા અપાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.